તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપર એક્સક્લૂઝિવ:વેરાવળમાં 100 વર્ષનાં વૃદ્ધા લાકડીના ટેકે જાતે સ્થળાંતર થયાં, કહ્યું- વાવાઝોડું કંઈ નહિ બગાડે, ડર શેનો? દાદીમાની હિંમતને સલામ

વેરાવળ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • વેરાવળમાં ભારે પવન ફૂંકાય એવી ભીતિ, નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યા છે

વેરાવળમાં વાવાઝોડાને પગલે સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં NDRFની ટીમ અને પોલીસ દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે. વેરાવળના ભીડિયા વિસ્તારમાં સો વર્ષનાં માજી સોનાબેન ખારવા લાકડીના ટેકે જાતે ચાલીને સ્થળાંતર થયાં હતાં. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે વાવાઝોડુંથી ડરવું નહીં, કંઈ નહીં બગાડી લે. સોમનાથ દાદાએ આવાં કંઈક વાવાઝોડાં દૂર ધકેલી દીધાં છે. લોકો ઘર બચાવવા માટે પોતાનાં ઝૂંપડાંને બેલા સાથે બાંધી રહ્યા છે.

લોકોમાં પોતાના ઘર પડી ભાંગે એવી ચિંતા
બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં લોકો પોતાના ઘર બચાવવા ઝઝૂમી રહ્યા છે. લોકો તો સ્થળાંતર થઇ જાય છે, પરંતુ ભારે પવન, પાણી અને વરસાદને કારણે પોતાનાં કાચાં મકાન પછી બચતાં નથી. જેને લઇને એક-એક મોટા બેલા એકઠા કરી લોકો પોતાના ઘરમાં બાંધી રહ્યા છે, જેથી કાચાં મકાન અને ઝૂંપડાં ઊડી ન જાય. ગઈકાલ રાત સુધી શાંત રહેલા વેરાવળ પણ હવે પવન અને હળવા વરસાદથી ઘેરાતું જાય છે અને દરિયામાં મોજાં પણ કરંટ મારતા જાય છે.

લોકોએ પોતાનાં ઝૂંપડાં સાથે બેલા બાંધ્યા.
લોકોએ પોતાનાં ઝૂંપડાં સાથે બેલા બાંધ્યા.

ચોરે અને ચોકે એક જ ચર્ચા સાંજે શું થશે?
ચોરે અને ચોકે એક જ ચર્ચા છે કે સાંજે શું થશે? અનેક વાવાઝોડા આવીને ગયાં, પરંતુ આ વાવાઝોડું જોખમ સર્જશે એવું લોકોના ચહેરા પર પણ દેખાઈ રહ્યું છે. આજે સાંજે વેરાવળમાં ભારે પવન ફૂંકાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે તંત્ર એક્શનમાં પણ આવી ગયું છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. એમાં લોકો પણ સપોર્ટ કરી રહ્યાં છે. કોરોના કહેર વચ્ચે પણ વાવાઝોડાને લડી લેવા તંત્ર અને લોકો હિંમત દાખવી રહ્યાં છે

ઘરને બેલાના સહારે છોડી લોકોએ હિજરત કરી.
ઘરને બેલાના સહારે છોડી લોકોએ હિજરત કરી.

રાઉન્‍ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત
ગીર-સોમનાથના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવાની સંભાવના છે, ત્યારે જાન-માલની નુકસાનની ભીતિ થાય એવાં કાચાં મકાનો અને ઝૂંપડાંમાં રહેતા 3,073 લોકોનું સુરક્ષ‍િત સ્‍થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં વેરાવળ તાલુકાના 332 લોકો, સુત્રાપાડા તાલુકાના 328 લોકો, કોડીનાર તાલુકાના 671 લોકો અને ઉના તાલુકાના 1,742 લોકોને કોવિડ ગાઇડલાઇન મુજબના આશ્રયસ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને જરૂર પડ્યે વધુ લોકોનું સ્થળાંતર કરવા તંત્રએ તૈયારી કરી છે. આ સ્‍થળાંતર કરાયેલા લોકો માટે વહીવટી તંત્ર દ્વારા ભોજન, પાણીની વ્યવસ્થા તેમજ આરોગ્યની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં રાઉન્‍ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયા છે, જેના નં.02876-285063, 285064 છે.

જીવનજરૂરિયાતની ચીજવસ્તુ સાથે સ્થળાંતરણ.
જીવનજરૂરિયાતની ચીજવસ્તુ સાથે સ્થળાંતરણ.

24 ગામના 12 હજાર લોકોનું સ્થળાંતર
ગીર-સોમનાથના દરિયાકિનારાનાં 24 ગામોના લગભગ 12 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની સંભવતઃ ફરજ પડી શકે છે. જોકે સ્થળાંતર પહેલાં આ લોકોનું રેપિડ કિટ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું છે, જેમાં જે-તે દરિયાકાંઠાનાં ગામોની આશાવર્કરો ઘરે ઘરે જઈ શંકાસ્પદ લોકોને શોધી તેમના ગામના કેન્દ્ર ખાતે ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. જે લોકો કોરોનાગ્રસ્ત હશે તેને કોવિડ સેન્ટર અને અન્ય લોકોને સ્કૂલ અથવા સાઇક્લોન સેન્ટર ખાતે સ્થળાંતર કરવાની તંત્રએ કવાયત હાથ ધરી છે.

સ્થળાંતરણ કરાવતા અધિકારીઓ.
સ્થળાંતરણ કરાવતા અધિકારીઓ.