સુદર્શન તળાવ વર્લ્ડ હેરિટેજ બનશે ?:100 વર્ષ જૂની જગ્યા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળે, સુદર્શન તળાવનું તો ઇ.સ. પૂર્વે 2 સદીથી 4 સદીમાં નિર્માણ, પુન: નિર્માણ થયું છે

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ ભાજપ અગ્રણીની મુખ્યમંત્રીને રજૂઆત બાદ ગુજરાત ટુરિઝમે પુરાતત્વ વિભાગને જાણ કરી
  • ભવનાથ મહાદેવ મંદિરની નજીક આવેલ સાંસ્કૃતિક ગ્રાઉન્ડ પાછળ ઐતિહાસિક સુદર્શન તળાવ આવેલું છે. જેને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવા માટે રજુઆત કરાઇ હતી. હવે પુરાતત્વ વિભાગ જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરશે. બાદમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ દરજ્જા અંગે નિર્ણય કરશે.

જૂનાગઢના ભવનાથ સ્થિત સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાવવા માટે તજવિજ હાથ ધરાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના ભાજપ અગ્રણી અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા ભાજપ પ્રભારી પ્રદિપભાઇ ખીમાણીએ 4 જૂન 2022ના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયું હતું કે, જૂનાગઢના ભવનાથ સ્થિત સંસ્કૃતિ ગ્રાઉન્ડ પાછળના ઐતિહાસિક સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવું જોઇએ.

આ માટેના કારણો સાથેની વિગતો આપતા પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું હતું કે, ગિરનારની ગોદમાંથી વહેતી સુવર્ણસિકતા(હાલની સોનરખ નદી) અને પલાશિની નદી(જે હાલ લુપ્ત થઇ ગયેલ છે) તેના સંગમ સ્થાને આ તળાવ આવેલું છે. ચંદ્રગુપ્ત મોર્યના સૌરાષ્ટ્રના સુબા પુુષ્પગતે આ તળાવ બંધાવેલું હતું અને તેને સુદર્શન તળાવ એવું નામ આપ્યું હતું.આ પછી મોર્ય સમ્રાટ અશોકના સમયમાં તેના સુબા યવનરાજ તુષાસ્ફે ખેતીની સિંચાઇ માટે સુદર્શન તળાવમાંથી નહેર કાઢી હતી.

આ કામ એટલું મજબૂત હતું કે 450 વર્ષ ટક્યું હતું. જોકે, શક સવંત 72ના માગશર મહિનાની વદ એકમે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થતા ગિરનારમાંથી નિકળતી સુવર્ણસિકતા અને પલાશિની નદીમાં ભારે પુર આવતા તે તુટીપડ્યું હતું. બાદમાં મહાક્ષત્રપ રૂદ્રદામન સુબા પહલવ સુવિશાખે ફરી બંધ બનાવ્યો હતો(ઇ.સ. 150માં). આ બંધ પહેલા કરતા પણ લંબાઇ અને પહોળાઇમાં ત્રણ ગણો મજબૂત બન્યો હતો.દરમિયાન પ્રદિપભાઇ ખીમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ સ્થાન 100 વર્ષ કરતા જૂનું હોય તો તેનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરી શકાય છે.

ત્યારે સુદર્શન તળાવ તો ઇ.સ.પૂ. 2 સદીથી 4 સદીમાં અલગ અલગ સમયે નિર્માણ અને પુન: નિર્માણ થયેલ છેે. માટે આ અંગેની દરખાસ્ત મોકલવા સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી હતી. દરમિયાન મારી આ રજૂઆતના સંદર્ભે ગુજરાત ટુરિઝમના પ્રોજેક્ટ મેનેજરે વડોદરા સ્થિત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સુપ્રિટેન્ડેન્ટ આર્કિયોલોજીસ્ટ અને ગાંધીનગર સ્થિત આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમના ડિરેકટરને પત્ર દ્વારા જાણ કરી સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાવવા માટે નિયમાનુસાર કાર્યવાહી સત્વરે કરવા જણાવ્યું છે. સાથે થયેલ કામગીરીની પ્રવાસનમંત્રીના અધિક અંગત સચિવ અને તમામ સલંગ્ન અધિકારીને જાણ કરવા જણાવાયું છે.

શું ફાયદો થાય ?
જો સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળે તો ભારતનું અને વિશ્વનું પ્રથમ સેતુ તરીકે સ્થાન મળશે. પ્રવાસન ક્ષેત્રનાં વિકાસને વધુ વેગ મળશે.સામાજિક એકતા અને ભાગીદારી વધશે. સરંક્ષણ અને જાળવણી માટે નાણાંકીય સવલતો ઉપલબ્ધ થશે. શિક્ષણના વિકાસને નવા દ્રષ્ટિકોણથી જોવાશે અને નવા અધ્યાયની શરૂઆત થશે. સ્થાપત્યની દ્રષ્ટિએ તેનું મહત્વ વધી જશે. નવી રોજગારીનું સર્જન થશે. નગર કે શહેરના વિકાસને વેગ મળશે.

યુનેસ્કો ડિકલેર કરી શકે
કોઇપણ સ્થાનને વર્લ્ડ હેરિટેજ તરીકે યુનેસ્કો જ જાહેર કરી શકે. જરૂરી ડોક્યુમેન્ટ સાથેની વિગતો પુરાતત્વ વિભાગે આપવાની હોય છે. યોગ્ય તપાસણી બાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજના દરજ્જા અંગે નિર્ણય કરે છે.

અન્ય સમાચારો પણ છે...