તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોચક ઇતિહાસ:92 વર્ષ પહેલા આજના દિવસે નરસૈયાની નગરી જૂનાગઢ વિજળીથી ઝળહળતી થઇ હતી

જુનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1929માં જૂનાગઢમાં ટમટમીયા ફાણસ યુગનો અંત આવ્યો અને શહેરમાં પ્રથમવાર વિજળી આવેલ
  • નવ દાયકા પૂર્વે તા.26-08-1929 ના રોજ ગર્વનરએ સ્વીચ દાબતા જૂનાગઢમાં અંધકાર યુગનો અસ્ત થયો

આજથી નવ દાયકા પહેલાં નરસૈયાની નગરી જૂનાગઢમાં રાત્રી અંધકારમાં ઘરે-ઘરે ફાનસ-ટમટમીયાના દીવડાઓના પ્રકાશથી જીવન જીવાતુ હતું. તા.26-8-1928ના રોજ જૂનાગઢના છેલ્લા નવાબ મહોબતખાનજીના હસ્તે ધી શેખ મહંમદ ઈલેકટ્રીક સપ્લાય વર્કસ નામનો પાયો નખાયો હતો અને એ નામ નવાબે તેના મિત્રની યાદમાં રાખ્યું હતુ. એક વરસમાં પાવર હાઉસ બંધાઈ ગયું અને તા.26-8-1929 ના રોજ તે સમયના એજન્ટ ટુ ગર્વનરના હસ્તે સ્વીચ દાબવાની સાથે જ જૂનાગઢમાં વિજળીના ગોળા ઝળહળતા થયા હતા. એ સમયે રૂ.7 લાખમાં પાવરહાઉસ બંધાયું હતું.

ઈતિહાસની એ ગાથા જૂનાગઢના ઈતિહાસકાર નૌતમભાઈ દવેના મુલ્યવાન સંગ્રહમાં સચવાયેલી છે. જૂનાગઢના નગરશેઠ રૂગનાથભાઈ રાજાએ પોતાની માલિકીની જમીન આપી ત્યાં પાવર હાઉસ શરૂ કરાવ્યું હતું. આ માટેનો ખાસ સમારંભ બહાદુરખાનજી હાઈસ્કુલ એટલે કે વર્તમાનની વિવેકાનંદ હાઈસ્કુલના મધ્યસ્થ ખંડમાં યોજાયો હતો. જેમાં અમીર ઉમરાવો અંગ્રેજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના નવાબ મહોબતખાનજીએ અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું અને મહોબતખાનજીએ પ્રવચન બાદ સ્વીચ દાબી ઉદઘાટન કરતાં જ લોકો વિજળીની રોશનીનો પ્રકાશ નિહાળવા ઉત્સાહી થઇ નિકળી પડયા હતા અને વિજળી તે સમયે વિસ્મય અને કૌતુક હતું.

14 માસમાં પાવર હાઉસનું કામ પૂર્ણ થયું હતુ
ઈ.સ.1932માં અંગ્રેજ દિવાન પેટ્રીક કેડલે આ પાવર હાઉસનો વહીવટ રાજય સરકારને સુપરત કર્યો હતો. જૂનાગઢના ઈતિહાસકાર પરિમલ રૂપાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢના આઝાદ ચોક નજદીક ધી અમીર શેખ મહમદભાઈ ઉદઘાટન થયું તેની સ્થાપના કરી હતી. નવાબ મહોબતખાનજી ત્રીજાએ ચાંદીના પાત્રમાં રહેલા ચુનના કેલ વડે શાસ્ત્રોક્તવિધીથી ખાતમુર્હુત કર્યું હતું અને 14 માસમાં પાવર હાઉસનું કામ પૂર્ણ થયું હતુ.

વર્ષ 1930માં નવા નગરના મહારાજા જામસાહેબે પાવર હાઉસની મુલાકાત લીધી હતી
ઉદ્દઘાટનના ત્રણ માસમાં જ વધુ વિજ માંગ ઉભી થતાં વધારાનો 50 હજારનો ખર્ચ થયો અને તબક્કાવાર રૂ.6.15 લાખના ખર્ચે તેનું વિસ્તરણ કરાયુ હતુ. તા.31-3-1930 ના રોજ નવા નગરના મહારાજા જામસાહેબે પાવર હાઉસની મુલાકાત પણ લીધી હતી. 1932ના નિયમ મુજબ લાઈટ યુનિટના પા આનો, યુનિટના બે આના, મીટરનો ભાવ લાઈટીંગ મીટરના એક માસના આઠ આના, થ્રી ફેસ મીટરનો એક રૂપીયો ચાર્જ લેવાતો હતો. સર્વીસ કનેકશનના ઈલેકટ્રીક લાઈનથી ઘર સુધી 100 ફૂટ ફ્રી કનેકશન અપાતું હતું. સંચાઓ અર્ધરાત્રીથી સાંજના છ સુધી ચલાવવા મંજુરી અપાતી હતી.

મહત્વની વાત એ પણ છે કે, આ પાવરહાઉસમાં મુળ જૂનાગઢના વતની અને પાકિસ્તાનના વિવિધ હનીફ મહમદ, મુસ્તાક મહમદ, વજીર મહમદ અને સાદીક મહમહમદના પિતાએ પણ તે સમયના પાવર હાઉસમાં ઈલેકટ્રીશ્યન તરીકે ફરજો બજાવી હતી.

વીજળી આગમન પૂર્વેનું જૂનાગઢ
વીજળીના આગમન પહેલા ઘરનો મહિલા વર્ગ ઘરમાં ફાનસ પેટાવતાં કે સુતરની વાટ એક પતરાના ડબલામાં રાખી કેરોસીન ભરેલા એ નાના ડબલાંઓ પેટાવી પ્રકાશ અજવાળતાં અને દરરોજ સાંજે ફાનસના કાચના ફોટામાં રાખ નાખી ગાભા કપડાંથી તેના કાચને ચોખ્ખો કરતાં અને ફાનસની તે વાટનો પ્રકાશ આડો અવળો પ્રકાશતો હોય તો તેનો મોગરો કાતરથી કાપી એક સરખી વાટ કરાતી નવાબના મહેલોમાં ઝૂમરો હતાં. તેમાં કૅન્ડલ લાઈટ કે મશાલો પણ હતી અને માટી દીવડાતો ખરા જ.

અન્ય સમાચારો પણ છે...