ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા રાજનિતીની સાથે સમાજ સેવાનું અભિયાન પણ હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત હાલ અતિ કુપોષિત બાળકોને દત્તક લઇ તેને સુપોષિત બનાવવામાં આવી રહ્યા છે. આ માટે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના ડોકટર સેલના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે સંજયભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વસ્થ ભારત અંતર્ગત સુપોષણ અભિયાન ચલાવવા જણાવાયું છે.
જેના પગલે ગુજરાતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મેડિકલ સેલના પ્રદેશ અધ્યક્ષ ડો.ધર્મેન્દ્ર ગજ્જર દ્વારા સુપોષણ અભિયાન ચલાવવા રાજ્યના દરેક જિલ્લા- મહાનગરોમાં કામગીરી સોંપાઇ છે. ત્યારે જૂનાગઢમાં શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માના માર્ગદર્શનમાં ડોકટર સેલ દ્વારા સુપોષણ અભિયાન ચલાવાઇ રહ્યું છે. ખાસ કરીને આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે. ત્યારે આવનાર કે જન્મ લઇ ચૂકેલ બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે તો દેશ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ કવાયત હાથ ધરાઇ રહી છે.
દરમિયાન જૂનાગઢ મહાનગરમાં અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 90 બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. આવા બાળકોની નિયમિત તપાસ ઉપરાંત પોષ્ટિક આહાર સાથેની કિટ આપવામાં આવે છે. જેના પરિણામે માત્ર એક જ મહિનામાં 90 માંથી 9 બાળકો કુપોષણમાંથી મુક્ત બની સુપોષિત -તંદુરસ્ત બન્યા છે.
સુપોષણ અભિયાન 6 મહિના સુધી ચાલશે જેમાં મોટાભાગના અતિકુપોષિત બાળકોનો સમાવેશ કરવાનું લક્ષ્યાંક છે. જૂનાગઢમાં સુપોષણ અભિયાનને સફળ બનાવવા કાર્યક્રમના ઇન્ચાર્જ સુનિતાબેન સેવક, સહ ઇન્ચાર્જ મનિષાબેન વૈષ્નાણી અને ડોકટર સેલના ડો. શૈલેષભાઇ બારમેડાના માર્ગદર્શનમાં શહેરના 20 થી વધુ પ્રતિષ્ઠિત તબીબો દ્વારા કામગીરી કરાઇ રહી છે.
અતિ કુપોષિત બાળકના લક્ષણ ?
બાળકનું શરીર નબળું હોય, યોગ્ય રીતે ખાતું, પીતું ન હોય, હ્રદયની તકલીફ હોય, કમળો થઇ ગયો હોય, સુસ્ત રહેતું હોય,તંંદુરસ્તી અને બાળક સહજ તરવરાટ ન હોય, અવાર નવાર બિમાર રહેતું હોય, એનેમિયા(લોહીના ટકા ઘટવા)ની બિમારી હોય, પ્રોટિન, વિટામીનની ઉણપ હોય તેવું બાળક અતિ કુપોષિત ગણાય. આવા બાળકના પરિણામે બાળક ઉપરાંત તેમનો પરિવાર પણ સામાજીક તેમજ આર્થિક રીતે હેરાન પરેશાન થઇ જાય છે. > ડો. શૈલેષભાઇ બારમેડા.
કિટમાં શું અપાય છે?
સુપોષણ અભિયાન અંતર્ગત આઇડેન્ટીફાઇ કરેલા બાળકોને તેઓ સુપોષિત બને તે માટેની કિટ ફ્રિમાં અપાય છે. આ કિટમાં કાજુ, બદામ, ખજૂર, સીંગ દાળીયા,પ્રોટિન પાવડર, સીંગની ચિક્કી વગેરે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 90 કિટનું વિતરણ કરાયું છે. > સુનિતાબેન સેવક.
6 મહિના ચાલશે અભિયાન
જૂનાગઢમાં સુપોષણ અભિયાન 5 એપ્રિલ 2022ના શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 6 મહિના ચાલશે. આમાં અતિ કુપોષિત બાળકોની 6 મહિના સારવાર કરવામાં આવે છે. યોગ્ય સારવાર, શું ખાવું, શું ન ખાવું, કયારે ખાવું, કેટલું ખાવું તેની સમજ સાથે પૌષ્ટિક આહાર માટેની અપાતી કિટના કારણે મોટાભાગે 6 અઠવાડિયામાં બાળક અતિ કુપોષિતમાંથી સુપોષિત બની જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.