તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન છેતરપિંડી:સોરઠના ઉના, કુતિયાણા, જૂનાગઢ, વિસાવદર અને વંથલીના લોકો સાથે 8.50 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચેય કિસ્સાઓ અંગે જૂનાગઢ સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વર્તમાન સમયમાં સરકાર દ્વારા ઓનલાઈન વ્યવહારને વધારવા અનેક પ્રોત્સાહન આપી પ્રયાસ કરી રહી છે. ત્યારે લોકોને લાલચ આપી ઓનલાઇન છેતરપીંડીના કિસ્સાઓ પણ દિન- પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે સોરઠના જુદા જુદા જિલ્લાઓમાં ઓનલાઈન છેતરપિંડીનો પાંચ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ઉનામાં એસટી ડેપોમાં કામ કરતા યુવાનના ખાતામાંથી 3.61 લાખ, કુતિયાણાના તરખાઈના યુવાનના 2.19 લાખ, વેકરીયાના મહિલાના 1.96 લાખ, જુનાગઢ સિવિલના નર્સિંગ ઓફિસરના 23,609 તેમજ વંથલીના પ્રૌઢના 58 હજાર ઓનલાઈન ઉપડી ગયા હતા. આ પાંચેય કિસ્સા અંગે ફરિયાદ થતા રેન્જ સાયબર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના તાલુકાના અંજવા પુરપાળા વિસ્તારમાં રહેતા અને ઉના ડેપોમાં ફરજ બજાવતા રમેશ સોલંકીને ગત તા.25-3-2021 ના અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં હિન્દીમાં બોલતા શખ્સએ કહેલ કે, એસબીઆઈમાંથી બોલું છું. તમારૂ સ્ટુડન્ટ એકાઉન્ટ છે જનરલ એકાઉન્ટમાં ફેરવવું પડશે. તેમ કહેતા રમેશ સોલંકીએ ખાતા અને પાનકાર્ડના નંબર તથા ઓટીપી નંબર આપ્યા હતા. બાદમાં તેના ખાતામાંથી નેટ બેન્કીંગ મારફત બારોબાર 3.61 લાખ રૂપીયા ઉપડી ગયા હતા. જે અંગે ફરિયાદ નોંધાઈ છે.

કુતિયાણા તાલુકાના તરખાઈ ગામમાં રહેતા ચેતભાઈ ભાનુશંકરભાઈ જોષીને ગત તા.18-2-2021 ના રોજ અજાણ્યા શખ્સએ એસબીઆઈમાંથી બોલું છું તેવો ફોન કરી તમારા ખાતામાં બે લાખનું ફ્રોડ થયું છે. તેમ કહી 2.41 લાખ ઉપાડી લીધા હતા. બાદમાં 21,266 પરત જમા થયા હતા. બાકીના 2.19 લાખ પરત ન જમા થતા ઓનલાઈન છેતરપિંડી કરી હતી. જે અંગે પણ ફરિયાદ નોંધાઈ છે.

વિસાવદર તાલુકાના વેકરીયા ગામમાં રહેતા નિરૂપાબેન મધુભાઈ સાદીયાને ગત તા.30-3-2021 ના અજાણ્યા શખ્સ વિસાવદર એસબીઆઈ બ્રાન્ચમાંથી બોલું છું. તેમ કહી તમારા ખાતામાંથી 50 હજાર કપાઈ ગયા છે. તમારા એકાઉન્ટ નંબર તથા અન્ય વિગત આપો અને હું જેમ કહુ તેમ પ્રોસેસ કરતા જાવ તેમ કહી ઓટીપી પણ મેળવી લીધો હતો. બાદમાં અજાણ્યા શખ્સએ રૂપીયા ઉપાડી લઈ છેતરપીંડી કરી હતી. જે અંગે પણ ફરિયાદ નોંધાઈ છે.

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં નર્સીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતાં પંકજભાઈ મનસુખભાઈ ભીમાણીને ગત તા.17-9-2020 ના અજાણ્યા શખ્સ આદિત્ય બિરલા કેપિટલના કર્મચારી તરીકેની ઓળખ આપી લોન જોઈતી હોય તો આઈડી પ્રુફ મોકલો તેમ કહી પ્રોસેસના નામે તેમના એસબીઆઈ ખાતામાંથી 23,600 રૂપીયા ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઈન છેતરપિંડી કરી હતી.

વંથલીના કીડી ફળીયા વિસ્તારમાં રહેતા સિદીકભાઈ મુસાભાઈ સોઢાને ફોન-પે કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી કેશ બેક મળશે તેવી લાલચ દઈ તેમના આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાંથી 58,398 રૂપીયા ઉપાડી લીધાની ફરિયાદ નોંધાવી છે. આ પાંચેય ઓનલાઈન છેતરપીંડી અંગેના ગુના રેન્જ સાયબર પોલીસે નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...