કામગીરી:8290 લોકોએ મતદાર બનવા કચેરીનો ધક્કો ખાવો પસંદ કર્યો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 338 લોકો મોબાઇલ એપ અને 53 લોકો પોર્ટલનો ઉપયોગ કરી મતદાર બન્યા

મતદાર બનવાની લોકોમાં આળસ ઉડીને આંખે વળગે એવી હોય છે એ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા સમક્ષ સ્પષ્ટ થઇ ગયું છે. આથી મતદાર યાદીમાં નામ ઉમેરવા ઉપરાંત તેમાં કોઇ સુધારો હોય તો તેના માટેનું અભિયાન ચાલી રહ્યું છે.

લોકો ઘેરબેઠાં ફક્ત પોતાના મોબાઇલ ફોન પર આંગળીના ટેરવે આ ફેરફાર કરી શકે. એને બદલે માત્ર 5 ટકા લોકોએ મોબાઇલ એપ અને વેબસાઇટ પોર્ટલનો ઉપયોગ કર્યો છે. આ અંગે જૂનાગઢ જિલ્લા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી. એન. સરવૈયાએ જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ મતદાર બનવા, જો યાદીમાં નામ હોય તો તેમાં નામ, સરનામું કે બીજી કોઇ વીગતમાં ફેરફાર કરવા માટે ચૂંટણી પંચની મોબાઇલ એપ્લીકેશન અથવા ઓનલાઇન પોર્ટલ પર ઘેરબેઠાં આંગળીના ટેરવે જાતે એ કામ થઇ શકે. એને બદલે લોકો હજુ આ માટે કચેરીએ ધક્કા ખાય છે.

અમને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 8681 ફોર્મ મળ્યા છે. જેમાંથી મોબાઇલ એપ્લીકેશન પરથી 338 અને વોટર પોર્ટલ પરથી 53 લોકોએ ફોર્મ ભર્યા છે. જ્યારે 8290 લોકોએ કચેરીએ ધક્કો ખાઇને ફોર્મ ભર્યા. અત્રે નોંધનીય છેકે, કોઇપણ વયના લોકો મોબાઇલ ફોન પર કલાકો સુધી પોતાનો સમય વેડફતા હોય છે. પણ મતદાર બનવા જેવી અગત્યની બાબતમાં કાં તો મોબાઇલ ફોન પર ભરોસો નથી કરતા અથવા એમાં મગજ દોડાવવાની તસ્દી નથી લેતા એ વાત દીવા જેવી સ્પષ્ટ છે.

જાતે ફોર્મ ભરવા આટલું જોઇએ

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો 200 કેબીની મર્યાદામાં
  • આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ધો. 10 ની માર્કશીટ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પૈકી કોઇ એક
  • કઇ જગ્યાએ નામ નોંધાવવું છે તેના રેફરન્સ માટે માતા-પિતા, ભાઇ-બહેન અથવા મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય એવા ઘરના સભ્યના ચૂંટણી કાર્ડની નકલ
  • સરનામાના દાખલા માટે પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, લાઇટ બીલ કે ટેલીફોન બીલ પૈકી કોઇપણ એકની નકલ.
  • 21 વર્ષ કે તેની વધુ વયની વ્યક્તિએ પ્રથમ વખત મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું હોય તો તેમનું નામ કોઇ બીજી જગ્યાએ મતદાર યાદીમાં નોંધાયેલું નથી એ મતલબનું એકરારનામું ડાઉનલોડ કરી તેમાં સહી કરી ફરી અપલોડ કરવાનું રહેશે.

હજુ 30 નવેમ્બર સુધી તક મળશે
​​​​​​​જે લોકોના નામ મતદાર યાદીમાં નથી. અથવા તેમાં કોઇ જાતનો સુધારો કરાવવાનો છે તેઓ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં મતદાન કરવા માટે અત્યારે ઓનલાઇન, મોબાઇલ એપ્લીકેશન અથવા કચેરીએ જઇને નામ ઉમેરાવી અથવા સુધારો કરાવી શકે છે. 30 નવેમ્બર 2021 પછી તેમાં કોઇ ફેરફાર નહીં થઇ શકે એમ પણ ચૂંટણી શાખાના સુત્રોએ જણાવ્યું છે.

1,45,902 યુવાનો હજુ મતદાર નથી બન્યા
દેશનું ભાવિ ગણાય એવા 18 થી 29 વર્ષની વયના જૂનાગઢ જિલ્લાના કુલ 1,45,902 લોકો હજુ મતદાર નથી બન્યા.

અન્ય સમાચારો પણ છે...