એસટી બસના ડ્રાઇવરોની વાત:હાઇવે પર 80 ટકા નાઇટ ડ્રાઇવીંગ ભગવાનના જ ભરોસે ચાલતું હોય છે

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એસટી બસને ક્યારેય અકસ્માત ન થયો હોય એવા ડ્રાઇવરોની વાત

આપણે ત્યાં એસટી એટલે સામાન્ય માનવીની જીવાદોરી. લાખ્ખો નાગરિકો પોતાના રોજગાર, નોકરી માટે એસટીનો બહોળા પ્રમાણમાં લાભ લે છે. બીજી તરફ હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પોતાની એસટી ડ્રાઇવર તરીકેની આખી કારકિર્દીમાં એકપણ અકસ્માત ન થયો હોય એવા ડ્રાઇવરોએ રાખેલી તકેદારી અને નાના વાહનવાળા શું ભૂલ કરતા હોય છે એના અનુભવો તેમના શબ્દોમાં રજૂ કર્યા છે. ડ્રાઇવરોના મતે હાઇવે પર જો નાના વાહનવાળા ભૂલ કરે તો એ ભૂલ સુધારવાનો બીજો મોકો નથી મળતો. અને જેઓ બચી જાય તે કાર ચલાવવા લાયક નથી રહેતા.

હેડલાઇટ ડીમફૂલ કરીએ તો અકસ્માત ન થાય
હાઇવે પર 90 ટકા ડ્રાઇવરો નાઇટમાં હેડલાઇટ ડીમ ફૂલ નથી કરતા. બધા ફૂલ લાઇટજ રાખે છે. જો ડીમ કરતા હોય તો 50 ટકા અકસ્માત બંધ થઇ જાય. મેં 17 વર્ષ ડ્રાઇવીંગ કર્યું. માંડવી-સોમનાથ રૂટ પર ચાલતો એમાં માંડવીથી મોરબી સુધી ફોરટ્રેક નહોતો. આથી ખુબ એલર્ટ રહેવું પડતું. ફોરટ્રેકમાં પણ બધા જમણી સાઇડે વાહન ચલાવે છે. એટલે નાઇટમાં સામેની સાઇડની હેડલાઇટ બહુ નડે. જો ડાબી સાઇડે જઇએ તો એ તકલીફ અડધી થઇ જાય. નાઇટમાં ડીવાઇડર તોડીને જે ક્રોસીંગ બનાવ્યા હોય ત્યાં બહુ અકસ્માત થતા હોય છે. વળી નવી કાર લઇને 100 ની સ્પીડે જનાર ડ્રાઇવરને ખબરજ નથી હોતી કે મારે અચાનક બ્રેક મારવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર જોઇશે.> વલ્લભભાઇ ભાદરકા, જૂનાગઢ ડેપો

કાલાવડ-જામનગર વચ્ચે 78 વળાંક ખતરનાક
મેં 29 વર્ષ ડ્રાઇવર તરીકે કામ કર્યું એમાં 5 વર્ષ સુરત અને છેલ્લા 24 વર્ષથી એકધારો જૂનાગઢ-જામનગર રૂટ પર ચાલું છું. જેમાં કાલાવાડથી જામનગર વચ્ચે 78 વળાંક છે. એમાંય સપડા, મોણપરમાં એસ વળાંક ખતરનાક છે. વીજરખી ડેમમાં તો 2 એસ ટાઇપ વળાંક છે. જામનગરમાં બસ સ્ટેન્ડથી નિકળીએ એટલે ચાંદીબજાર, દરબાર ગઢ, કાલવાડ નાકા બહાર આ બધા સ્થળોએ લોકો રોડ પર બાઇક પર પગ ચઢાવીને રસ્તો રોકી ચા પીતા હોય. ત્યાં સૌથી વધુ ટ્રાફિક હોય. તો સુરત-માંડવીની બસ હું બરાબર સાંજે 6:10 વાગ્યે લઇને નીકળતો. એ સમયે વરાછા રોડ પર સૌથી વધુ ટ્રાફિક હોય. આવા સ્થળે કોઇને બસ અડે પણ નહીં એ રીતે કાઢવાની હોય. આના માટે બસ એસટીની નહીં, મારી માલિકીની છે એમ માનીને ચલાવું એટલે અકસ્માત ન થાય. > લોદી સાહેબખાન ઇબ્રાહીમખાન, જૂનાગઢ ડેપો

રોડની ડાબે સફેદ પટ્ટા પર નજર રાખો, વાંધો નહીં આવે
મારે એસટી ડ્રાઇવર તરીકે આ 23 મું વર્ષ છે. અત્યાર સુધી વાંકાનેર, કેશોદ અને હવે જૂનાગઢ ડેપોમાં ફરજ બજાવું છું. પણ એકેય વખત ગાડી ક્યાંય અડી નથી. રોડ પર આગળના વાહનથી 10 થી 15 ફૂટનું અંતર રાખવું પડે. સૌથી વધુ તકલીફ નાઇટ ડ્રાઇવીંગમાં થાય. કારણકે, એસટી બસની હેડલાઇટોમાં હેલોજન 90 થી 100 નો હોય છે. જ્યારે કાર કે ખાનગી વાહનનો હેલોજન 120 થી નીચેનો નથી હોતો. સફેદ લાઇટ આપણને આંધળા કરી મૂકે. આ સમયે તેની સામે જ નહીં જોવાનું. પણ રોડની ડાબી બાજુ સફેદ પટ્ટા પર નજર રાખવાની > દેવાયતભાઇ સિંધવ, જૂનાગઢ

​​​​​​​નાઇટ ડ્રાઇવીંગ માટે એસટીના સિનીયર ડ્રાઇવરોની ટીપ્સ

 • ​​​​​​​ પાછળવાળો ઓવરટેક કરતો હોય તો આપણે લીવર છોડી દેવું
 • 80 ટકા ડ્રાઇવરો નાઇટ ડ્રાઇવીંગમાં ભગવાન ભરોસેજ હોય છે
 • ભીડભાડવાળા વિસ્તારોમાં વાહનનો મોરાની જગ્યા હોય તો જ નિકળવું
 • નાઇટ ડ્રાઇવીંગ વખતે કારના મીડલ મીરરને સહેજ ઉપર કરી દેવાથી પાછળના વાહનની લાઇટ આંખ પર નહીં આવે અને લાઇટ પણ દેખાશે
 • નાઇટ ડ્રાઇવીંગ વખતે પાછળ વાહન આવતું હોય તો ખાડો ન તારવવો
 • ફોરટ્રેક પર ડાબી બાજુ પકડી રાખો તો હેડલાઇટથી અંજાવાની સમસ્યા ઓછી થાય
 • નાઇટ વખતે રોડ પરના રીફ્લેક્ટર પર નજર રાખવી, એ બહુ ઉપયોગી બને

​​​​​​​ગમે તેવા સંજોગોમાં મગજ પર બરફ રાખવો, મોબાઇલ નો ઉપયોગ ન જ કરવો તમારે લીધે અકસ્માત ન થાય એ માટે આ ધ્યાન રાખો

 • ​​​​​​​ હીલ પર ડ્રાઇવીંગ વખતે ચઢાણ કરતા વાહનને સાઇડ આપી દેવી
 • નવા વાહનોમાં સફેદ હેલોજન કે એલઇડી બીજા માટે જોખમી
 • નાઇટમાં સામેથી વાહન આવે તો તમારી હેડલાઇટ ડીમ કરી નાંખો
 • નાઇટ ડ્રાઇવીંગમાં બધા હેડલાઇટ ફૂલ-ડીમ કરતા થઇ જાય તો 50 ટકા અકસ્માત અટકે
અન્ય સમાચારો પણ છે...