રેસ્ક્યુ LIVE:સોમનાથ નજીક બે બોટમાં 8 ખલાસીઓ ફસાયા, 3 કલાકની જહેમત બાદ તમામ ખલાસીને બચાવી લેવાયા

એક વર્ષ પહેલા
  • પ્રાંત અધિકારી, મામલતદાર, NDRFની ટીમ પણ સ્થળ પર

વેરાવળ સોમનાથના દરિયામાં બે બોટો સાથે ફસાયેલા 8 ખલાસીઓને બચાવવા માટે અઢી કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ભારે જહેમત બાદ 5 ખલાસીઓને સલામત રીતે બચાવી લેવાયા છે. જ્યારે અન્ય ત્રણ ખલાસીઓને બચાવવા માટે દરિયામાં કોસ્ટગાર્ડ અને માછીમારોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું અને તેમને પણ પણ હેમખેમ બચાવી લેવાયા છે.

3 કલાક ચાલી બચાવ કામગીરી
રેસ્ક્યુ કામગીરીમાં બે મોટી બોટો અને એક નાની હોડીમાં કોસ્ટગાર્ડના જવાનો, મરીન પોલીસનો સ્ટાફ સાથે માછીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સહીત આગેવાનોએ જાનના જોખમે દરિયામાં ખલાસીઓને બચાવવા જઈ ત્રણ કલાક સુધી દરીયામાં લોથ ઉછળતા મોજા વચ્ચે રેસ્ક્યુની કામગીરી કરી બચાવની કામગીરી સફળતાપૂર્વક પુરી કરી હતી.

સ્થાનિક માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા
તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં વિનાશ વેરી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ નજીક આવેલા ભીડીયા બંદરમાં બે ફિશિંગ બોટ દરિયામાં ફસાઈ હતી. જેમાં 8 જેટલા માછીમારો હોવાનું બહાર આવ્યું છે. માછીમાં સાથેની બોટ દરિયામાં ફસાઈ હોવાની જાણ થતાં સ્થાનિક માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા. માછીમારો અને કોસ્ટગાર્ડની ટીમ બંદરે પહોંચી છે અને હાલ ફસાયેલા માછીમારોને હેમખેમ પરત લાવવા માટેની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી .પ્રાંત અધિકારી, મામલતદાર, NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખલાસીઓને બચાવવા અભિયાન શરૂ કર્યું હતું.

વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં વિનાશ વેર્યો
ઉનાથી ગુજરાતમાં દાખલ થયેલા વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં વિનાશ વેર્યો છે. ગીર સોમનાથમાં સૌથી વધુ અસર ઉના તાલુકામાં થઇ છે. ઉનાના કેસરિયા ગામમાં વાવાઝોડાએ તબાહી સર્જી છે.

અન્ય સમાચારો પણ છે...