તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની કસોટી:શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં 72.75 ટકા શિક્ષકો ગેરહાજર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક સજ્જતા સર્વેક્ષણથી દુર રહ્યા !! : સવારથી જ વિરોધનાં મેસેજ ફરતા કરાયા હતા
  • અનેક વખત રજૂઆતો, સમજાવટ કરાઇ છત્તાં માત્ર 27.25 ટકા શિક્ષકોએ જ સર્વેક્ષણમાં ભાગ લીધો

અનેક મતમતાંતરના અંતે આખરે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાયું હતું. જોકે, તેમાં જિલ્લામાંથી માત્ર 27.25 ટકા શિક્ષકો જ જોડાયા હતા જ્યારે 72.75 ટકા શિક્ષકો સર્વેક્ષણથી દુર રહ્યા હતા. આ અંગે મળતી વિગત મુજબ 24 ઓગસ્ટના સમગ્ર રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાવાનું હતુું જેની જાણ થતાની સાથે જ શિક્ષકોમાં કચવાટ ફેલાયો હતો. એમાંપણ રાજ્ય સરકારનો પરિપત્ર અને બાદમાં જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક કક્ષાના પરિપત્રના કારણે શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો હતો.

સ્થાનિક પરિપત્રનું અર્થઘટન 100 ટકા ફરજીયાત હાજરી છે એવું લાગતા શિક્ષકો આકરા પાણીએ થયા હતા. દરમિયાન શિક્ષકોના 3 સંઘમાં પણ મતમતાંતર હોય શિક્ષકો અવઢવમાં પડ્યા હતા કે કરવું શુું? સર્વેક્ષણમાં જોડાવું કે બહિષ્કાર કરવો? જ્યારે બહિષ્કાર કરે તો પાછળથી તેના રિએકશન કેવા હશે તેને લઇને પણ કેટલાક શિક્ષકોમાં જાતજાતના તર્ક વિતર્ક થયા હતા. દરમિયાન મંગળવારે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાયું હતું જેમાં જૂનાગઢ જિલ્લામાં શિક્ષકોની ઓછી હાજરી પરથી લોકોને એવું લાગ્યું કે, વિદ્યાર્થીઓની પરીક્ષા લેનાર શિક્ષકોને પરીક્ષાનો ભય લાગ્યો છે.

પરિણામે મોટાભાગના શિક્ષકો સર્વેક્ષણથી દૂર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં માત્ર 27.25 ટકા શિક્ષકોની જ હાજરી જોવા મળી હતી! જ્યારે 72.75 ટકા શિક્ષકો, શિક્ષક સજ્જતા સર્વેક્ષણથી અળગા રહ્યા હતા. અનેક રજૂઆતો, સમજાવટ છત્તાં મોટાભાગના શિક્ષકોએ, શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરી તેમાં ભાગ લીધો ન હતો. ત્યારે હવે શું થાય છે તે જોવું રહ્યું.

દાળમાં કાળું નહિ, આખી દાળ જ કાળી છે!!
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે તૈયારી ચાલતી હતી. તે દરમિયાન જ સોશ્યલ મિડીયામાં મેસેજ વાઇરલ થયા હતા. આ મેસેજમાં જણાવાયું હતું કે, પરીક્ષામાં બેસવું જ નથી. કારણ કે, માત્ર દાળમાં જ કાળું નથી, આખી દાળ જ કાળી છે! પરિણામે અનેક શિક્ષકો જોડાયા ન હતા.

કેશોદમાં 20 શિક્ષકોએ પરીક્ષા આપી
કેશોદના 10 ક્લસ્ટર કેન્દ્રો પર શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષામાં 460 માંથી 20 પ્રાથમિક શિક્ષકોએ પરીક્ષા આપી હતી.

બધું લખાવી દેવાશે તેવા પણ મેસેજ ફરતા થયા હતા!
દરમિયાન એવા પણ મેસેજ વાઇરલ થયા હતા કે, તમે ચિંતા ન કરો બધું લખાવી દેવાશે! ત્યારે શિક્ષકોએ જણાવ્યું હતું કે, તેઓ કદી પણ ચોરી કરશે નહિ અને તે માટે પ્રોત્સાહન પણ આપશે નહિ.

જૂનાગઢ જિલ્લાનું ચિત્ર
જૂનાગઢ જિલ્લામાં કુલ 90 સેન્ટર છે. કુલ 9 તાલુકા આવેલા છે જેમાં રજીસ્ટ્રર શિક્ષકોની સંખ્યા 3,717 છે. આમાંથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં માત્ર 1,013 શિક્ષકો જ હાજર રહ્યા હતા. જ્યારે 2,704 શિક્ષકોએ ભાગ લીધો ન હોય તેઓ ગેરહાજર રહ્યા હતા. - આર. એસ. ઉપાધ્યાય, ડીઇઓ.

અન્ય સમાચારો પણ છે...