SSC પરિણામ:જૂનાગઢ જિલ્લાનું 66.25 ટકા પરિણામ, ખેડૂત પુત્રએ 99.99 PR મેળવી બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી માતા-પિતા અને શાળા સંચાલક સાથે - Divya Bhaskar
સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી માતા-પિતા અને શાળા સંચાલક સાથે
  • 486 વિધાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો
  • જિલ્લામાં 19,771 માંથી 13,098 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા
  • જિલ્લામાં સૌથી વધુ દિવરાણા કેન્દ્રનું 80.17 % ટકા અને સૌથી ઓછું શાપુર સોરઠ કેન્દ્રનું 37.87 % ટકા પરિણામ આવ્યું
  • જિલ્લામાં 7 શાળાઓનું 100 ટકા અને 6 શાળાઓનું શુન્ય (0) ટકા પરિણામ આવ્યુ

આજે જાહેર થયેલ ધો.10 નું સમગ્ર રાજ્યનું 65.18 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે જૂનાગઢ જિલ્લાનું 66.25 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10માં જૂનાગઢ જિલ્લામાં કુલ 19,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 486 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 1694 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ સમગ્ર જિલ્લામાં 19,771 માંથી 13,098 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં સૌથી વધુ દિવરાણા કેન્દ્રનું 80.17 % ટકા અને સૌથી ઓછું શાપુર સોરઠ કેન્દ્રનું 37.87 % ટકા પરિણામ આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં આલ્ફા સ્કુલમાં અભ્યાસ કરતા ખેતીકામ કરતા ખેડૂતના પુત્રએ 99.99 PR મેળવી બોર્ડ અને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે.

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.10 ના પરિણામમાં કયાંક ખુશી ક્યાંક ગમ જેવુ છે. જો કે સમગ્ર રાજ્યનું પરિણામ 65.18 ટકા જેવું આવ્યુ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાનું 66.25 ટકા આવેલ પરિણામની વાત કરીએ તો આજે જાહેર થયેલ જિલ્લામાં 19,771 માંથી 13,098 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં 486 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 1,694 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ, 2821 વિદ્યાર્થીઓએ B-1, 3475 વિદ્યાર્થીઓએ B-2, 3173 વિદ્યાર્થીઓએ C-1, 1382 વિદ્યાર્થીઓએ C-2, 66 વિદ્યાર્થીઓએ D અને 6674 વિદ્યાર્થીઓએ E-1 & 2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

જિલ્લામાં સૌથી વધુ દિવરાણા કેન્દ્રનું 80.17 % ટકા અને સૌથી ઓછું શાપુર સોરઠ કેન્દ્રનું 37.87 % ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે બાકીના કેન્દ્રોની વાત કરીએ તો જૂનાગઢ ગીરનાર કેન્દ્રનું 57.99 ટકા, જુનાગઢ દાતાર 63.77 ટકા, કેશોદ 59.15 ટકા, માણાવદર 53.21 ટકા, માંગરોળ 62.27 ટકા, વિસાવદર 61.14 ટકા, માળીયાહાટીના 58.44 ટકા, ભેસાણ 70.78 ટકા, મેંદરડા 76.62 ટકા, ચોરવાડ 60 ટકા, રાણપુર સોરઠ 57.99 ટકા, મજેવડી 69.21 ટકા, ગડુ શેરબાગ 65.66 ટકા, જોષીપુરા 75.12 ટકા, અક્ષરવાડી (જુનાગઢ) 74.59 ટકા, લોએજ 73.75 ટકા, સરડીયા 74.55 ટકા પરિણામ આવેલ છે.

આજે જાહેર થયેલ પરિણામમાં જિલ્લામાં 7 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે 6 શાળાઓનું પરિણામ શુન્ય(0) આવેલ છે. જિલ્લામાં 30 ટકાથી ઓછું પરિણામ 42 શાળાઓનું આવ્યુ છે. અત્રે નોંધનીય છે કે ગત સને.2020 માં લેવાયેલ ધો.10 ની પરીક્ષામાં જૂનાગઢ જિલ્લાનું પરિણામ 54 ટકા જેવું આવેલ જેની સામે આ વર્ષે 2022 માં 12 ટકા જેટલું વધીને 66 ટકા જેવું આવ્યુ છે.

જિલ્લાના આલ્ફા સ્કુલના વિદ્યાર્થીને સર્વાધિક 600 માંથી 588 માર્કસ
આજે જાહેર થયેલ ધો.10 ના પરિણામમાં જૂનાગઢની આલ્ફા સ્કુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી વિશ્વજીત વજુભા પરમારે રેકર્ડબ્રેક 588 જેટલા માર્ક સાથે 99.99 PR મેળવી બોર્ડ અને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હોવાનું આલ્ફા સંકુલના સંચાલક જીજ્ઞેશભાઈ નકુમે જણાવતા કહેલ કે, વિદ્યાર્થી વિશ્વજીત જિલ્લાના માંગરોળ તાલુકાના ગોતાણા ગામનો રહીશ અને સ્કુલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. તેણે 600 માંથી 588 સર્વાધિક માર્કસ મેળવ્યા છે. જેમાં ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્કસ મેળવ્યા છે.

વિશ્વજીત પરમારને ક્લાસ-1 ઓફિસર બનવું છે
આ સફળતા અંગે વિદ્યાર્થી વિશ્વજીત પરમારે કહેલ કે, અમે 10 સભ્યોના સયુંકત પરીવારમાં ગોતાણા ગામે રહીએ છે અને મારા પરિવારજનો ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. હું સ્કુલની હોસ્ટેલમાં રહીને દરરોજ 14 કલાક જેવો અભ્યાસ શિક્ષકોના માર્ગદર્શન નીચે કરતો હતો. શાળામાં વ્યક્તિગત અભ્યાસને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે અલગથી શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવતુ જેના કારણે પરિણામમાં સફળતા મેળવી શક્યો છું. ભવિષ્યમાં ક્લાસ-1 ઓફિસર બનવાની ઈચ્છા છે.

માતા-પિતા નથી, સરકારી ચિલ્ડ્રન હોમમાં રહીને બી-1 ગ્રેડ
જૂનાગઢના ચિલ્ડ્રન હોમમાં રહેતો નિલેશ રમેશભાઇ ભરડવા મૂળ વેરાવળ તાલુકાના આનંદપરા ગામનો વતની છે. પણ માતા-પિતા બંનેના મૃત્યુ બાદ તે મામા સાથે પોરબંદર હતો. જોકે, છેલ્લા 5 વર્ષથી તે ભણવા માટે જૂનાગઢના સરકારી ચિલ્ડ્રન હોમમાં દાખલ થયો. સરકારી શાળામાં ભણ્યો અને એસએસસીમાં બી-1 ગ્રેડ મેળવ્યો. તે હવે કૃષિ યુનિ.માં હોર્ટીકલ્ચર પોલીટેક્નીકમાં ભણી આગળ સારી નોકરી કરવા ઇચ્છે છે. તેને મેથ્સમાં સૌથી વધુ તકલીફ પડતી. અને સોશ્યલ સાયન્સમાં ખુબ રસ પડે. આથી તે શાળા અને ટ્યુશન બાદ કરતાં રોજ 10 કલાક મહેનત કરતો. વર્ષ દરમ્યાન તેણે 25 પેપર સોલ્વ કર્યા છે. ઘેર બધી સગવડો સાથે ભણતા વિદ્યાર્થીઓ માટે જબરદસ્ત દાખલો તેણે બેસાડ્યો.

સામાન્ય પરિવારની દિકરીઓની સફળતા
(1) સરસ્વતિ સ્કૂલની હેમાંગી કારીયાએ 99.72 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેમના પિતા હરેશભાઇ કારીયા ખાખરા વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે. મોટાભાઇ સીએનો અભ્યાસ કરતા હોય તેને પણ સીએ બનવું છે.
(2) સરસ્વતિ સ્કૂલની પારેખ હેત્વીએ 99.84 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેમના પિતા કેતનભાઇ પારેખ મોબાઇલ રિપેરીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને પણ સીએ બનવું છે.
(3) સરસ્વતિ સ્કૂલની લાખાણી આસ્તાએ 99.65 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેમના પિતા મહંમદ હુસેનભાઇ ફ્રુટ વેંચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને પણ સીએ બનવું છે.

અન્ય સમાચારો પણ છે...