વિતરણ:36,000 ખેડૂતોને આંબાની 60 હજાર કલમોનું કરાશે વિતરણ

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રમાં કેસર કેરી, નાળિયેરીનો વિસ્તાર વધારવા પ્રયાસ
  • તાલાલા, કોડીનાર અને ઊનામાં કેસર કેરી, માંગરોળમાં નાળીયેરીના રોપાનો ઉછેર

ગિર પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હવે ફરી આંબાના વિસ્તાર અને વ્યાપ વધવાનો છે. આ અંગે જૂનાગઢના મદદનીશ બાગાયત નિયામક વિશાલ હદવાણીએ કહ્યું હતું કે, આંબાની કલમની માગણી માટે સૌરાષ્ટ્રભરમાંથી 3,600 અરજીઓ આવી હતી, જેને આબાંની કલમ વિતરણ માટે બાગાયત વિભાગે મંજૂરી આપી દીધી છે. જેથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ચાલુ વર્ષે 60 થી 70 હજાર આંબાની કલમનું વિતરણ થવાનું છે. નાયબ બાગાયત નિયામક હેમાંશુ ઉસદડિયાએ કહ્યું હતું કે, જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં કુલ 4 બાગાયત વિભાગના રોપ ઉછેર કેન્દ્રો આવેલા છે.

જેમાંથી જૂનાગઢ જિલ્લાની 1 માંગરોળમાં અને બીજી 3 ગિર સોમનાથ જિલ્લાના તાલાલા, કોડિનાર અને ઉનામાં આવેલ છે. જેમાં માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ તૈયાર કરવામાં આવે છે. જયારે તાલાલા, કોડિનાર અને ઉનાની ત્રણેય નર્સરીઓમાં આંબાની કલમો તૈયાર કરવામાં આવે છે. આંબા, ચીકુ, જામફળ, સિતાફળ, જાંબુ, આંબળા, લીંબુ, દાડમ સહિતના ફળ પાક માટે સરકાર દ્વારા અનેક પ્રકારની સહાય પાક અને વાવેતર પ્રમાણે આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં આંબાનો 8,650 હેકટર વાવેતર વિસ્તાર છે અને, નાળિયેરનો 6,300 નો.

જ્યારે લીંબુનો 480, બોરનો 300, કેળાનો 550, જામફળ 180, દાડમ 110, ખારેક 13, પપૈયા 60, સિતાફળ 600, કેળા 50 તેમજ અન્ય ફ્રુટ 250 હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. આમ જૂનાગઢ જિલ્લામાં ફળોમાં સૌથી પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક મળે છે. ખેડૂતોને જે કોઇ પણ ફળાઉ પાકના રોપા જોતા હોય તો આઈ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) ઉપર જોઇતા રોપાની સંખ્યા સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...