એલસીબીએ દોલતપરામાંથી વિદેશી દારૂનું કટીંગ થતી વેળા દરોડો પાડી દારૂના જથ્થા સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. દારૂની બદીને નાબુદ કરવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાતમી મળી કે, દોલતપરાના ઇન્દ્રેશ્વર રોડ વિસ્તારમાં રહેતા યોગેશ હરજીવનભાઇ પરમારે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે.
આ દારૂનો જથ્થો પ્લાસ્ટિકના ભંગારના ડેલામાં રાખી કટીંગ થઇ રહ્યું છે.બાદમાં એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે દરોડો પાડી 6 શખ્સોને ઝડપી લીધા છે. એલસીબીએ દરોડા સ્થળ પરથી 1,17,100નો વિદેશી દારૂ, એમએચ 18 એએ 8012 નંબરનો 7 લાખની કિંમતનો ટ્રક, મોબાઇલ ફોન 3 કિંમત 30,000 તેમજ રોકડા 6,500 મળી કુલ 8,53,600નો મુદ્દામાલ કબ્જે કરી છએ શખ્સોને એ ડિવીઝન પોલીસ હવાલે કર્યા છે.
આ ઉપરાંત પોલીસે જૂનાગઢ, ભેંસાણ, ચોરવાડ, માળિયા હાટીના સહિતનાં વિસ્તારોમાં દેશી દારૂ પર ઘોસ બોલાવી હતી. અને 90 લિટર જેટલો દારૂનો જથ્થો ઝડપી પાડી વહેંચનાર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પેટ્રોલીગ દરમિયાન જાહેરમાં પીધેલી હાલતમાં લથળીયા ખાતા શખ્સને પણ ઝડપી લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેનીય છે કે, સોરઠ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દારૂનાં ધંધાર્થીઅો પર પોલીસે ઘોસ બોલાવવાનું શરૂ કરતા ફફડાટ ફેલાયો છે. આ કામગીરી હજુ પણ શરૂ રહેનાર હોવાનું જાણવા મળેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.