તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂકાદો:જૂનાગઢમાં 17 કિલો સોનાની લૂંટમાં ચાર વર્ષનાં જેલવાસ બાદ 6 નિર્દોષ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાલ નજીક બનેલી ચકચારી ઘટનામાં કોર્ટનો ચૂકાદો
  • ચોકસી વચ્છરાજ મકનજીની પેઢીનું 5.75 કરોડનું સોનું લૂંટાયું 'તું

જૂનાગઢની ચોકસી વચ્છરાજ મકનજીની પેઢીનું રૂપિયા 5 કરોડ 75 લાખની કિંમતનું 17 કિલોથી વધુ સોનું 4 વર્ષ પહેલાં લૂંટાયું હતું. આ ગુનામાં પોલીસે 6 શખ્સોને ઝડપી લીધા હતા. આ અંગેનો કેસ ચાલી જતાં કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે.

જૂનાગઢની ચોકસી વચ્છરાજ મકનજીની પેઢીના દિપક નટુભાઇ ચોકસીએ વર્ષ 2018 માં જૂનાગઢ તાલુકા પોલીસમાં રૂ. 5 કરોડ 75 લાખની કિંમતના 17 કિલો 900 ગ્રામ સોનાની વડાલ પાસે કારને આંતરી લૂંટની ફરિયાદ નોંધાવી હતી. આ સોનું અમદાવાદથી જૂનાગઢ લાવવામાં આવતું હતું ત્યારે લૂંટની ઘટના બની હતી. જેમાં પોલીસે ગણત્રીના કલાકોમાંજ ગુનાનો ભેદ ઉકેલી ગૌતમ પ્રવિણભાઇ મજીઠિયા, એઝાઝ ઉર્ફે એઝાઝબાપુ ઇકબાલ ચિશ્તી, મુશ્તાક ગુલામ મોયુદ્દીન કાદરી, મુનિર આમદ સીડા, વસીમ હબીબ સાંધ અને ઇકબાલ ઉર્ફે ડાડો મહંમદ ઠેબાને ઝડપી લઇ લૂંટાયેલા સોના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ બાદ છએ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરાયા હતા. બધાજ આરોપીઓ અત્યાર સુધી જેલમાંજ હતા. દરમ્યાન આ અંગેનો કેસ જૂનાગઢની ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલી જતાં જજ રીઝવાના બુખારીએ બચાવ પક્ષના વકીલ કિશનભાઇ ડી. દવે અને યોગેન્દ્રસિંહ એમ. ઠાકોરની દલીલોને માન્ય રાખી તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

તપાસ સોંપી દીધા પછી PSIએ સહી શા માટે કરી?
કોર્ટે ચૂકાદામાં નોંધ કરી હતી કે, આ ગુનામાં પીએસઆઇએ તપાસ બીજાને સોંપી દીધા પછી પણ પંચોમાં સહી શા માટે કરી એ સમજાતું નથી.

આ કારણોને લઇ આરોપીઓ નિર્દોષ છૂટ્યા

  • આરોપીઓના મોઢા રૂમાલથી ઢાંકેલા હતા. એટલે ઓળખ પરેડ કરાવી નથી.
  • પંચનામા, ડિસ્કવરી, રિકવરીના તમામ પંચ અને સાક્ષી હોસ્ટાઇલ થયા.
  • મોટાભાગના પંચ અને સાક્ષી ફરિયાદીની કંપનીના હતા. કોઇ તટસ્થ પંચ કે સાક્ષી નહોતા.
  • 5.75 કરોડ જેવી મોટી રકમની લૂંટના ગુનાની તપાસ પીએસઆઇ કક્ષાના અધિકારીને સોંપાઇ એ શંકાપ્રેરક બાબત છે. ડિવાયએસપી કક્ષાના અધિકારીને સોંપાવી જોઇએ.
  • કાવતરું રચ્યું હોય કે લૂંટ કરી હોય એવો સીધો કે આડકતરો કોઇ પુરાવો નથી.
  • મોબાઇલ કોલ ડિટેઇલ, સાયબર કે સાયન્ટીફિક પુરાવા આરોપીઓની વિરૂદ્ધ હોવાનું પુરવાર નથી થતું.
  • મુદ્દામાલ અને સોનાના ખરાપણા અંગે કોઇ તપાસ કરવામાં આવી નથી.
અન્ય સમાચારો પણ છે...