પાલિકાઓની કવાયત શરૂ:6 મોટા શહેરમાં 909 સફાઇ કર્મી ફટાકડાનો કચરો ઉઠાવશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં 119 સફાઇ કર્મી ફટાકડાનો કચરો ઉઠાવશે - Divya Bhaskar
કેશોદમાં 119 સફાઇ કર્મી ફટાકડાનો કચરો ઉઠાવશે
  • બેસતા વર્ષે લોકો માટે રસ્તા સ્વચ્છ રાખવા જૂનાગઢમાં મનપા, અન્યત્ર પાલિકાઓની કવાયત શરૂ

દિવાળીના દિવસોમાં રોડ પર, શેરીઓ અને સોસાયટીઓમાં સૌથી વધુ કચરો ફટાકડા ફૂટ્યા બાદ થતો હોય છે. આ કચરો ઉઠાવવા દરેક શહેરની પાલિકા દ્વારા સફાઇ ઝૂંબેશ હાથ ધરાતી હોય છે. ખાસ કરીને દિવાળીની રાત્રે સૌથી વધુ ફટાકડા ફૂટતા હોય છે. વળી બીજા દિવસે સવારથીજ લોકો બેસતા વર્ષની શુભેચ્છા પાઠવવા સગાંવ્હાલાંને ત્યાં જવા નિકળી જાય છે. આથી રસ્તા સ્વચ્છ રહે એ માટે દરેક શહેરોમાં દિવાળીની રાત્રે અથવા બેસતા વર્ષની પરોઢે સફાઇ ઝૂંબેશ હાથ ધરાય છે. સોરઠના જૂનાગઢ સહિત 6 મોટા શહેરોમાં કુલ 909 કર્મચારીઓને ફટાકડાનો કચરો ઉઠાવવા તૈનાત કરાનાર છે.

જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા 16 રૂટના મુખ્ય માર્ગો પર દિવાળીની રાત્રે મનપાના 25 અને ખાનગી એજન્સીના 60 કર્મચારીઓ ફટાકડાનો કચરો ઉઠાવશે. જોકે, શેરીઓ, સોસાયટીઓ અને અંદરના રસ્તાઓ પરથી તો બેસતા વર્ષના દિવસેજ કચરો ઉઠાવાશે.

વેરાવળમાં નગરપાલીકા દ્વારા કુલ 450 સફાઇ કર્મચારીઓને છેલ્લા 15 દિવસથીજ કામે લગાડી દેવાયા છે. ખાસ કરીને દિવાળીની રાત્રે આજ કર્મચારીઓ ફટાકડાથી થયેલો કચરો ઉઠાવવાની કામગીરી કરશે એમ પાલીકાના સુત્રોએ જણાવ્યું હતું.

કેશોદમાં ફોગીંગ કરો: સોશ્યલ મીડિયામાં મેસેજ
કેશોદ વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ, ગાૈરક્ષા દળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ દ્વારા પાલિકાને ઉદ્દેશીને શહેરમાં ડેંગ્યુ જેવો રોગ વકર્યો હોઇ ગટર, વોંકળાની સફાઇ કરી તેમાં દવા છાંટવા અને શહેરમાં ફોગીંગ કરવા સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ કરાયો છે.

વિસાવદરમાં 25 કર્મચારી ફટાકડાનો કચરો ઉઠાવશે
વિસાવદર નગરપાલિકા દ્વારા દિવાળીની રાત્રે ફટાકડા ફૂટ્યા બાદ થતો કચરો રાત્રેજ પાલિકાના 25 થી વઘુ સફાઇ કર્મીઓ ઉઠાવી લેશે. એમ પાલિકા પ્રમુખ કૌશિકભાઈ વાઘેલાએ જણાવ્યું છે.

ઊનામાં દીવાળીની રાત્રે 100 કર્મચારી સફાઇ કરશે
ઊનામાં દિવાળીની રાત્રે અને નવાવર્ષે સવારે 5 ટીમ અને 100 કર્મચારી સફાઇ કરશે. ખાસ કરીને દિવાળીની રાત્રે ફટાકડા સૌથી વધુ ફૂટતા હોય છે. આથી નગરપાલીકા દ્વારા દિવાળીની રાત્રે સફાઇ કર્મીની 5 ટીમો તૈનાત કરાઇ છે. જેમાં 100 કર્મચારી ફરજ બજાવશે.

કોડીનારમાં રાત્રે અને વ્હેલી સવારે સફાઇ
કોડીનારમાં શેરીઓ સોસાયટી અને બજારોમાં તહેવારોના દીવસોમાં રાત્રે અને વહેલી સવારે સફાઇ કામદારો સફાઇ કરે છે. નગરપાલિકાના 120 સફાઈ કામદારો અને 10 મુકાદમો તૈનાત છે. ફટકાકડાનો સૌથી વધુ કચરો દિવાળીની રાત્રે થતો હોય છે. જે માટે આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...