તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્સ ભરવામાં આગળ:જૂનાગઢમાં 2 વર્ષમાં 57,54,84,903 રૂપિયા ટેક્સ ભરાયો

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક સમસ્યાથી પીડાતી જૂનાગઢની પ્રજા કોરોનાના કપરા કાળમાં પણ ટે્કસ ભરવામાં આગળ
  • વર્ષ 2019-20 કરતા વર્ષ 2020-21માં કોરોના મહામારીની આર્થિક મુશ્કેલી છત્તાં લોકોએ 4,60,48,483 રૂપિયા વધુ ટેક્ષ ભર્યો

જૂનાગઢ મહાનગરની પ્રજા અનેક પ્રકારની સમસ્યાથી પીડાય છે. ખાસ કરીને પ્રાથમિક સુવિધા મેળવવામાં પણ અનેક વિસ્તારોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છત્તાં જૂનાગઢની જનતા તમામ સમસ્યાઓને કોરાણે મૂકી ટેક્ષ ભરવામાં આગળ રહી છે. વર્ષ 2019-20 અને વર્ષ 2020-21 એમ છેલ્લા 2 વર્ષના આંકડા પર નજર કરીએ તો જૂનાગઢીઓએ 2 વર્ષમાં કુલ 57,54,84,903 રૂપિયા ટેક્ષ ભરપાઇ કર્યો છે. જોવાની ખૂબી તો એ છે કે, કોરોના મહામારીના કારણે અનેક લોકોના ધંધા ચોપટ થઇ ગયા છે, રોજગારી છૂટી ગઇ છે, અનેક પ્રકારની નાણાંકીય તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છત્તાં લોકોએ ટેક્ષ ભરવામાં જરાય પાછી પાની નથી કરી. વર્ષ 2019-20માં કુલ 26,47,18,210 રૂપિયા ટેક્ષ પેટે મનપાની તિજોરીમાં જમા થયા હતા. જોકે, બાદમાં કોરોના મહામારીના કારણે મનપાની આવક પર અસર પડવાની સંભાવના વ્યકત થઇ હતી. તેમ છત્તાં વર્ષ 2020-21માં મનપાના અધિકારીઓના આશ્ચર્ય વચ્ચે આવક ઘટવાના બદલે 4,60,48,483 રૂપિયા વધીને 31,07,66,693 રૂપિયા થઇ હતી.

આમ, જૂનાગઢની જનતાએ કોરોનામાં પણ પોતાની પ્રામાણિકતા અને સારા નાગરિક તરીકેની ફરજ બજાવી મનપાની તિજોરી છલકાવી દીધી છે. ત્યારે હવે મહાનગરપાલિકાનું તંત્ર લોકોની અપેક્ષામાં ખરૂં ઉતરે તે જરૂરી છે. લોકોને સારા રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઇની સુવિધા મળે, ગટરની સમસ્યામાં મુક્તિ મળે તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ.

લોકો એડવાન્સ ટેક્ષ ભરતા થયા છે
લોકોમાં ટેક્ષ ભરપાઇ કરવા અંગેની જાગૃતિ આવી છે પરિણામે લોકો એડવાન્સ ટેક્ષ ભરતા થયા છે. સામાન્ય રીતે વર્ષ 2021-22ના બિલની રકમ 31 માર્ચ 2022 સુધીમાં ભરી શકાય છે. જોકે, તેમ છત્તાં અનેક આસામીઓ તે પહેલા ટેક્ષ ભરી આપે છે.

ઓનલાઇન વધુ ભરતા થયા
હવે હાઉસ ટેક્ષ ભરવા માટે લાઇનોમાં ઉભવા કરતા લોકો ઘર બેઠા ઓનલાઇન ટેક્ષ ભરવાનું વધુ પસંદ કરે છે. પરિણામે હાઉસ ટેક્ષની જે કુલ રકમ ભરાય છે તેમાં ઓનલાઇનનો ફાળો વધુ હોય છે.

અનેક મિલ્કતોને સિલ માર્યા
લાંબા સમયથી હાઉસ ટેક્ષ બાકી હોય અને ભરવામાં આનાકાની કરતા હોય તેવા અનેક આસામીઓની મિલ્કતને મનપાએ સિલ મારી દીધા છે. જ્યારે સિલ મારવાની કામગીરી દરમિયાન જ અનેક આસામીઓએ આવી કાર્યવાહીથી બચવા સ્થળ પર જ રકમ ભરી આપી હતી.

ઓનલાઇનથી વધુ ડિસ્કાઉન્ટનો લાભ લીધો
ગત વર્ષે કોરોના મહામારીના કારણે મનપાએ હાઉસ ટેક્ષમાં 10 ટકા વળતર તેમજ ઓનલાઇન ભરે તો વધુ 2 ટકા મળી 12 ટકા વળતર આપ્યું હતું. વળી, રાજ્ય સરકારે પણ વધારાના 10 ટકા વળતર આપ્યું હતું. આમ, અનેક પ્રામાણિક કરદાતાઓએ ઓનલાઇન હાઉસ ટેક્ષ ભરી 22 ટકા સુધીનું વળતર મેળવ્યું હતું. જો આ વળતર ન બાદ થયું ન હોતતો હાઉસ ટેક્ષની રકમનો આંકડો 31 કરોડથી પણ વધી જાત. - પ્રફુલ કનેરીયા, આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ટેક્ષ.

ઓનલાઇનમાં વળતર પણ વધુ હોય છે
વધુને વધુ આસામીઓ ઓનલાઇન ટેક્ષ ભરવા તરફ પ્રેરાય તે માટે ઓનલાઇનથી ટેક્ષ ભરનારને વધુ 2 ટકા વળતર પણ અપાય છે. ત્યારે અનેક આસામીઓ તેનો ફાયદો લઇ રહ્યા છે.

બિલ ન હોય તો જૂના બિલથી ભરો
બિલ મળ્યું ન હોય ટેક્ષ કેમ ભરવો તેવું બહાનું બતાવી અનેક લોકો ટેક્ષ ભરતા નથી. જ્યારે બિલ ન મળ્યું હોય તો પણ ગત વર્ષના બિલની રકમના આધારે હાઉસ ટેક્ષ ભરપાઇ કરી શકાય જ છે.

કોરોનાના કારણે બિલ મોડા પહોંચે છે
કોરોના મહામારીના કારણે સરકારની સૂચના મુજબ 50 ટકા સ્ટાફ સાથે જ કામગીરી કરાતી હતી. એમાંપણ આવશ્યક સેવાને પ્રાથમિકતા અપાતી હતી. આમ, ઓછો સ્ટાફ તેમજ આવશ્યક સેવાને પ્રાથમિકતાના કારણે હાઉસ ટેક્ષના બિલ પહોંચાડવામાં મોડું થયું છે.

અન્ય સમાચારો પણ છે...