ખાનગીકરણનો વિરોધ:બેંક હડતાળને લીધે જૂનાગઢમાં 500 કરોડનું ટર્નઓવર ઠપ્પ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેન્કોના ખાનગીકરણ કરવાના વિરોધમાં જિલ્લાની રાષ્ટ્રિયકૃત બેન્કોએ હડતાળ પાડી
  • જૂનાગઢ જિલ્લાની બેન્કોના 1,000થી વધુ કર્મીઓ હડતાળમાં જોડાયા, ભારે સૂત્રોચ્ચાર પણ કરાયા
  • ​​​​​​​બેન્કોના​​​​​​​ ખાનગીકરણથી શું અસર થશે?

સરકાર બેન્કોનું ખાનગીકરણ કરવા જઇ રહી છે. ત્યારે આ ખાનગીકરણના વિરોધમાં 16 અને 17 ડિસેમ્બર એમ 2 દિવસીય રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું એલાન કરાયું હતું. જેને પગલે જૂનાગઢ જિલ્લાની પણ તમામ રાષ્ટ્રિયકૃત બેન્કો અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની જિલ્લાની તમામ શાખાઓના અધિકારીઓ,કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. આ અંગે બેન્ક વર્કસ યુનિયનના દિલીપભાઇ ટીટીયાએ જણાવ્યું હતું કે, સરકાર રાષ્ટ્રિયકૃત બેન્કોનું ખાનગી કરણ કરવા માટે પ્રયાસ કરી રહી છે.

ત્યારે તેમના વિરોધમાં દેશભરમાં હડતાળ પાડવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ ગુજરાત બેન્ક વર્કસ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીના માર્ગદર્શનમાં 2 દિવસીય હડતાળનું એલાન કરાયું હતું જેને પગલે જૂનાગઢ જિલ્લાની તમામ રાષ્ટ્રિયકૃત બેન્કો 2 દિવસ સજ્જડ હડતાળ પાડશે. આ હડતાળમાં અંદાજે 1,000થી વધુ કર્મીઓ જોડાયા છે.

2 દિવસીય હડતાળથી જિલ્લામાં અંદાજે 5,00 કરોડના ટર્ન ઓવર ઠપ્પ થઇ જશે.ત્યારે ખાનગીકરણના વિરોધમાં ગુરૂવાર 16 ડિસેમ્બરે બેન્કો બંધ રાખી કર્મીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે 17 ડિસેમ્બર શુક્રવારે પણ તમામ રાષ્ટ્રિયકૃત બેન્કો બંધ પાળશે અને સૂત્રોચ્ચાર કરશે.

બેન્કોના ખાનગીકરણથી બેન્ક કર્મી કરતા પણ ગ્રાહકોને ભારે મુશ્કેલી પડશે. ખાસ કરીને ખાનગીકરણ થવાથી વિવિધ સેવાના ચાર્જમાં વધારો થશે પરિણામે બેન્કીંગ સેવા વધુ મોંઘી થશે. વળી, ખાનગી બેન્કો ગરીબો અને નાના વર્ગના લોકોને ધિરાણ નહિ આપે તેમજ સરકારની કોઇપણ યોજનાનો લાભ જાહેર જનતાને નહિ આપે. આ ઉપરાંત રાષ્ટ્રિયકૃત બેન્કો દર વર્ષે 1,00,000 કર્મચારીઓની ભરતી કરે છે તે ભરતી પણ નહિવત થઇ જશે. પરિણામે સ્ટાફની ઘટ થતા બેન્કીંગ કામગીરી પ્રભાવિત થશે, ગ્રાહકોની હાલાકી વધશે અને બેરોજગારી પણ વધશે. } તસવીર - મેહુલ ચોટલીયા

બેન્ક કર્મીઓની લડત ક્યારથી?
સરકારની ખાનગીકરણની નિતી સામે બેન્ક કર્મચારીઓ છેક 1991થી લડત ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 40 હડતાળ પાડી છે. 7 ડિસેમ્બરે ધરણાં યોજયા હતા. 15 ડિસેમ્બરે સૂત્રોચ્ચાર કર્યા હતા અને હવે 16 અને 17 ડિસેમ્બરે બેન્ક કર્મીઓએ સજ્જડ હડતાળ પાડી વિરોધ વ્યકત કર્યો છે.

ખાનગી બેન્કોની સ્થિતી ?
સરકારે 1991માં ખાનગી બેન્કોને લાયસન્સ આપેલ તેમાંથી મોટાભાગની બેન્કોના નામ નકશામાંથી ભૂંસાઇ ગયા છે. આવી ખોટ કરતી બેન્કોને રાષ્ટ્રિયકૃત બેન્કોમાં ભેળવી દેવામાં આવે છે. સરકારે છેલ્લા 2 વર્ષમાં જ ખાનગી બેન્કોના 8,60,000 કરોડ માંડવાળ કરેલ છે. ત્યાર બાદ પણ 6,00,000 કરોડની બિન ઉત્પાદક અસ્કયામતો બેન્કોના સરવૈયામાં છે. તેમ છત્તાં સરકાર બેન્કો ઉદ્યોગપતિઓના હવાલે કરવા જઇ રહી છે તે તો બિલાડીને દૂધની રખેવાળી સોંપવા જેવી વાત છે.જે ઉદ્યોગ ગૃહોએ બેંન્કોના ધિરાણ પુરા ભર્યા નથી તેવા ઉદ્યોગ ગૃહોને બેન્કોનો કારોબાર સોંપવો કેટલા અંશે વ્યાજબી છે ?

હવે લાંબી લડતની તૈયારી
હાલ વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન કરી બેન્કોના થનાર ખાનગીકરણને અટકાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. પરંતુ સરકાર યોગ્ય નહિ કરે અને ખાનગીકરણ તરફ આગળ વધશે તો બેન્ક કર્મીઓએ લાંબી લડત માટેની તૈયારી કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...