આવકમાં અસર વર્તાઈ:તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 16 દિવસમાં કેરીના 50 હજાર બોક્સની આવક, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 25 ટકા આવક

ગીર સોમનાથ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલાલા યાર્ડમાં કેસર કેરીના વિક્રમજનક ભાવના કારણે રૂ.ચાર કરોડની ઉપજ થયાનો અંદાજ

તાલાલા ગીર પંથકમાં આ વર્ષે કેસર કેરીનો 80 ટકા પાક નાશ પામ્યો હોવાની અગાઉથી ધારણા વ્યક્ત થઈ હતી.જેની અસર તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વેંચાણ માટે આવતા કેસર કેરીના બોક્સમાં જોવા મળી રહી છે. આ અંગે તાલાલા માર્કેટીંગ યાર્ડમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે યાર્ડમાં આ વર્ષે તા.26 મી એપ્રિલથી કેસર કેરીની સીઝન શરૂ થયેલ ત્યારથી લઈને આજ સુધીના 16 દિવસમાં યાર્ડમાં દશ કિલોગ્રામના માંડ માંડ 50 હજાર જેટલા કેસર કેરીના બોક્સની આવક થઇ છે. જેની સામે ગત વર્ષે પ્રથમ હરરાજીના પ્રથમ 16 દિવસમાં યાર્ડમાં 2 લાખથી પણ વધુ બોક્સની આવક નોંધાઈ હતી.

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગ ભરખી ગયો હોય તેવો માહોલ વર્તાતો હતો. તાલાલા ગીર પંથકના 45 ગામમાં આવેલ 15 લાખથી પણ વધુ કેસર કેરીના આંબાના વૃક્ષો પૈકી માત્ર 20 ટકા આંબાઓમાં જ કેસર કેરીનો ફાલ આવેલ જોવા મળતો હતો. આમ કેસર કેરી પકવતા ખેડુતોને સતત બીજા વર્ષે પણ મોઢે આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો હોવાની પરિસ્થિતિ જાણકારો જણાવી રહ્યા હતા.

ગીર પંથકમાં કેસર કેરીના ઓછા પાકને કારણે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં વેંચાણમાં આવતી કેરીના ભાવ શરૂઆતથી જ વિક્રમજનક સપાટીએ જોવા મળતા હતા. તો કેરીની આવક પણ ઓછી થવાની જાણકારોની ધારણા પણ સાચી ઠરી રહી હોય તેમ તાલાલા યાર્ડમાં હરરાજીનો પ્રારંભથી ગઈકાલ સુધીના 16 દિવસમાં યાર્ડમાં વેચાણ અર્થે કેરીના 50 હજાર બોકસ આવ્યા છે. જેના થકી રૂ.ચાર કરોડથી પણ વધુ રકમની ઊપજ થઈ હોવાના અંદાજથી ખેડૂતોને થોડી રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...