જૂનાગઢ જિલ્લાનું રવિપાક વાવેતર:સોરઠમાં 3 વર્ષની સરેરાશ કરતા ચાલુ વર્ષે 50 % વાવેતર

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘઉં, જુવાર, ચણા, કઠોળ, શેરડી, જીરૂ, ધાણા, લસણ, ડુંગળી, શાકભાજી ઘાસચારાનું થાય છે વાવેતર
  • હજુ 15થી 20 દિવસ વાવેતર થશે, 4થી 5 દિવસમાં જ 25 ટકા વાવેતર વધવાની સંભાવના

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના વાવેતરની સરેરાશ કરતા ચાલુ વર્ષે રવિપાકનું વાવેતર 50 ટકા થયું છે. જૂનાગઢ જિલ્લામાં ઘઉં, જુવાર, ચણા, કઠોળ, શેરડી, જીરૂ, ધાણા, લસણ, ડુંગળી, શાકભાજી ઘાસચારાનું વાવેતર થયું છે. દરમિયાન હજુ પણ 15થી 20 દિવસ સુધી વાવેતર થશે. છેલ્લા 4- 5 દિવસમાં જ વાવેતરમાં 25 ટકાનો વધારો થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં વાવેતરની સરેરાશ જોતા 1,86,273 હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે 20 નવેમ્બર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં માત્ર 98,021 હેક્ટરમાં જ વાવેતર થયું છે. આમ છેલ્લા ત્રણ વર્ષના રવિપાકના વાવેતરની સાથે સરખામણી કરતા ચાલુ વર્ષે હજુ 50 ટકા સુધીનું વાવેતર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, અનેક કારણોને લઇને વાવેતરમાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં વાવેતરમાં વધારો થશે.

વાવેતર ઓછું થવાના કારણો
ચાલુ વર્ષે અનેક કારણોસર રવિપાકનું વાવેતર અત્યાર સુધીમાં ઓછું થયું છે. ખાસ કરીને માવઠું થવાને કારણે અનેક ખેડૂતોના ખેતરમાં હજુ મગફળીના પાથરા પડ્યા છે. પરિણામે ખેતર ચોખ્ખા થયા ન હોય નવું વાવેતર થયું નથી. આ ઉપરાંત મજૂરો ન મળવાને કારણે પણ વાવેતર ઘટ્યું છે. સાથોસાથ હાલ લગ્નસરાની સિઝન ચાલતી હોય ખેડૂતો લગ્ન સિઝનમાં રોકાયા હોય પરિણામે વાવેતર ઘટ્યું છે.

શેરડીનું વાવેતર 36 હેક્ટરમાં થયું
જૂનાગઢ જિલ્લામાં શેરડીના પાકનું પણ ઓછુ વાવેતર થાય છે. તેનું કારણ એ છેકે, જૂનાગઢ જિલ્લામાં ખાંડ બનાવવાની ફેક્ટર નથી. પરિણામે શેરડીના વેંચાણમાં મુશ્કેલી ઉભી થાય છે. જો વાવેતર કરે તો શેરડીનું વેંચાણ ન થવાને કારણે રાબડા શરૂ કરવા પડે તેમાં મોટું રોકાણ કરવું પડે. માટે જૂનાગઢ જિલ્લામાં શેરડીના પાકનું ઓછું વાવેતર કરાઇ છે. આ શેરડીનો ઉપયોગ સ્થાનિક રસના સિંચોડામાં થાય છે.

પાકના વાવેતરનું ચિત્ર | ઘઉં 24,670, જુવાર 105, ચણા 58,130, કાળા મગ 400, શેરડી લામ પાક 16, શેરડી નવુ વાવેતર 20, જીરૂ 240, ધાણા 7,605, લસણ 1,510, ઇસબગુલ 35, ડુંગળી 1,575, શાકભાજી 915, ઘાસચારો 2490, વટાણા 280, ક્લોજી 30 હેક્ટર મળી કુલ 98,021 હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયું છે.

જિલ્લામાં સૌથી વધુ ચણા, સૌથી ઓછુ ઇસબગુલનું વાવેતર
જૂનાગઢ જિલ્લામાં ભેંસાણ, જૂનાગઢ, કેશોદ, માળિયા હાટીના, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર અને જૂનાગઢ સીટીમાં રવિપાકનું વાવેતર થાય છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વાવેતર ચણાનું 58,130 હેક્ટરમાં થયું છે. જ્યારે સૌથી ઓછું ઇસબગુલનું વાવેતર માત્ર 35 હેક્ટરમાં થયું છે.

અન્ય સમાચારો પણ છે...