કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભ સાથે ગઇકાલે સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ બંન્ને જીલ્લામાં કોરોનાના કેસોમાં વધારો નોંઘાયો હતો. બાદ આજે ફરી કોરોના સંક્રમણએ ગતિ પકડી હોય તેમ આજે આંશિક ઉછાળા સાથે જૂનાગઢ જીલ્લામાં 49 કેસો સામે આવ્યા છે જયારે ગીર સોમનાથમાં 9 નવા કેસો સામે આવ્યા છે. કેસો વઘવાની સ્થિતિ વચ્ચે જૂનાગઢ જીલ્લામાં સારવાર લઇ રહેલ 30 જેટલા દર્દીઓ સ્વસ્થ થઇ જતા પરત ઘરે ફર્યા છે.
આજે નોંધાયેલા કેસોમાં જીલ્લામાં જૂનાગઢ શહેરમાં સર્વોચ્ચ 45, જૂનાગઢ ગ્રામ્ય અને માળીયામાં 1-1 મળી 47 કેસો નોંઘાયા છે. જયારે ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળમાં 9 કેસો નોંઘાયા છે. ગઈકાલે વધારા બાદ ફરી જૂનાગઢ જીલ્લામાં કોરોના કેસોમાં નોંઘપાત્ર ઉછાળો થતા ચિંતા વઘી છે તો ગીર સોમનાથમાં ગઇકાલ જેટલા જ કોરોનાના કેસો સામે આવ્યા હોવાથી લોકોએ સર્તક રહેવાની જરૂર તરફ નિર્દેશ મળી રહ્યાની સ્થિતિ વર્તાઇ રહી છે.
હાલ ગીર સોમનાથ જીલ્લામાં 55 એક્ટિવ કેસો છે જે તમામ હોમ આઇસોલેટ છે. જયારે આજે જીલ્લામાં આરટીપીસીઆરના 576 અને એન્ટીજનના 86 મળી કુલ 662 કોરોનાના ટેસ્ટ કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં ગઇકાલે કોરોનાનો પોઝિટિવ રેટ 0.60 થી વધીને આજે ડબલ 1.36 ટકાએ આવી ગયો છે.
કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ બંન્ને જીલ્લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો ગીર સોમનાથ જીલ્લામાં આજે 333 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જયારે જૂનાગઢ જીલ્લામાં 1802 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.