જૂનાગઢ શહેરમાં ફરસાણના ભાવમાં વેપારીઓ દ્વારા ઉઘાડી લુંટ ચલાવાઇ રહી છે. પડતર કરતા ડબલથી પણ વધુ ભાવ પડાવી ગ્રાહકો સાથે ખુલ્લી લુંટ કરવામાં આવી રહી હોવાની બૂમ ઉઠી છે. ત્યારે ફરસાણના વેપારીઓ દ્વારા બેફામ વસુલાતા ભાવ પર અંકુશ લાવવામાં આવે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠવા પામી છે. ગુજરાતીઓનો નાસ્તો એટલે ગાંઠીયા. અનેક પરિવારોના દિવસની શરૂઆતતો ગાંઠીયાના નાસ્તાથી જ થાય છે. પરંતુ હાલ શહેરમાં ફરસાણના વેપારીઓ દ્વારા ગાંઠીયાના ભાવમાં કૃત્રિમ વધારો કરી ભાવ આસમાને પહોંચાડી દીધા છે.
પરિણામે અનેક સામાન્ય પરિવારોને તો ફરસાણનો ત્યાગ કરવો પડે તેવી સ્થિતી નિર્માણ પામી છે. એક અંદાજ મુજબ ગાંઠીયાનો કિલોનો વધુમાં વધુ પડતર ભાવ 180 રૂપિયા થાય છે. તેમ છત્તાં કિલોનો ભાવ 400 રૂપિયા સુધી પડાવાય છે. ત્યારે જેમ સરકાર તહેવારોમાં ભાવ બાંધણું કરે છે તેમ ફરસાણના ભાવમાં પણ સમયાંતરે ભાવ બાંધણું કરવું જોઇએ તેવી પણ માંગ ઉઠવા પામી છે.
દરમિયાન ખાસ તો બેફામ વસુલાતા ભાવ સામે કોઇ અવાજ ઉઠાવતું નથી. માટે ફરસાણના વેપારીઓને ઉઘાડી લુંટ ચલાવવા માટે જાણે મોકળું મેદાન મળી ગયું છે. આ ઉપરાંત 20 રૂપિયે કિલો મળતા બટેટાની ચિપ્સના પણ 400 રૂપિયા વસુલાય છે! ત્યારે જ્યાં સુધી ગ્રાહકો ફરિયાદ કરવા આગળ નહિ આવે ત્યાં સુધી બેફામ ભાવ વસુલી લુંટ ચલાવનાર ફરસાણના વેપારીઓને કોઇ અટકાવી નહિ શકે. ત્યારે જાગો ગ્રાહક જાગો એ સૂત્રને સાર્થક કરવાનો સમય પાકી ગયો છે.
બધાનો ભાવ 400?
ગાંઠીયા સાથેની દરેક વસ્તુ ગ્રાહકોને 400માં પડે છે. જેમકે પસ્તી, તેલ, ચણાનો લોટ વગેરે. જ્યારે કેટલાક વેપારીઓ તો ભરેલા મરચા પણ વજનમાં આપે છે જે 400માં પડે છે.
આ રીતે ભાવ નક્કી થાય
1 કિલો ચણાનો લોટના રૂા. 75, 1 કિલો તેલ રૂા.105, 20 રૂા. બળતણ,30 રૂા. મજૂરી,30 રૂા. મરી મસાલા વગેરે, 60 રૂા. ચટણી,સંભારો વગેરે મળી કુલ 320 રૂપિયાનો ખર્ચ થાય.1,900 ગ્રામ ફરસાણ બને. અંદાજે 1 કિલો ગરમ ગાંઠીયાનો પડતર ભાવ વધુ 180 રૂપિયા થાય. આમ ગરમ ગાંઠીયાના 400 રૂા. પડાવાય છે. 250થી 300 હોવો જોઇએ.
ગેસના ભાવ વધારો નડે છે
કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલ કોમર્શિયલ ગેસના ભાવમાં ભારે વધારો થયો છે. ગુરૂવારે જ 350નો વધારો થયો છે. હાલ કોમર્શિયલ ગેસની બોટલનો ભાવ 2,119 થયો છે જે ભાવ વધારો નડ છે. જ્યારે કેટલા 100 ગ્રામ ગાંઠીયા સાથે 100 ગ્રામ સંભારો ઝાપટી જાય છે! આ ઉપરાંત દુકાનનું ભાડું, લાઇટ બિલ, માણસોનો પગાર વગેરેના કારણે પણ ભાવ ઉંચા રાખવા પડે છે.
તેલ પામોલીન, ભાવ સિંગતેલનો?
ચણાનો લોટનો ભાવ 55 રૂપિયે કિલોથી શરૂ કરીને વધુમાં વધુ 75 રૂપિયા છે.તીખા ગાંઠીયા, સેવ, ભાવનગરી, ચંપાકલી વગેરે ફરસાણ આ ભાવના લોટમાંથી બને છે. જ્યારે ગરમા ગરમ ફાફડા, વણેલા ગાંઠીયા 75 રૂપિયે કિલો વાળા લોટમાંથી બને છે. તેલમાં સિંગતેલનો ભાવ 180 રૂપિયાથી વધુ છેે. તેની સામે વપરાય છે તો પામતેલ કે કપાસીયા. કપાસીયાનો ભાવ 120 રૂપિયા છે. જ્યારે નેવું ટકા વેપારીતો પામતેલમાં જ ગાંઠીયા બનાવે છે જેનો ભાવ તો 105 રૂપિયે કિલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.