પ્રાકૃતિક ખેતી:400 કિલોગ્રામ મગફળીમાંથી 9 ડબ્બા તેલ નિકળે, બીટ પાવડર એક કિલોના રૂા. 700

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત જો મૂલ્યવર્ધન કરે તો ભણેલા લોકો પણ આંકડા ન માંડી શકે

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વિસ્તારને વધારવા ચાલી રહેલી કૃષિઋષિ સંત યાત્રા ગામડે - ગામડે ફરી રહી છે. ત્યારે ગામડાનો એકે 10 ચોપડી ભણેલો ખેડૂત જો પોતાના કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન - પેકેજીંગ આને પ્રોસેસિંગ કરે તો શું કરી શકે તેની વાતો બહાર આવી રહી છે. આવાજ એક ખેડૂત મેંદરડા તાલુકાના નાજાપુર ગામના છે નામ છે.

મિતેશભાઈ ભણેલા નથી. પહેલાં તેઓ રેફ્રિજરેટર અને ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરતા. પણ ખેતીમાં રસ જાગ્યો પછી જે કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કર્યું એ સમજીએ તો કૃષિ ટેક્નોલોજી અને એ ક્ષેત્રમાં એન્જીનીયરીંગ કરનારા અને આ ક્ષેત્રના માહિર એવા લોકો પણ કાન પકડી લે એ રીતે વેપાર કરે છે.

મિતેશભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ કરવાથી ખેડૂતનો ઉદ્ધાર થાય તેવું નથી. પણ જો માર્કેટિંગ કરતા આવડે તો નફાનું પ્રમાણ 200 ટકા થઇ શકે છે એનું એક ઉદાહરણ આપું. હું મારી જમીનમાં મગફળીનું વાવેતર કરું છું. એક ખાંડી મગફળી એટલે 400 કિલોગ્રામમાંથી દેશી ઘાણીમાં તેલ કાઢાવીએ એટલે તેમાંથી 9 ડબ્બા તેલ નીકળે.

અમે એક ડબ્બા તેલની કિંમત રૂ. 4200 લઈએ છીએ. અને એના માટે પણ બુકીંગ હોય છે. આ વાત અહીંથી પુરી થતી નથી. જે મગફળીનું ઉત્પાદન થાય તેમાંથી ઉચ્ચ ક્વોલેટીના માંડવીના ડોડા અલગ કરીએ. એ પછી વધેલી મગફળીને ફોલાવી નાખીએ. તેમાંથી એ ગ્રેડના એક સરખા દાણા અલગ કરીએ એને સીંગદાણા અથવા ખારી સીંગ બનાવીને વેચીએ. બાકીની મગફળીમાંથી તેલ કાઢાવીએ.

એ બધી મહેનત અને પ્રોસેસ બાદ એક ખાંડી મગફળી અમને રૂ. 50 હજાર અપાવી શકે. જો આ જ મગફળી અમે બજારમાં સીધી વેચીએ તો તેની કિંમત રૂ. 24 થી 25 હજાર સુધી મળે. મોટા સીંગદાણા રૂ. 200 ના એક કિલોના ભાવે વેચાય છે. આ એક મગફળીની વાત થઇ.

હજુ અમે બીટનું વાવેતર કરીએ એમાંથી ચિપ્સ અને પાવડર પણ બનાવીએ. એ પાવડર રૂ. 700માં એક કિલોના ભાવે વેચાય છે. તેનો ઉપયોગ અથાણા બનાવવામાં કે કલર લાવવા માટે થાય છે. જો બીટ બજારમાં વેચવા જઈએ તો 20 કિલો ગ્રામના 100 રૂપિયા પણ મળતા નથી. આવી જ રીતે અમે ઘઉંનું મૂલ્યવર્ધન કરવા માટે અનેક કામ કરીએ છીએ. એક વીઘાના ઘઉં અમે અલગ-અલગ ખાખરા બનાવવામાં વાપરીએ. એમાંથી 1 લાખ રૂપિયા મળે. બાકીના ઘઉં બજારમાં વેચીએ તો રૂ. 500 એક મણના મળે છે.

કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરવા માટે હું હજુ મહિલા મંડળીઓ બનાવી તેમની પાસે ખાવાની અન્ય વસ્તુઓ બનાવડાવી તેને બજારમાં મૂકવાનું કાર્ય ગોઠવી રહ્યો છું. આમ ગામડાનો એક અભણ ખેડૂત જો કૃષિ ઉત્પાદનના મૂલ્યવર્ધન માટે આવડી મોટી મહેનત કરીને તગડી કમાણી કરતો હોય તો એ તેનો હક્ક તો છે પણ ખેડૂતોએ માત્ર પરંપરાગત ખેતીને હવે વ્યાપાર સાથે જોડવી પડશે. જો એવું થશે તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખીને બેઠેલી સરકારને પણ સફળતા મળશે.

કોઠાસૂઝથી મૂલ્યવર્ધન કરતા ખેડૂતો સાથે તજજ્ઞોએ આ મામલે ચર્ચા કરવી જોઈએ
જૂનાગઢમાં બે દિવસથી કૃષિ ઉત્પાદનના મૂલ્યવર્ધન પેકેજીંગ અને પ્રોસેસિંગ અંગે ચર્ચા અને માર્ગદર્શન માટે કૃષિ યુનિવર્સીટીમાં સેમિનાર ચાલી રહ્યો છે. તેમાં 4 યુનિવર્સીટીના 40 પ્રોફસરો, 100 વિદ્યાર્થીઓ અને સફળ ઉદ્યોગપતિઓ મથામણ કરી રહ્યા છે.

આ તજજ્ઞોની ટિમ જે ચર્ચા કરી રહી છે એ કામ જૂનાગઢ જિલ્લાના અનેક ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીએ આવા ખેડૂતોને એકઠા કરી તેની કોઠાસૂઝ ઉપરથી ચાલતા વ્યવસાયને સમજી તેમાં વધારે સુધારા વધારા શું થઇ શકે તેનું માર્ગદર્શન આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...