ધરપકડ:રૂમમાં મળવા બોલાવી 55,000 પડાવી લેનાર 4 શખ્સો ઝડપાયા

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે રોકડ 43,800, ગુનામાં ઉપયોગમાં લેવાયેલ છરી કબ્જે કરી

જૂનાગઢમાં યુવકને રૂમે મળવા બોલાવી બાદમાં 55,000 પડાવી લેવાના ગુનામાં સી ડિવીઝન પોલીસે 4 આરોપીને ઝડપી લઇ 43,800નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના એક યુવકનો સોશ્યલ મિડીયાથી સંપર્ક કરી અન્ય એક વ્યક્તિએ રૂમે મળવા માટે બોલાવ્યો હતો. જ્યારે યુવક મળવા ગયો ત્યારે અજાણ્યા 4 યુવકોએ ફરિયાદીને બંધક બનાવી, માર મારી, છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી.

બાદમાં ગુગલ પે એકાઉન્ટના પિન નંબર મેળવી તેના ખાતામાંથી 31,000 તેમજ એટીએમથી 24,000 મળી કુલ 55,000 પડાવી લીધા હતા. દરમિયાન હનીટ્રેપમાં ફસાવનાર આરોપીઓને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સી ડિવીઝન પીએસઆઇ જે. જે. ગઢવી, જે. આર. વાઝા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન બાતમી મળી કે આ ગુનામાં શરફરાજ ઉર્ફે ડાબરો બુખારી, અરબાઝ ઉર્ફે ભુરો મકરાણી, ઇરફાન ઇકબાલ ગામેતી અને ફૈઝલ ઉર્ફે લાલબાદસા ફકીરની સંડોવણી છે. આ ચારેય આરોપી ઘાંચીપટ વિસ્તારમાં રેલ્વે પાટા પાસે ભેગા થયા છે અને ભાગી જવાની ફિરાકમાં છે. ત્યારે ચારેયને દબોચી લઇ તેમની પાસેથી રોકડા 43,800 તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ છરી કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...