રાજકારણમાં ગરમાવો:4 આગેવાનો પાસે એકથી વધુ હોદ્દા હોઇ રાજીનામા માગ્યા: પાટીલ

જુનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લામાં ભાજપના આગેવાનો સામે ફરિયાદ બાદ પ્રદેશ પ્રમુખનો આદેશ, જેડીસીસીના એમડીએ રાજીનામું મોકલી પણ આપ્યું

જૂનાગઢ જિલ્લાના ભાજપના 4 આગેવાનો પાસેથી રાજીનામા માંગી લેવાયા છે. પક્ષમાં એક વ્યક્તિ એક હોદ્દાના સિદ્ધાંતને અનુસરીને આ પગલું લેવાયું છે. એમ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, સાવજ દૂધ સંઘના પ્રમુખ દિનેશ ખટારિયા અને જેડીસીસી બેંકના ચેરમેન જેઠાભાઇ પાનેરા સામે એકથી વધુ હોદ્દા હોવા અંગેની ફરિયાદો ભાજપમાંથીજ થઇ હતી. જેને પગલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે તેઓને કોઇપણ એક હોદ્દાની પસંદગી કરી બાકીના હોદ્દા પરથી 24 કલાકમાંજ રાજીનામું આપી દેવા સુચના આપી છે.

જેને પગલે જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. હાલ કિરીટ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હોવા સાથે જેડીસીસી બેંકના ચેરમેન અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના પણ ચેરમેન છે. રાજેશ ચુડાસમા સાંસદ હોવા સાથે દૂધ સંઘમાં પણ વાઇસ ચેરમેન બન્યા. દિનેશ ખટારિયાના પત્ની જિલ્લા પંચાયતના પ્રમુખ છે. તો પોતે ખુદ વંથલી તાલુકા સંઘ અને જેડીસીસી બેંકના ડાયરેક્ટરનો હોદ્દો ધરાવવા સાથે સાવજ દૂધ સંઘના ચેરમેન પણ બન્યા.

જ્યારે જેઠાભાઇ પાનેરા જેડીસીસી બેંકના એમડી હોવા સાથે જિલ્લા પ્રિન્ટીંગ પ્રેસ સંઘ ઉપરાંત વસ્ત્ર ભંડાર જેવી સહકારી સંસ્થામાં પણ હોદ્દા ધરાવે છે. આથી ત્રણને કોઇ એક પદ પર રહેવા આદેશ આપતા જે પૈકી જેઠાભાઇ પાનેરાએ રાજીનામું આપી દીધું છે.

શું કહે છે આગેવાનો ?

  • એક વ્યક્તિ, એક હોદ્દાના મુદ્દાને આગળ કરીને માંગણી થઇ છે. હવે પાર્ટી અમને જે પ્રમાણે આદેશ કરશે એમ કરીશું. જ્યારે દૂધ સંઘની મંડળીઓના મતદાર મંડળને લઇ તેમણે કહ્યું હતું. જે મંડળીમાં જે વ્યક્તિના નામનો ઠરાવ થયો હોય એ વ્યક્તિ દૂધ સંઘમાં મત આપી શકે. - રાજેશ ચુડાસમા, સાંસદ
  • પાર્ટી જે આદેશ કરે એમ કરીશું. અમારા પ્રદેશ અધ્યક્ષ જે સુચના આપે તેનું પાલન કરવા હું બંધાયેલો છું. - કિરીટ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ
  • મને સૌરાષ્ટ્રના ઝોન પ્રભારી વિનોદ ચાવડાનો ફોન આવ્યો અને કહ્યું તમારે જેડીસીસી બેંકના એમડી પદેથી રાજીનામું આપવાનું છે. એટલે મેં રાજીનામું વોટ્સએપ કરી તેની હાર્ડ કોપી રવાના કરી દીધી. - જેઠાભાઇ પાનેરા
અન્ય સમાચારો પણ છે...