ભાદરવે વરસાદ આકરો:સુત્રાપાડામાં 4, તાલાલા અને ગીરગઢડામાં સાડા ત્રણ, વેરાવળમાં 3, કોડીનારમાં 2, ઊનામાં દોઢ ઇંચ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડિયા પાસે વ્રજમી નદીમાં પુર આવતા પુર ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. - Divya Bhaskar
વડિયા પાસે વ્રજમી નદીમાં પુર આવતા પુર ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું.

સોરઠભરમાં વરસાદ અણનમ રહ્યો છે. સોરઠમાં છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં તો સુરજ દાદા જાણે રજા ઉપર હોય તેમ લાંબા સમયથી તેના લોકોએ તેના દર્શન કર્યા નથી. ત્યારે શનિવારે બપોરે ઓચિંતા ગાજવીજ સાથે વરસાદ પડવાનું ચાલુ થઇ ગયું હતું અને 2 કલાકમાં દોઢ ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો.

ત્યારે સોનરખ અને કાળવામાં પણ ગિરનાર પર્વતના વરસાદને લઇ પુરના પાણી ફરી વળ્યા હતાં. આ સિવાય ભેંસાણમાં 2 કલાકમાં 1 ઇંચ સિવાય વંથલી અને વિસાવદરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે માંગરોળમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. માણાવદર અને મેંદરડામાં બે ઇંચ વરસાદ જ્યારે કેશોદમાં 4 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડામાં 4 ઇંચ, તાલાલા અને ગીરગઢડામાં સાડા ત્રણ ઇંચ, વેરાવળમાં 3, કોડીનારમાં 2 જયારે ઊના શહેરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગામડાઓમાં સમીસાંજે અનરાધાર વરસ્યો હતો.

વ્રજમી નદીમાં પુર આવતા રસ્તો બંધ
વડિયા પાસે વ્રજમી નદીમાં પુર આવતા પુર ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. જેના કારણે કણકવા, ચુલડી, બાબરા, લાડુળી, વાંદરવડ સહિતના ગામડાઓમાં લોકો માટે આ એક જ રસ્તો હોય ત્યારે પુલ પર પાણી ભરાવવાનાં કારણે ગ્રામજનોને હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યારે વડિયા ગામના પૂર્વ સરપંચ જે. કે. કાગડાએ આ બેઠા પુલને કારણે પાણી ભરાતું હોય ત્યારે મોટો પુલ બનાવવા તંત્ર પાસે માંગણી કરી છે. માળિયામાં સાંજના 6 પછી ઓચિંતો વરસાદ શરૂ થઇ ગયો હતો અને સાડા ત્રણ ઇંચ વરસાદ પડી જતાં બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં

આંબલિયા ગામ બેટમાં ફેરવાયું

માણાવદરનું આંબલિયા ગામ કે જે કેશોદના છેવડાના કાંઠે ઓઝત કાંઠે વસેલું ગામ છે. ઓઝત ઘોડાપુર આવતા આ ગામ જળતરબોળ બન્યું હતું અને જેના પાણી હજી પણ ઓસર્યા નથી.આ પાણીનો નિકાલ થાય તેવી માંગ ગામ લોકો દ્વારા તંત્ર પાસે કરાઇ છે. ઉપરાંત પાક નિષ્ફળ જતાં તેનો પણ સર્વે કરવા માંગ કરાઇ છે.

બિલખામાં 2 કલાકમાં 3 ઈંચ
બિલખામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવી વરસાદ પડવાનો ચાલું થઇ ગયો હતો. જેના પગલે 2 કલાકમાં 3 ઇંચ જેવું પાણી વરસી ગયું હતું. જ્યારે નદીમાં ઘોડાપુર આવી ગયા હતાં.

ગડુમાં દોઢ કલાકમાં 2 ઇંચ
ગડુ અને આસપાસના વિસ્તારમાં શનિવારે સાંજે 6 વાગ્યા પછી ઓચિંતો વરસાદ શરૂ થયો હતો અને દોઢ કલાકમા 2 ઇંચ વરસાદ ખાબકી જતાં ચારે બાજુ પાણી ભરાઇ ગયા હતાં.

ઊના પંથકમાં બે દિવસમાં 7 લોકો પાણીમાં ગરક
ઊના પંથકમાં જાણે કે, હેમરાજાએ ધામા નાખ્યા હોય તેમ ,છેલ્લા 2 દિવસમાં 7 લોકો તણાયાની ઘટના બની છે તેમાંથી 4ની લાશ હજુ મળી નથી. ત્યારે વધુ દ્રોણેશ્વર નદી પાસે બેઠા પુલ પરથી પસાર થતી વખતે ગીરગઢડાના ફાટસર ગામનો મુન્ના કરસન રાઠોડ નામનો એક યુવાન નદીમાં તણાતા તેની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

ગીરગઢડા પંથકમાં 2 ઇંચ વરસાદ
ગીરગઢડા પંથકમાં આજે 2 ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. જેમાં ખાસ કરીને જરગલીમાં ધોધમાર વરસાદ પડતા સનવાવ અને આલીદર ગામને જોડતો પુલ પાણીમાં ગરક થઇ ગયો હતો. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાવલ ડેમનાં 5 દરવાજા ખોલવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...