રજૂઆત:માલધારી સમાજના 300 યુવાનોએ પરીક્ષાઓ પાસ કરી હોવા છતા નિમણૂક ન અપાતા રોષ, ઈચ્છા મૃત્યુની મંજૂરી માગી

માંગરોળ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળમાં માલધારી સમાજના યુવાનોએ રોષભેર સુત્રોચ્ચાર પોકારી આવેદનપત્ર પાઠવ્યુ

ગીર, બરડા અને આલેચના રબારી, ભરવાડ અને ચારણ સમાજના અનુ.જનજાતિના 300 યુવાનોને ત્રણ વર્ષથી વિવિધ ભરતીઓમાં નિમણૂંક આપવા અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા માલધારી સમાજના યુવાનોએ માંગરોળ મામલતદારને રોષપૂર્ણ આવેદન પાઠવ્યુ હતુ.

માંગરોળમાં યુવાનોએ આપેલ આવેદનમાં જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકરક્ષક દળ, રાજ્ય પરિવહન નિગમ, પીજીવીસીએલ, જીપીએસસી સહિતની ભરતીઓમાં માલધારી સમાજના યુવક, યુવતીઓ સિલેક્ટ થયેલ છે. પરંતુ જાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાના હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી નિમણૂકો આપવામાં આવી રહેલ નથી. પરિણામે અંદાજીત સમાજના 300 ઉમેદવારો નોકરીથી વંચિત છે.

સર્વોચ્ચ અદાલતના એક ચુકાદામાં પ્રમાણપત્રની ચકાસણીમાં નિયત કરેલ 60 દિવસ ઉપરનો સમય લાગે તો પ્રોવિઝનલ નિમણૂક આપવા જણાવાયુ છે. પરંતુ ત્રણ વર્ષ વિતી ગયા હોવા છતાં પ્રોવિઝનલ નિમણૂંક આપવામાં આવી નથી. આદિજાતિ વિભાગથી લઈ તમામ સંલગ્ન અધિકારીઓ, મંત્રીઓને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આમ સરકારની અન્યાયી નીતિનો ભોગ બની સમાજના બે વ્યક્તિઓએ આત્મહત્યા પણ કરી લીધી હોવાનું જણાવ્યું છે. સરકાર એક અઠવાડિયામાં પ્રોવિઝનલ નિમણૂક આપે અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપે નહીં તો યુવાનોએ આખરી પગલુ ભરવાની અંતમાં ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...