જૂનાગઢમાં શનિવારે ઉત્તરાયણ પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.ખાસ કરીને અબાલ વૃદ્ધ સૌ કોઇ પતંગ રસિયાઓ દિવસભર પતંગ ઉડાડી પર્વની મોજ માણશે. લોકો વ્હેલી સવારથી જ અગાશી પર ચડી જઇ પતંગો ઉડાડશે. કેટલાક લોકો ગીત સંગીતના તાલ સાથે પતંગ ઉડાડવાની મજા માણશે. એ.. કાપ્યો છે.
ના અવાજ ગુંજતા રહેશે. આ સાથે મકરસંક્રાતિના પર્વે દાનનું વિશેષ મહત્વ હોય લોકો દાન કરશેે. ખાસ કરીને બહેનોને ખીચડા સ્વરૂપે દાન કરશે. તેમજ ગૌશાળામાં જઇને દાન કરી પુણ્યનું ભાથું બાંધશે. બપોરે મોટાભાગના ઘરોમાં લોકો ઉંધિયાની જયાફત માણશે. દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પતંગોના સ્ટોલ લાગી ગયા છે. દરમિયાન મધુરમના પતંગના વેપારી હરેશભાઇ ઝાલાએ જણાવ્યું હતું કે, અમે રાજકોટથી પતંગો તેમજ ફિરકી મંગાવીએ છીએ. હાલ ભાવમાં 30 ટકા જેવો વધારો થયો છે, છત્તાં ઉત્સવપ્રિય જૂનાગઢીઓ ભાવ વધારાને કોરાણે મૂકી હોંશથી પતંગ,ફિરકી ખરીદી રહ્યા છે. હાલમાં 10 રૂપિયાથી લઇને 150 રૂપિયા સુધીની પતંગો વેંચાઇ રહી છે. જ્યારે 20 થી લઇને 700 રૂપિયા સુધીની ફિરકી વેંચાઇ રહી છે.
જ્યારે ટીંબાવાડીના પતંગના વેપારીએ જણાવ્યું હતું કે, 10થી લઇને 1,200 રૂપિયા સુધીની ફિરકી વેંચાઇ રહી છે. જ્યારે કાગળ અને પ્લાસ્ટિકની 20થી લઇને 150 રૂપિયા સુધીની પતંગો વેંચાઇ રહી છે. જ્યારે કાપડની પતંગ 400 રૂપિયાના ભાવે વેંચાઇ રહી છે. આ ઉપરાંત મ્હોરા, પપુડા,ગેસ ભરેલા ફુગ્ગા વગેરેનું વેંચાણ થઇ રહ્યું છે.
ખાસ કરીને બાળકોના પ્રિય ટોમ એન્ડ જેરી કાર્ટુનના ચિત્રો વાળી તેમજ છોટાભીમના ચિત્રો વાળી પતંગો વધુ વેંચાઇ રહી છે.શુક્રવારની સાંજથી લઇને મોડી રાત સુધી પતંગોનું ધૂમ વેંચાણ થયું છે. હજુ શનિવાર- ઉત્તરાયણના દિવસે પણ પતંગો, ફિરકીનું ભારે વેંચાણ થશે તેવું જણાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.