જૂનાગઢ શહેરમાં હોળી, ધૂળેટીના પર્વની રોનક જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં કલર,પિચકારીનું વેંચાણ કરતા સ્ટોલ ઉભા થયા છે. આ સ્ટોલમાં લોકો મોટા પ્રમાણમાં કલર, પિચકારી, ફૂગ્ગા વગેરેની ખરીદી કરી રહ્યા છે. ખાસ તો હાલ મોંઘવારી વધી રહી છે તેની અસરમાંથી હોળી, ધૂળેટીનું પર્વ પણ બાકાત રહ્યું નથી. શહેરના વેપારીઓના જણાવ્યા મુજબ કલર, પિચકારી વગેરેના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. જોકે, તેમ છત્તાં જૂનાગઢની ઉત્સવપ્રિય જનતા ભાવ વધારાને કોરાણે મૂકીને કલર, પિચકારી વગેરેની ખરીદી કરી રહ્યા છે.
હાલમાં ગ્રાહકીની સારી શરૂઆત છે. સાથે અંતિમ દિવસોમાં- છેલ્લી ઘડીએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાપાયે વેંચાણ થવાનો આશાવાદ વેપારીઓ સેવી રહ્યા છે. ઉતાસણી પર્વની શરૂઆત ગિરનાર પર્વતના 5000 પગથિયે બિરાજમાન માં અંબાના મંદિર પરિસરથી થશે. આ અંગેતનસુખગિરી મહારાજે જણાવ્યું હતું કે, ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં 6 માર્ચ -સોમવારના સંધ્યા આરતી બાદ વિધી વિધાન સાથે ઉતાસણી પર્વની ઉજવણી કરવામાં આવશે.
ત્યાર બાદ વર્ષોની પરંપરા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં હોળી પ્રાગ્ટય કરવામાં આવશે. આ વર્ષે 6 માર્ચ- સોમવારના 16:18 મિનીટ પછી પૂર્ણિમાનો આરંભ છે અને 7 માર્ચ - મંગળવાર સાંજના 18:11 સુધી પુર્ણિમા છે. જ્યારે 7 માર્ચના ધૂળેટી મનાવાશે.
પિચકારીના ભાવ
ટેન્ક, દફતર ટાઇપની પિચકારી 200થી લઇને 1000ના ભાવની છે જેમાં 1 થી 10 લીટર કલર સમાય છે. સાદી પિચકારી 10થી લઇને 150 સુધીની છે. એકી સાથે ચાર ફૂવારા વાળી પિચકારી પણ મળે છે. બંદૂક ટાઇપની પિચકારી 30થી લઇને 1050 સુધીની છે. જ્યારે પમ્પ ટાઇપની પિચકારી 50થી લઇને 350 સુધીની છે. મોટાભાગનો માલ અમદાવાદથી લાવે છે. માલ ન વેંચાય તે રિટર્ન થતો નથી. પડતર માલ આખું વર્ષ સાચવવો પડે છે.
એસટીને 1 દિવસમાં 8 લાખની વધુુ આવક
જૂનાગઢ એસટી દ્વારા હોળી, ધૂળેટીના પર્વને લઇને એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. આમાં મોટાભાગે દાહોદ,ગોધરા, જાલોદ માટે બસો દોડાવાય છે. દાહોદ, ગોધરા બાજુના મજૂરો મોટી સંખ્યામાં મજૂરી અર્થે જૂનાગઢમાં તેમજ આજુબાજુમાં આવતા હોય છે. તેઓ પોતાના વતનમાં પર્વની ઉજવણી કરવા જઇ શકે તે માટે 2 માર્ચના 29 બસ દ્વારા 58 ટ્રીપ કરાઇ હતી જેમાં 3,406 મુસાફરો થકી એસટીને એકજ દિવસમાં 8,03,488ની વધારાની આવક થઇ છે.- આર.પી. શ્રીમાળી, ડિવીઝનલ કન્ટ્રોલર,એસટી.
ફાર્મ હાઉસ પેક
ખાસ કરીને ધૂળેટીના પર્વની ઉજવણીનો લોકોમાં ભારે ઉત્સાહ હોય છે. હવે ફાર્મ હાઉસોમાં પણ ધૂળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી થતી હોય છે. પરિણામે મોટાભાગના ફાર્મ હાઉસમાં ધૂળેટીની ઉજવણીને લઇને એડવાન્સ બુકીંગ થયું હોય ફાર્મ હાઉસ પેક થઇ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.