તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેમમાં નવા નીરની આવક:વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થતા હિરણ-2 ડેમમાં 3 ફૂટ નવા નીર આવ્યાં, ખેડૂતોએ કર્યા વધામણા

વેરાવળ16 દિવસ પહેલા
ડેમમાં આવેલ નવા નીર
  • ગીર સોમનાથની જીવાદોરી સમાન હિરણ-2 ડેમમાં ગણતરીના કલાકોમાં નવું પાણી આવ્‍યું
  • ગીર જંગલ અને પંથકમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ડેમમાં 3 ફૂટ નવા નીર આવ્યાં
  • ત્રણ તાલુકાના પાંચ લાખથી વધુ લોકો, 5 હજાર હેકટર ખેતી અને બે ઉદ્યોગોને ડેમમાંથી પુરૂ પાડવામાં આવે છે પાણી

રાજ્યમાં મેધરાજાની ફરી એન્ટ્રી થઈ છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન એવા ત્રણ તાલુકાના લોકોને અને 5 હજાર હેકટર ખેતીને પાણી પુરતા હિરણ-2 ડેમમાં 3 ફૂટ નવા પાણીની આવક થઈ હતી. જેથી ખેડૂતો તથા લોકોને હાલ રાહત થઈ છે. આ નવું પાણી એક મહિનો સુધી ચાલે તેટલુ હોવાનું જાણકારો પાસેથી જાણવા મળ્યું છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા આ ડેમના તળીયા દેખાવા લાગતા સૌ કોઇ ચિંતત બન્યા હતા, જોકે, મંગળવારની રાત્રીથી મેઘરાજાની પઘરામણી થતા આજે બુધવારે સવારથી હિરણ-2 ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ હતી. બુધવારે બપોરે 12 વાગ્‍યા સુધીમાં ડેમમાં 3 ફૂટ નવું પાણી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ નવા નિરને વધાવવા માટે ખેડૂતો ડેમ સાઇટ ખાતે પહોંચ્યા હતા અને નવા નિરના વધામણા કર્યા હતા.

નવા નીરના વઘામણા કરતા ખેડુતો
નવા નીરના વઘામણા કરતા ખેડુતો

હિરણ-2 ડેમમાંથી 70 ગામના 5 લાખથી વધુ લોકોને પુરૂ પાડવામાં આવે છે પીવાનું પાણી

વેરાવળ-તાલાલા રોડ પર ઉમરેઠી ગામ પાસે હિરણ-2 ડેમ આવેલો છે. ડેમમાંથી વેરાવળ-સોમનાથ, સુત્રાપાડા નગરપાલીકા ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા અને માળીયા તાલુકાની જુદી-જુદી જૂથ યોજના મારફતે 70 ગામના 5 લાખથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્‍ટ તથા બે ઉદ્યોગો ઇન્‍ડીયન રેયોન અને જીએચસીએલ કંપનીને પણ ડેમમાંથી પાણી આપવામાં આવે છે. આ સાથે ડેમમાંથી પંથકની 5 હજાર હેક્ટર ખેતીને પણ સિંચાઇ માટે પાણી પુરૂ પાડવામાં આવે છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી દસ વર્ષ બાદ પ્રથમ વખત હિરણ-2 ડેમના તળીયા દેખાવા લાગ્યા હતા અને વીસેક દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્‍થો ડેમમાં ઉપલબ્‍ઘ હતો, જેથી લોકો અને ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ધોધમાર વરસાદ વરસે અને ડેમ ભરાય જાય તે માટે સર્વત્ર પ્રાર્થનાઓ થઇ રહી હતી.

ડેમના વિસ્‍તારમાં નવું આવેલ પાણી
ડેમના વિસ્‍તારમાં નવું આવેલ પાણી

આગામી એક મહિનો ચાલે તેટલા પાણીની આવક

આ દરમિયાન મંગળવારની રાત્રીથી ગીર જંગલ અને ગીર સોમનાથમાં મેઘરાજાની એન્‍ટ્રી થઈ હતી અને ધીમી ધારે વરસાદ વરસાવ્યો હતો. જે બાદ આજે બુધવારે સવારથી જંગલ સહિત સમગ્ર જિલ્‍લામાં અવિરત વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગીર જંગલ પંથક સહિત આસપાસના તાલુકાઓની નદી-નાળાઓમાં નવા નીરની ભરપુર આવક થઈ હતી. વેરાવળ- તાલાલા પંથકમાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપુર આવ્‍યું હતું. જેના પગલે હિરણ-2 ડેમમાં આજે બુધવારે વહેલીસવારથી જ પાણીની આવક શરૂ થઈ હતી અને બપોર સુધીમાં 13,292 કયૂસેક (3 ફૂટ) નવા નીરની આવક થઇ હોવાનું સિંચાઇ વિભાગમાંથી જાણવા મળ્યું હતું. ડેમમાં આવેલા ત્રણ ફૂટ જેટલુ પાણી આગામી એકાદ માસ ચાલે તેટલુ હોવાનું સિંચાઇ વિભાગના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

ડેમમાં શ્રીફળ અને ચુંદડી પધરાવી નવા નીરના વધામણાં

હિરણ-2 ડેમમાં ગણતરીના કલાકોમાં જ નવા નીરની આવક થઇ હોવાના સમાચારના પગલે પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. પંથકના ખેડૂત અગ્રણી ડી.બી.સોલંકી સહિત માલજીંજવા અને ઉમરેઠી ગામના ખેડૂતો હિરણ- 2 ડેમ સાઇટ પર જઇ ડેમમાં શ્રીફળ અને ચુંદડી પધરાવી નવા નીરના વધામણાં કર્યા હતા. ડેમમાં આવેલા નવા નીરના પગલે 5 લાખથી વધુ લોકો પર અને 5 હજાર હેક્ટર જમીન પર મંડરાઇ રહેલા પાણીના ખતરાને મેઘરાજાએ થોડા સમય પુરતો ટાળી દીધાનું જાણકારો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...