જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી વરસાદી સિઝનને ધ્યાને રાખીને પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરાઇ રહી છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અટકે નહિ તે માટે ટીમ જરૂરી સાધનો સાથે કામ કરી રહી છેે. આ અંગે મહાનગરપાલિકાના સીટી ઇજનેર દિપકભાઇ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, કમિશ્નર રાજેશ તન્નાની સૂચનાને લઇ શહેરમાં વોકળાની સફાઇની કામગીરી કરાઇ રહી છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અટકે નહિ અને શહેરમાં પાણીનો ભરાવો ન થાય તેને ધ્યાને રાખીને કામગીરી કરાઇ રહી છે. શહેરમાં નાના મોટા કુલ 28 વોકળા આવેલા છે જેમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે.
ત્યારે વર્ષ દરમિયાન આ વોકળામાં ગંદકી, માટી, કચરો વગેરે ભરાઇ ગયા હોય છે. કેટલાક વોકળામાં ઝાડ પણ ઉગી નિકળ્યા હોય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલમાં અડચણરૂપી આ તમામ વસ્તુનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ચોમાસામાં વોકળા દ્વારા પાણી નિકાલ ન અટકે અને આ ગંદુ પાણી આજુબાજુની સોસાયટીમાં ફરી ન વળે. હાલ કુલ 28 માંથી 12 વોકળાની સફાઇ કરવામાં આવી છે. હવે 16 વોકળા બાકી રહ્યા છે. હાલ તેની કામગીરી ચાલી રહી છે.
10 જૂન સુધીમાં બાકીના તમામ વોકળાની સફાઇ થઇ જશે. પરિણામે શહેરમાં ચોમાસાનું વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનોને છૂટકારો મળશે તેવી આશા સેવાઇ રહી છે. ચોમાસા દરમિયાન અનેક વિસ્તારો માત્ર સામાન્ય વરસાદમાં જ જળબંબાકારમાં ફેરવાઇ જાય છે. તેનું કારણ વોકળામાંથી વરસાદી પાણીનો નિકાલ ન થવો તે છે. ત્યારે આવી સ્થિતી આ વર્ષે વરસાદી સિઝનમાં ન થાય તે માટે મહાનગરપાલિકા તંત્ર કામગીરી કરવા સજ્જ બન્યું છે.
જૂનાગઢ શહેરના આ વિસ્તારમાંથી વોકળા પસાર થાય છે
શહેરના અનેક વિસ્તારોમાંથી વોકળા પસાર થાય છે જેની સફાઇની કામગીરી હાથ ધરાઇ રહી છે. આમાં મુખ્યત્વે દોલતપરા, રેલવે સ્ટેશન, ચોબારી રોડ, ઝાંઝરડા રોડ, કામદાર સોસાયટી, વાણંદ સોસાયટી, કાળવાનો વોકળો, મોતીબાગ પાસે, અલ્ટ્રા સ્કૂલ મંગલધામ, એગ્રીકલ્ચર પાસે, સુદામા પાર્ક,સંજય નગર, લીરબાઇ પરા વિસ્તાર, આંબેડકર નગર સહિત 28 વોકળાનો સમાવેશ થાય છે.
વોકળા પરના દબાણ ક્યારે હટાવાશે?
શહેરમાં અનેક વોકળા પર દબાણો થઇ ગયા છે. પરિણામે વોકળા નાના થઇ જતા પાણીના નિકાલનું વહેણ પણ નાનું થઇ જાય છે. પરિણામે પણ શહેરમાં વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે. ત્યારે સફાઇની સાથે વોકળા પર થયેલા દબાણો હટાવવા પણ એટલા જ જરૂરી છે. ત્યારે આ દબાણ કોણ અને ક્યારે હટાવશે તે જોવું રહ્યું.
આ સાધનો વડે સફાઇ
વોકળાની સફાઇ માટે મહાનગરપાલિકાએ પોતાના 2 જેસીબી અને 4 ટ્રેકટર જેવા સાધનો કામે લગાડ્યા છે. આ સાથે એન્જીનિયર, એસઆઇ(સેનેટરી ઇન્સ્પેકટર), સુપરવાઇઝર, ડ્રાઇવર અને હેલ્પર મળી 10 થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે.
વોકળાની ફરિયાદ અહિં કરો
મહાનગરપાલિકા નાળું, પુલીયું, નાના મોટા વોકળા મળી 28 વોકળા આઇડેન્ટીફાઇ કરી ત્યાં સફાઇની કામગીરી હાથ ધરી રહ્યું છે. તેમ છત્તાં કોઇ વિસ્તારમાં કોઇ વોકળો રહી ગયો હોય અને તેની સફાઇની જરૂરિયાત જણાતી હોય તો સ્થાનિક લોકો આ અંગે વોર્ડના એસઆઇનો સંપર્ક કરી મહાનગરપાલિકાને અરજી મોકલ્યે તપાસ કરી યોગ્ય કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.