પશુઓ માટે લીલો ઘાસચારો મળી રહે તે માટે બુલેટ ગ્રાસ(ઘાસ)નું વાવેતર કરવામાં આવે છે. આ ગુણવતાયુકત ઘાસથી પશુના દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે અને ફેટ પણ સારા એવા આવે છે. આ ઘાસના વાવેતર માટે સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. જેમાં મનરેગા યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના 1410ખેડૂતોને બુલેટ ગ્રાસ(ઘાસ)ના વાવેતર માટેની સહાય મંજુર કરી રૂા.47.93 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
અન્ય ઘાસની સરખામણીએ બુલેટ ગ્રાસ ઝડપી ઉગે છે
આ યોજનાનો લાભ લેનાર જૂનાગઢ તાલુકાના પ્રભાતપુરના ખેડૂત જયસુખભાઇ ડોબરિયાએ જણાવ્યું હતું કે, મારે 4 ગાયો છે. પણ તેના લીલી ઘાસચારા માટે જમીન ઓછી થતી હતી. આથી અમારા ગામના સરપંચને સરકાર દ્વારા બુલેટ ગ્રાસમાં સહાય આપવામાં આવે છે તેની માહિતી હતી. આથી તેમણે મને બુલેટ ગ્રાસ(ઘાસ)ના વાવેતર કરવાની સલાહ આપી હોવાથી મે એક વિઘામાં બુલેટ ગ્રાસ(ઘાસ)નું વાવેતર કર્યું છે. છેલ્લા ૩ વર્ષથી હું આ ઘાસનું વાવેતર કરૂ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘાસ સામાન્ય રીતે ઝડપથી ઉગે છે તથા તેને કાપીને ઉપયોગમાં લીધા બાદ તે જગ્યાએથી ફરી વાર ઉગે છે. વાવેતરના ૨ મહિના બાદ તેને ઉપયોગમાં લઇ શકાય છે. તેમજ તે અંદાજે ૧૦ થી ૨૦ ફુટ જેટલું ઉંચુ થાય છે. આ ઉપરાંત પશુઓને આ ઘાસ અનુકુળ આવે છે અને ખાસ કરીને દુધાળા પશુઓ વધુ દુધ આપે છે અને આ ઘાસ થકી ફેટ પણ સારા આવે છે.
સરકાર ઘાસના વાવેતર માટે ખેડૂતનો આપે છે સહાય
સરકારની આ બુલેટ ગ્રાસ(ઘાસ)યોજના હેઠળ એક ખેડૂતને પોણા વિઘામાં 3 વર્ષ માટે રૂા.59 હજારની રકમ ચૂકવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 2565 કામોની મંજૂરી આપવામાં આવી છે. તે પૈકી 1410 કામો હાલમાં પૂર્ણ થઇ ગયા છે તેમજ અન્ય કામો હાલ પ્રગતિમાં છે. 1410ખેડૂતોને પોતાના જ ખેતરમાં રોજગારી આપવા માટે બુલેટ ગ્રાસ(ઘાસ) સહાય હેઠળ રૂા. 47.93 લાખની રકમ ચૂકવવામાં આવી છે.
પશુઓને લીલો ઘાસચારો મળી રહે તે માટે આ ચારો બીજેથી ખરીદીને લાવતા હતા. તે હવે ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાડવાથી તે ખર્ચની બચત થાય છે અને સરકારની સહાય પણ મળી રહે છે. જેના લીધે ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાર્થક થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.