તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન છેતરપિંડી:જૂનાગઢના મઢડાના તુરણને કેબીસીમાં 25 લાખની લોટરી લાગ્યાનું જણાવી અલગ અલગ ચાર્જના નામે સવા લાખ રૂપિયા પડાવ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરવાડના યુવાન સાથે બાઈક મોકલવાના નામે 37 હજારની છેતરપિંડી

જૂનાગઢના કેશોદ તાલુકાના મઢડામાં રહેતા તરૂણને અજાણ્યા શખ્સે મેસેજ કરી કે.બી.સી.માં 25 લાખની લોટરી લાગી છે તેમ કહી ઇનામની લાલચ આપી અલગ - અલગ ચાર્જના નામે 1.23 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે જૂનાગઢ તાલુકાના ચોરવાડના યુવાનને બાઇક મોકલવા લાલચ આપી અજાણ્યા શખ્સ 37,599 રૂપિયા ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરી લીધા હોવાની બે જુદી જુદી પોલીસ ફરીયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

એક તરફ ડીજીટલ વ્યવહારો કરવા લોકજાગૃતિ લાવવાની સાથે અપીલ પણ જવાબદાર સંસ્થાઓ દ્વારા સમયાંતરે કરવામાં આવે છે. તો બીજી તરફ ઓનલાઈન વ્યવહારમાં દરરોજ અનેક લોકો છેતરપીંડીનો ભોગ બનતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. આવા જ બે કિસ્સા જૂનાગઢ જિલ્લામાં સામે આવ્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના મઢડા ગામમાં રહેતા દિપક પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.17) નામના તરૂણને ગત તા.3 એપ્રિલના સાંજે એક અજાણ્યા નંબર પરથી તમને કે.બી.સી.માંથી લોટરી લાગી હોવાનું જણાવતો વોઇસ મેસેજ આવ્યો હતો. આ વોઇસ મેસેજમાં એક નંબર આપેલ તેના પર જાણ કરવા કહ્યું હતું. જેથી યુવાનએ તેના પર મેસેજ કરતા વોટસએપ કોલ આવ્યો હતો. જેમાં તમારા નામે લાગેલ લોટરીના ઇનામની રકમ મેળવવા 15 હજાર ટેક્ષ ચુકવવો પડશે અને ત્યારબાદ તેમના ખાતા નંબર મોકલી તેમાં વિવિધ ચાર્જના નામે જુદા જુદા સમયએ કુલ 1,22,900 રૂપિયા જમા કરાવડાવી લીધા હતા. બાદમાં જવાબ આપવાનું બંધ કરી ઓનલાઇન ગઠીયાઓએ ધુંબો મારી દીધો હતો. આ અંગે દિપક રાઠોડએ ફરિયાદ નોંધાવતા જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે જૂનાગઢ તાલુકાના ચોરવાડ ગામમાં રહેતા ભુપેન્દ્રભાઇ રાણાભાઇ રાઠોડ (ઉ.વ. 45)એ ફેસબુક પર બુલેટની જાહેરાત જોઇ ફોન કર્યો હતો. તેમાં અજાણ્યા શખ્સએ પોતે વડોદરામાં આર્મીમાં હોવાની ઓળખ આપીને વોટસઅપ પર બાઇકના ફોટા આર.સી. બુક મોકલી હોમ ડિલીવરી આપવાનું જણાવી કુલ 37,599 રૂપિયા ટ્રાન્સફર કરાવી લઇ બાઈક ન મોકલી ઓનલાઇન છેતરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદ થતા રેન્જ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...