ઘરના આંગણે ગાંજાનું વાવેતર!:સોમનાથ બાયપાસ પાસે રહેણાંક મકાનના ફળિયામાંથી 25 કિલો ગાંજાના છોડ ઝડપાયા, મકાન માલિકની ધરપકડ

ગીર સોમનાથ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન પર દરોડો પાડનાર પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા
  • મકાનમાલીકની ધરપકડ કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી

સોમનાથ બાયપાસ પાસે કંસારા કાદી વિસ્તારમાં રહેતા શખ્સે પોતાના મકાનના ફળીયામાં ગાંજાના છોડનું વાવેતર કરતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડતા મકાનના ફળીયામાંથી 25 કીલો અને 400 ગ્રામ વજન ધરાવતા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ અંગે મકાન માલિક શખ્સ સામે પોણા લાખના ગાંજાના મુદામાલને લઈ એનડીપીએસ એકટ મુજબ ગુનો પ્રભાસપાટણ પોલીસમાં નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીને લઈ નશાખોર તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.

ગાંજાના વાવેતરના દ્રશ્યો જોઈ પોલીસ ચોંકી ઉઠીજીલ્લા મથક વેરાવળ-સોમનાથમાં નશાકારક પદાર્થોનું સેવન અને વેંચાણ છાને ખુણે વધી રહ્યુ હોવાના લોકોમાં થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એસઓજીની ટીમે સોમનાથ વિસ્તારમાંથી પકડેલ ગાંજાના વાવેતરથી ચકચાર પ્રસરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સોમનાથ બાયપાસ પાસેના રહેણાંક વિસ્તારમાં ગાંજાનું વાવેતર અને વેચાણ થઈ રહ્યું હોવા અંગે એસઓજીના નરવણસિંહ ગોહિલ તથા ગોવિંદ વંશને ખાનગી રાહે સયુંકત બાતમી મળી હતી. જેના આધારે એસઓજી પીઆઈ એસ.એલ. વસાવાએ સ્ટાફને સાથે રાખી સોમનાથ બાયપાસ પાસે કંસારા કાદી વિસ્તારમાં રહેતા નરેશ કાળાભાઇ ગઢીયાના રહેણાંક મકાન ઉપર દરોડો પાડી તપાસ કરતા ફળીયામાં ગેરકાયદેસર રીતે વાવેલ સાત ફુટ ઉંચાઇ ધરાવતો લીલા પાંદડા, ડાળખા ધરાવતો ગાંજાનો છોડ એક જેનું વજન 25 કીલો 400 ગ્રામ જેની કિ.રૂ.76,200 મળી આવતા અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા.

મકાન માલિક સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયોઆ મામલે પોણા લાખના ગાંજાના છોડ સહિતના મુદામાલ અંગે પીએસઆઈ વી.એન.સોનારાએ મકાન માલીક નરેશ ગઢીયા સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ શખ્સ કેટલા સમયથી મકાનમાં ગાંજાનું વાવેતર કરતો હતો, કોને કોને વેચતો હતો તે સહિતની બાબતો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...