જનરલ બોર્ડ મિટીંગ:222 કરોડની ભૂગર્ભ ગટર પા.પુ. બોર્ડે બનાવી, હવે 344 કરોડની મનપા કરશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનરલ બોર્ડમાં શાસકોએ કહ્યું આધારકાર્ડની કામગીરી રાત્રે 9:30 સુધી કરવા સૂચના અપાશે, કોંગ્રેસી કોર્પોરેટરે કહ્યું : સર્વર 6 વાગ્યે બંધ થાય છે!!
  • કોંગ્રેસી કોર્પોરેટરે વિવિધ સવાલો ઉઠાવ્યા, ભાજપના 2 કોર્પોરેટરે પણ રસ્તા, પાણીની સમસ્યા રજૂ કરી

બુધવારે જૂનાગઢ મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. આ બોર્ડમાં વિપક્ષે ખાસ કરીને આધારકાર્ડની કામગીરી, ખોદેલા રસ્તાના પેચવર્ક,સફાઇની કામગીરીમાં લાલીયાવાડી સહિતના મામલે રજૂઆત કરી હતી. જ્યારે ભાજપના 2 કોર્પોરેટરે રસ્તા અને પાણીની સમસ્યાની રજૂઆત કરી હતી. કુલ 5 ઠરાવ રજૂ થયા હતા જે સર્વાનુમતે મંજૂર થયા હતા. જ્યારે ગત માસની મિટીંગને બહાલીનો ઠરાવ અને ભૂગર્ભ ગટરના 344 કરોડના કામોનો ઠરાવ બહુમતિથી પસાર થયો હતો. જયારે જોષીપરાનાં કોમર્શીયલ કોમ્પલેક્ક્ષ માટે મનપા પૈસા ભરસે તેવો ઠરાવ પણ મંજૂર થયો છે.

ખાસ કરીને જનરલ બોર્ડમાં વિપક્ષીનેતા અદ્રેમાનભાઇ પંજા, મંજુલાબેન પણસારા વગેરેએ જણાવ્યું હતું કે,શહેરમાં એક સમયે 14 સ્થળે આધારકાર્ડની કામગીરી થતી હતી. હવે માત્ર 2 જગ્યાએ થાય છે. ત્યાં 60 ટોકન અપાય છે. પરિણામે લાઇનમાં ઉભેલા અનેક લોકોને વારો ન આવતા પરત જવું પડે છે. ત્યારે દરેક વોર્ડમાં આધારકાર્ડની કામગીરી થવી જોઇએ. દરમિયાન શાસકોએ જણાવ્યું હતું કે, હાલ મહાનગરપાલિકા અને જોષીપરા ઝોનલ ઓફિસે કામગીરી થાય છે. ભવિષ્યમાં સેન્ટર વધારાશે.

પરંતુ જ્યાં સુધી સેન્ટર ન વધે ત્યાં સુધી ચાલુ બન્ને સેન્ટરો પર રાત્રિના 9 થી 9:30 સુધી આધારકાર્ડની કામગીરી કરવાની સૂચના અપાશે. જ્યારે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, સર્વર 6 વાગ્યે બંધ થઇ જાય છે તો 9 કે 9:30 સુધી કામગીરી કેવી રીતે કરાવશે?!! દરમિયાન અત્યાર સુધી ફેસ વનમાં ભૂગર્ભ ગટરનું કામ પાણી પુરવઠા બોર્ડ કરતું હતું. અંદાજે 222 કરોડનું કામ પાણી પુરવઠા બોર્ડે કર્યું છે. હવે સેકન્ડ ફેસમાં 344 કરોડના ભૂગર્ભ ગટરના કામો મહાનગરપાલિકા કરશે. બોર્ડમાં કોંગ્રેસી કોર્પોરેટરે વિવિધ મુદ્દે સવાલો કર્યા હતા. જ્યારે ભાજપના જ 2 કોર્પોરેટરે રસ્તા અને પાણીની સમસ્યાની રજૂઆત કરી હતી.

મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષસ્થાને મળેલા બોર્ડમાં કમિશ્નર રાજેશ તન્ના, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પણસારા, શાસકપક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઇ ભલાણી, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા, ભાજપના કોર્પોરેટરો, વિપક્ષી નેતા અદ્રેમાનભાઇ પંજા, કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારા, લલીતભાઇ પણસારા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

ટેન્ડરમાં ભૂલાયું, હવે પેચવર્ક મનપા કરશે
કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, રોડ ખોદ્યા બાદ એજન્સી ડામરથી પેચવર્કની ના પાડે છે. એજન્સી કહે છે કે, અમારા ટેન્ડરમાં આ શરત નથી. સીસી કહો તો કરી આપીએ.ત્યારે કમિશ્નર રાજેશ તન્નાએ કહ્યું હતું કે, તમે સારો અભ્યાસ કર્યો છે કે ટેન્ડરમાં ડામરની શરતો નથી. પ્રશ્ન સાચો છે પરંતુ કામ પાણી પુરવઠા બોર્ડ કરે છે તેમણે ટેન્ડર બનાવ્યું છે.

અમે ટેન્ડરમાં ન હોવા છત્તાં શિવરાત્રીમાં દોલતપરાથી સક્કરબાગ રોડમાં પેચવર્ક કરાવ્યું હતું તેમ બાકીનું કામ પણ કરાવાશે. જ્યારે ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, જરૂર પડે તો મહાનગરપાલિકાની ગ્રાન્ટ ફાળવીને પણ રસ્તામાં ડામરના પેચવર્કનું કામ કરાવીશું. ત્યારે મંજુલાબેન પણસારાએ કહ્યું હતું કે ચોમાસા પહેલા પેચવર્ક કરાવજો. હાલ તો ઉઠમણાંમાં જઇએ તો પણ લોકો ખરાબ રસ્તાની ફરિયાદ કરે છે.

ક્લાસ વન એજન્સી ટેન્ડર ભરશે
સરકારમાં રજૂઆત કરતા ભૂગર્ભ ગટરના ફેસ ટુના કામ માટે સરકારે 344 કરોડ ફાળવ્યા છે. મેઇન ગટરનું કામ થયું છે. હવે ઘરથી ભૂગર્ભ ગટર સુધીના જોડાણનું કામ મહાનગરપાલિકા કરશે. આ માટે ક્લાસ વન એજન્સી જ ટેન્ડર ભરી શકશે. આમ, આ કામગીરી પર મનપા ઓબઝર્વેશન કરી શકશે. - ગિરીશ કોટેચા, ડેપ્યુટી મેયર.

2 ચોમાસા ગયા, રોડ ન બન્યો
વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર જીવાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ગ્રોફેડનો રોડ ખોદાયા બાદ નવો બન્યો નથી. વોર્ડ નંબર 14માં રોડ બની ગયો તો વોર્ડ નંબર 15માં કેમ થતો નથી? ખરાબ રોડમાં 2 ચોમાસા પસાર થઇ ગયા. હવે માથે ચોમાસું ગાજી રહ્યું છે. ત્યારે સત્વરે રોડ બનાવવાની માંગ છે.

4 દિવસે પાણી આવે છે
વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર રાકેશભાઇ ધુલેશીયાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં 4 દિવસે પાણી આવે છે. ત્યારે બીજો ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા માંગ કરી હતી. જ્યારે વોટર વર્કસ ઇજનેર અલ્પેશભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, પાઇપ લાઇનનું કામ ચાલુ છે. એક અઠવાડિયામાં પાણી વિતરણ શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...