ભાસ્કર બ્રેકિંગ:દક્ષિણ સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં B.edની 2200 બેઠકો સ્થગિત થતાં રહી ગઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભોપાલ એનસીટીઇની લીંકમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કોઇની બેદરકારી રહી તો કોઇને લીંક નોતી ખુલતી

દર વર્ષે ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ બીએડના કોર્સમાં એડમીશન મેળવે છે. તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વધી છે. ત્યારે ઘણીખરી કોલેજોમાં બેઠકો ખાલી પણ રહેતી હોય છે. એક કોલેજમાં 100 બેઠકો હોય છે. પણ તાજેતરમાંજ એવી સ્થિતી ઉભી થઇ કે, ઘણીખરી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં બીએડના એડમીશન જ આપી શકાય એમ નહોતા.

દિલ્હીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકોએ હાઇકોર્ટમાંથી સ્ટે મેળવ્યો
જોકે, સમયસર એ સ્થિતી સામે દિલ્હીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકોએ હાઇકોર્ટમાંથી સ્ટે મેળવી લેતાં હવે તમામ સ્કુલો એડમીશન આપી શકવાની સ્થિતીમાં આવી છે. વાત જાણે એમ બની કે, કોઇપણ બીએડ કોલેજને ભોપાલ સ્થિત એનસીટીઇની માન્યતા મેળવવાની હોય છે. કોલેજનું એફિલીયેશન ભલે જેતે વિસ્તારની યુનિવર્સીટી સાથે હોય. પણ જ્યાં સુધી એનસીટીઇની માન્યતા ન મળે ત્યાં સુધી તે બીએડના કોર્સમાં વિદ્યાર્થીઓને એડમીશન આપી શકતી નથી. દરેક કોલેજની સંલગ્ન દસ્તાવેજોની ફાઇલ એનસીટીઇ પાસે હોય જ છે.

લીંકમાં જે તે કોલેજની છેલ્લા 3 વર્ષની માહિતી માંગવામાં આવી ​​
જોકે, એનસીટીઇએ તેની વેબસાઇટમાં એક લીંક આપી દરેક કોલેજને તેમાં માંગેલા દસ્તાવેજો અપલોડ કરવાની સુચના અપાઇ છે. અત્યાર સુધી જોકે, કોઇ સેલ્ફ ફાઇનાન્સ કોલેજે તેના પ્રત્યે બહુ ગંભીરતા નહોતી દાખવી. એ લીંકમાં જેતે કોલેજની છેલ્લા 3 વર્ષની માહિતી માંગવામાં આવે છે. પણ દરેક કોલેજોનું યુનિવર્સિટી સાથે એફિલીયેશન હોવાથી અને વળી એનસીટીઇમાં તેની ફાઇલો પણ અગાઉ સબમીટ કરાઇ હોવાથી સંચાલકો તેની બહુ દરકાર નહોતા કરતા.

NCTEએ ડોક્યુમેન્ટ અપલોડ ન કરનાર કોલેજોને બ્લેકલિસ્ટ કરી
આ વખતે એનસીટીઇએ ફેબ્રુઆરી 2022 સુધીમાં લીંક પર ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાની છેલ્લી તારીખ રાખી હતી. પણ કોઇએ તેના પ્રત્યે લક્ષ ન આપ્યું. તો કોઇને તેની લીંક જ ન ખુલી, ક્યાંક નેટ કનેક્ટિવીટીની સમસ્યા હતી. આખરે એનસીટીઇએ ડોક્યુમેન્ટ અપલોડ ન કરનાર કોલેજોને બ્લેકલિસ્ટ કરી દીધી. આથી એ કોલેજો નવા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે એમ નહોતી.

22 કોલેજોની કુલ 2200 બેઠક પર હવે આ કોલેજો એડમીશન અપાશે
જોકે, એ દરમ્યાન અમુક સંચાલકો દિલ્હી હાઇકોર્ટમાંથી કેટલીક કોલેજોને બ્લેકલિસ્ટ કરવા સામે મનાઇ હુકમ લઇ આવ્યા. આથી કેટલીક સેલ્ફ ફાઇનાન્સ બીએડ કોલેજોની આ વર્ષની બેઠકો જતાં જતાં રહી ગઇ. આવી બીએડ કોલેજોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાની 22 કોલેજોની કુલ 2200 બેઠક પર હવે આ કોલેજો એડમીશન આપી શકશે. જ્યારે અમરેલી જિલ્લાની 3 અને પોરબંદર જિલ્લાની 1 કોલેજને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો.

બેઠકો ઘટાડવાની રાજકીય ચાલ હોવાની ચર્ચા
સેલ્ફ ફાઇનાન્સ બીએડ કોલેજોનાં અંતરંગ વર્તુળોમાં એવી ચર્ચા થઇ રહી છેકે, જો એક વર્ષ પૂરતી કેટલીક કોલેજોને બ્લેક લિસ્ટ કરી દેવાય તો એડમીશનમાંથી એટલી બેઠકો નીકળી જાય. પરિણામે જેમની કોલેજોમાં પૂરતી સંખ્યા નથી થતી તેઓની બધી બેઠકો ભરાઇ જાય. અને તગડી ફીની આવક થાય.

કોલેજોએ આ ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે

  • છેલ્લા 3 વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ રહ્યા
  • કેટલા શિક્ષકો છે
  • અન્ય સ્ટાફ કેટલો છે
  • કોલેજનું બાંધકામ કેટલું છે તેની માપસાઇઝ
  • સંડાસ-બાથરૂમની સુવિધાની માપસાઇઝ
  • રમતનું મેદાન કેવડું છે તેની માપસાઇઝ
અન્ય સમાચારો પણ છે...