537 પ્રકારની વિવિધ કામગીરી કરનાર તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગો છે. આ માંગોને લઇ અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છત્તાં માંગ ન સંતોષાતા આખરે તલાટી કમ મંત્રીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળનો પ્રારંભ કર્યો છે. આ અંગે જૂનાગઢ જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી મંડળના પ્રમુખ જે.જે. ડાંગર અને મંત્રી એ.બી. વસીયરે જણાવ્યું હતું કે, અમારી કેટલીક વ્યાજબી માંગો છે જેને પણ સ્વિકારવામાં આવતી ન હોય ના છૂટકે 2 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળનો પ્રારંભ કરવો પડ્યો છે. તલાટી મંત્રીઓએ વિવિધ પ્રકારની 537 કામગીરી કરવાની હોય છે.
સામે સ્ટાફની સતત ઘટ છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 31 જૂલાઇ 2022ની સ્થિતીએ જોતા કુલ 441 તલાટી કમ મંત્રીઓની જગ્યા મંજૂર થયેલી છે. આમાંથી માત્ર 233 જગ્યા ભરાયેલ છે અને 208 જગ્યા ખાલી છે. આમ, કુલ 52.83 ટકા સ્ટાફની ભરતી થયેલ છે. અનેક વખત રજૂઆતો કરવા છત્તાં આ જગ્યાઓ ભરવામાં આવતી ન હોય પરિણામે તલાટી કમ મંત્રીઓ પર કામનું ભારણ વધી જાય છે અને માનસિક તણાવ વચ્ચે કામગીરી કરવા મજબૂર બને છે. ત્યારે અમારા પડતર પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ ન આવતા આ બાબતે અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવામાં આવી છે.
જૂનાગઢમાં તાલુકા વાઇઝ તલાટીઓની વિગત | ||||
તાલુકો | મંજૂર | ભરતી | બાકી | ટકાવારી |
મેંદરડા | 41, | 20, | 21, | 48.78 |
માણાવદર | 66, | 33, | 33, | 50 |
ભેંસાણ | 35, | 19, | 16, | 54.29 |
વંથલી | 44, | 23, | 21, | 52.27 |
જૂનાગઢ | 59, | 36, | 23, | 61.02 |
કેશોદ | 49, | 25, | 24, | 51.02 |
માળીયા હાટીના | 52, | 27, | 25, | 51.92 |
વિસાવદર | 52, | 24, | 28, | 46.15 |
માંગરોળ | 43, | 26, | 17, | 60.47 |
આમ, જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં કુલ 441 તલાટી કમ મંત્રીની મંજૂર થયેલી જગ્યા સામે 233 જગ્યા ભરાઇ છે અને 208 જગ્યા ખાલી છે. આમ, ભરાયેલી જગ્યાની ટકાવારી 52.83 ટકા થાય છે.
તલાટી કમ મંત્રીઓની આ માંગણી છે
તલાટી મંત્રીની 5 વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવી, ત્યાર બાદના 7 વર્ષની નિયમિત પગારની નોકરીને સાથે ગણી 12 વર્ષની નોકરી મુજબ બઢતી આપવી, ઉચ્ચતર પગાર ધોરણ આપવા અને નિતીવિષયક લાભો આપવા. સર્કલ ઇન્સ્પેકટર વર્ગ 3ની જગ્યાઓને વિસ્તરણ અધિકારીમાં અપગ્રેડ કરવા, ઉચ્ચતર પગાર ધોરણ માટેની પરીક્ષા રદ કરવી, રેવન્યુ (મહેસુલી) તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા, પંચાયત વિભાગ સિવાયના અન્ય વિભાગની કામગીરી ન સોંપવી તેમજ વધારાનું ભથ્થું આપવા સહિતની માંગણી છે.
રેવન્યુ તલાટીની કામગીરી પણ ગ્રામ પંચાયતના તલાટી પર
અગાઉ રેવન્યુ તલાટી માટેની કામગીરીનો જોબ ચાર્ટ બનાવાયો હતો. આમાં 1 થી 18 નમુનાની કામગીરીનો સમાવેશ થતો હતો. જ્યારે હવે માત્ર નમુના નંબર 6, 7-12 અને 8- અની મળી કુલ 3 કામગીરી ઇ-ધરામાં કરાય છે. બાકીની કામગીરી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને સોંપી દેવાઇ છે.
કઇ કઇ કામગીરી અટકશે ?
ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાળના કારણે ઘરવેરો, આવકના દાખલા, જન્મ મરણના સર્ટિફિકેટ, મેરેજ (લગ્ન રજીસ્ટ્રેશન)ના સર્ટિફિકેટ, મહેસુલી આવક સહિતની અનેક કામગીરી પ્રભાવિત થશે.
વારસાઇ એન્ટ્રીની કામગીરીમાં ભારે વિલંબ
હાલ ગામડામાં વારસાઇ એન્ટ્રીની કામગીરી સાવ ખોરંભે પડી ગઇ હોય તેમ ભારે વિલંબ થઇ રહ્યો છે. સામાન્ય રીતે વારસાઇ એન્ટ્રી માટેનું ફોર્મ ભરી આધાર કાર્ડ, રેશનકાર્ડ વગેરે જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી કરી ગામમાં આવેલ મકાનમાં વારસાઇ એન્ટ્રી કરવાની હોય છે જે સ્થાનિક લેવલે થતી હતી. હવે તેમાં પણ ભારે વિલંબ કરાઇ રહ્યો છે પરિણામે લોકો ધક્કા ખાઇને ત્રાસી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.