લડત:જૂની પેન્શન યોજનાને લઇ આજે 2,000 કર્મી કરશે રેલી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો
  • જૂની​​​​​​​ પેન્શન યોજના બંધ કરતા લાખ્ખો કર્મીઓને આર્થિક નુકસાન થતું હોય વિધાનસભાની ચૂંટણી પહેલા જ નગારે ઘા મારવાનો પ્રયાસ

જૂનાગઢમાં શનિવારે 2,000થી વધુ કર્મીઓ જૂની પેન્શન યોજનાના મુદ્દે રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદન આપશે. સાથે જો આ મામલે સત્વરે ઉકેલ નહિ આવે તો આગામી સમયમાં વધુ કાર્યક્રમો આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાન્તના ઉપાધ્યક્ષ જીતુભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ છે. આ માંગને લઇને અગાઉ અનેક વખત રજૂઆત કરાઇ છે પરંતુ કોઇ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે.

ખાસ કરીને જૂની પેન્શન યોજના બંધ કરતા લાખ્ખો કર્મીઓને આર્થિક નુકસાની થઇ રહી છે. ત્યારે તમામ સરકારી કર્મચારીઓના હિતમાં રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા 3 સપ્ટેમ્બરના બપોરના 2 વાગ્યે 2,000થી વધુ કર્મીઓને રેલીનું આયોજન કરાયું છે. આ રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદન આપી જૂની પેન્શન યોજના ચાલુ કરવા તેમજ પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા સરકાર સમક્ષ માંગ કરાશે. જો સરકાર દ્વારા શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓની માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો આગામી સમયમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે.

અગાઉ અનેક રજૂઆતો છત્તાં કોઇ નિર્ણય સરકાર દ્વારા લેવામાં ન આવતા હવે ત્રીજા તબક્કાના આંદોલનનો પ્રારંભ કરાયો છે. જ્યાં સુધી યોગ્ય નિર્ણય કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આમ, વિધાનસભાની ચૂંટણી પહેલા જ કર્મચારીઓએ નગારે ઘા મારવાની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જૂની પેન્શન યોજના શું છે?
સરકાર દ્વારા જૂની પેન્શન યોજના બંધ કરી નવી પેન્શન યોજના લાગુ કરાઇ છે. જૂની પેન્શન યોજનામાં કર્મચારીના પગારના 45 થી 50 ટકા રકમનું પેન્શન મળતું હતું. માની લો કે 50,000 પગાર હોય તો તેના 45 થી 50 ટકા(22,500થી 25,000) રકમ પેેેન્શન તરીકે મળતી હતી. આ જૂની પેન્શન યોજના સરકારે બંધ કરી નવી લાગુ કરી છે જેમાં મામુલી 3,000થી 4,000નું જ પેન્શન મળવા પાત્ર થશે. ત્યારે કાળઝાળ મોંઘવારીમાં આ નજીવી રકમના પેન્શનમાં પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બનનાર હોય જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરાઇ રહી છે.

અનેક સંગઠનો જોડાશે
જૂની પેન્શન યોજના લાગુ કરવાની લડતમાં શિક્ષકોની સાથે અન્ય સંગઠનો, યુનિવર્સિટીના પ્રોફેસરો સહિત અનેક યુનિયનો પણ જોડાશે. જૂનાગઢ જિલ્લામાં 10થી 12,000 કર્મીઓને માંગ છે કે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે.

આગામી આ કાર્યક્રમો રહેશે
3 સપ્ટેમ્બરે રેલી કાઢી આવેદન અપાશે. તેમ છત્તાં યોગ્ય નિરાકરણ નહિ આવે તો તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે. 11 સપ્ટેમ્બરે ઝોનક્ક્ષાએ રેલી કાઢી કલેકટરને આવેદન અપાશે, 17 સપ્ટેમ્બરે તમામ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે, 22 સપ્ટેમ્બરે તમામ કર્મચારીઓ પેનડાઉન કરશે અને 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જશે.

અન્ય સમાચારો પણ છે...