પાકીસ્તાન જેલમાં બંદીવાન પૈકીના 20 માછીમારો મુક્ત થયા બાદ આજે માદરે વતન વેરાવળ પહોંચી પરિવારજનોને મળતા લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. આજે મુક્ત થયેલા ગીર સોમનાથ અને હાલાર પંથકના મોટાભાગના માછીમારો ચારેક વર્ષના જેલવાસ બાદ મુક્ત થયા છે. મુક્ત થઈ પરત ફરેલા માછીમારોએ કહ્યું હતું કે, ભારતીય જેલમાં બંધ પાકિસ્તાની માછીમારોને ભારત છોડશે તે પછી જ પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને છોડશે તેવી વાત પાકિસ્તાની જેલ સત્તાવાળાઓ કરતા હતા.
મુક્ત માછીમારો પરિવારજનોને મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
અરબી સમુદ્રમાં માછીમારી કરવા જતા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અવાર-નવાર ભારતીય જળસીમામાં ઘુસી ભારતીય બોટો સાથે માછીમારોનું અપહરણ કરી પાક.ની જેલમાં ધકેલી દે છે. ભારત સરકારના પ્રયત્નથી બંધક ભારતીય માછીમારોને સમયાંતરે મુકત કરાવે છે. જે મુજબ તાજેતરમાં પાક. સત્તાવાળાઓએ 20 બંદીવાન ભારતીય માછીમારોને મુક્ત કરી વાઘા બોર્ડર ઉપર ભારતીય અધિકારીઓને સોંપેલ હતા. ત્યાંથી રાજય ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા ટ્રેન-બસ મારફત માદરે વતન વેરાવળ લઈ આવવામાં આવેલ હતા. અહીં પ્રથમ મુક્ત માછીમારોનું જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યુ હતુ. બાદમાં ફિશરીઝ કચેરી ખાતે સવારથી રાહ જોઈ રહેલ પરિવારજનોને મુક્ત માછીમારો સુપ્રત કરાયા હતા. આ સમયે ત્રણથી ચાર વર્ષની પાકિસ્તાન જેલમાં યાતના વેઠયા બાદ માછીમારો પોતાના પરીવારજનોને મળતા સૌની આંખોમાં હરખના આંસુ વહેતા થવાની સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
હવે માછીમારી નહીં ખેતી કે અન્ય મજૂરી કામ કરીશ
આ તકે ચારેક વર્ષનો કારાવાસ ભોગવ્યા બાદ મુકત થયેલ ગીર સોમનાથના કાજરડી ગામના માછીમાર રમેશ રાઠોડના જણાવ્યા મુજબ પાકિસ્તાન જેલના સતાવાળાઓ એવું કહેતા કે, અમારા પાકિસ્તાનના જે લોકો ભારતની જેલોમાં બંધ છે તેઓને ભારત સરકાર છોડશે તો જ અમે અહીંથી બંદીવાન અન્ય ભારતીય માછીમારોને છોડીશુ. જેથી ત્યાંની જેલોમાં બંદીવાન 600 થી વધુ માછીમારોને કેન્દ્ર સરકાર વ્હેલીતકે મુક્ત કરાવે તેવી વિનંતી છે. ઉનાના ચીખલી ગામના માછીમાર દિનેશ ચુડાસમાએ જણાવેલ કે, હવે તે પરિવારનું ગુજરાન ચલાવવા ખેતી કામ અથવા અન્ય મજૂરી કામ કરી લેશે પરંતુ માછીમારી વ્યવસાય હમેશા માટે છોડી દેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.