કમિશનનો પર્દાફાશ:જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાન્ટોમાં 20 ટકા કમિશન

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અને સરપંચ વચ્ચે થયેલી વાતચીત ખાનગી ન રહી
  • ડીડીઓએ કર્યો તપાસનો આદેશ

જિલ્લા પંચાયતની વિવિધ પ્રકારની ગ્રાન્ટોમાંથી પોતાના વિસ્તારમાં કામો કરવા માટે ગામના સરપંચો અથવા સભ્યોએ ગ્રાન્ટના 20 ટકા કમિશનરૂપે આપવા પડતા હોવાની વાતનો આજે પર્દાફાશ થયો હતો. જિલ્લા પંચાયતની કારોબારીના ચેરમેન લાલજીભાઇ ડોબરિયા અને પાતાપુર ગામના સરપંચ લખુભાઇ હમીરભાઇ ધંધુકિયા (બીજલભાઇ) વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં ફરતી થઇ ગઇ હતી. આ ઓડિયો ક્લિપમાં ખુદ કારોબારી ચેરમેન એવું કહેતા સંભળાયા કે પોતાને જે ગ્રાન્ટ મળી એ ઉપરાંત વધારાની 30 લાખની ગ્રાન્ટ મેળવવા 20 ટકા ચૂકવવા પડ્યા છે. આ ટકાવારી કોને ચૂકવવી પડી એ જોકે, તપાસનો વિષય છે. વળી શિક્ષણ હેડ હેઠળની ગ્રાન્ટનો અન્ય જગ્યાએ સરપંચ ઉપયોગ કરે તો વાંધો નહીં એવી વાત પણ આ વાર્તાલાપમાં બહાર આવી છે. આ વાતચીત આશરે એક અઠવાડિયા પહેલાં થયાનું સરપંચે જણાવ્યું છે.

ગ્રાન્ટમાં આ રીતે કમિશન લેવાય છે
- જિલ્લા પંચાયતના સભ્ય પાસે કોઇ સરપંચ પોતાના ગામમાં સુચવવાનું કહે.
- સભ્ય પોતાની ગ્રાન્ટ એ ગામમાં આપવા પત્ર લખી આપે. એ માટે તેને ગ્રાન્ટની રકમના 20 ટકા મળી જાય.
- આ 20 ટકા સભ્ય એકલા લઇ જાય કે, તેની જાણ બહાર બીજું કોઇ લઇ જાય અથવા આખી ચેનલ ગોઠવાયેલી હોય એ પાછો તપાસનો મુદ્દો છે.
- સભ્ય ક્યારેક ટકાવારી માટે પોતાની ગ્રાન્ટ બીજાના મત વિસ્તાર માટે પણ લખી આપતા હોય છે.
- આ વર્ષના બજેટમાં દરેક સભ્યને પોતે સુચવેલા કામો માટે 6 લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે.
- આ સિવાયની શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, સિંચાઇ, જેવા અનેક કામોની ગ્રાન્ટો પણ સભ્યોએ વાપરવાની હોય છે.

પૈસા સિવાય ક્યાંય કામ નથી થતા: સરપંચ
- મારી સરપંચ તરીકેની આ ત્રીજી ટર્મ છે. મેં પોતે તાલકા પંચાયતમાં ગ્રાન્ટો માટે ટકાવારી ચૂકવી છે. અને લાલજીભાઇ સાથે વાત થઇ એ ગામના 25 ખેડૂતોનો પ્રશ્ન છે. અમારા ગામમાંથી 50 ટકા મત મળ્યા છે. તેમણે એ પ્રશ્ન ધ્યાનેજ નથી લીધો. અને મારે ક્યાં મારા માટે પૈસા જોઇએ છે. સરકાર પુષ્કળ પૈસા આપે છે. પણ આ લોકો ક્યાંય પહોંચવા નથી દેતા. - લખુભાઇ હમીરભાઇ ધંધુકિયા, સરપંચ, પાતાપુર, તા. જૂનાગઢ

આ મને ફસાવવાનું ષડયંત્ર છે: લાલજીભાઇ
મારે બીજલભાઇ સાથે કોઇ વાતજ નથી થઇ. આ બધું ખોટું છે. અને મને ફસાવવાનું ષડયંત્ર છે. બધી વાત બનાવટી અને ઉપજાવી કાઢેલી છે. - લાલજીભાઇ ડોબરિયા, કારોબારી ચેરમેન, જૂનાગઢ જિ. પં.

ડે. ડીડીઓને તપાસ સોંપી છે: ડીડીઓ
ઓડિયો ક્લિપમાં 3 વ્યક્તિ હોવાનું જણાય છે. આથી એ ત્રણેય વ્યક્તિના નિવેદનો લઇ આખા પ્રકરણની તપાસ કરવાનો મેં ડે. ડીડીઓને આદેશ આપ્યો છે. એક બે દિવસમાં તેના આધારે ગાંધીનગર રીપોર્ટ કરાશે. - પ્રવિણ ચૌધરી, ડીડીઓ, જૂનાગઢ

ઓડિયોના સંવાદો
સરપંચ: બાપા અમારા ગામમાં એકાદું કામ તો આયોજનમાં આપો.
ચેરમેન: શેનું આયોજન આપુ ?
સરપંચ: ઓલી દીવાલનું. ભલેને ટકાવારી દેવી પડે તો ટકાવારીયે દેશું.
ચેરમેન: ઇ વેચાઇ ગઇ. ગ્રાન્ટ તો 40 લાખની દઇ દીધી. 
સરપંચ: 40 લાખની વેચાતી દીધી ?
ચેરમેન: આપણે નહીં. જે વેચતા હોય ન લડવું હોય ને એ લોકોએ. મેંય લીધી વેચાતી 20 લાખ.
સરપંચ: તમેય ?
ચેરમેન: મારા ગામમાં 10 લાખ મારા ભાગના હતા. 30 લાખ વેચાતા લીધા.
સરપંચ: કેટલા ટકા દીધા ?
ચેરમેન: 20 ટકા. મેં તો પોરેય (ગત વર્ષે) વેચાતી લીધી તી.

અન્ય સમાચારો પણ છે...