જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં કુતરાનો આતંક બેહદપણે વધી રહ્યો છે. દરરોજ અનેક લોકો કુતરાના કરડવાનો શિકાર બને છે. તેમ છત્તાં હજુ પણ કુતરા પકડવાની કામગીરી શરૂ કરાઇ ન હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન આ અંગે મળતી વિગત મુજબ વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ શહેરમાં રખડતા ભટકતા પશુ અને કુતરાને પકડવાની કામગીરી કરવા અંગે રજૂઆત કરી હતી. જોકે યોગ્ય કામગીરી ન થતા અને પ્રત્યુતર પણ ન મળતા આ અંગે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઇ હતી.
બાદમાં મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું કે, રખડતા ભટકતા પશુને પકડવા માટે કેટલ પાઉન્ડ શાખાની 3 ટીમ કાર્યરત છે. જ્યારે કુતરાને પકડવાની અને ખસીકરણની કામગીરી કરવા માટે મહાનગરપાલિકાએ 3 વખત ટેન્ડર બહાર પાડ્યું છે. જોકે, 2 વખત તો કોઇએ ટેન્ડર ભર્યું જ ન હતું! ત્રીજી વખતે મહારાષ્ટ્રની એક એજન્સીએ ટેન્ડર ભર્યું હતું પરંતુ સરકારના નિયમ મુજબ તેમની પાસે એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડિયાનું રી-રીકોગ્નાઇઝેશન (અનુભવ)નું સર્ટિ ન હોય આ એજન્સી ટેક્નિકલી ડિસ્ક્વોલીફાઇડ થઇ છે.
આમ, કુતરા પકડવાની અને ખસીકરણની કામગીરીમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થિતી ઉજ્જડ વનમાં 3 નદી 2 ખાલીને 1માં પાણી નહિ જેવી થઇ ગઇ છે. દરમિયાન જૂનાગઢમાં 10ને કુતરા કરડે છે જેમાંથી 2 હડકાયા હોય છે. ત્યારે કુતરાનો આતંકથી લોકોને છૂટકારો અપાવવાની કામગીરી સત્વરે શરૂ કરાવવાની તાતી જરૂરિયાત છે.
મનપા પાસે ડેટા નથી, કોમ્પ્યુટર પણ નથી!
દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકામાં તો કેટલા લોકોને એક વર્ષમાં કુતરાએ બચકા ભર્યા તેનો ડેટા જ નથી! ખાસ તો આ શાખા પાસે કોમ્પ્યુટર જ નથી કે તેમાં ડેટા રાખે! જૂના ડોકટર ગયા બાદ લાંબા સમય સુધી વેટરનરી ડોકટરની જગ્યા જ ભરાઇ નોતી. અગાઉ પણ અનેક વેટરનરી તબીબો આવ્યાને ગયા. આમ, આયારામ ગયારામ જેવી સ્થિતી છે. વળી, હાલ લમ્પિગ્રસ્ત ગાયોની સારવારમાંથી જ વેટરનરી તબીબ નવરા પડતા ન હોવાનું પણ કોર્પોરેશનના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
સિવીલમાં એક વર્ષમાં 3,881 કેસ
જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં કુતરા કરડવાની સારવાર લેનાર દર્દીની સંખ્યા એક વર્ષમાં 3,881ની થઇ છે. આમાંથી 733ને હકડાયા કુતરાએ બચકા ભર્યા છે.જ્યારે 3148ને સાદા કુતરાએ બચકા ભર્યા છે.
શાંતેશ્વર વિસ્તારમાં એક દિવસમાં 8ને કુતરૂં કરડ્યું
શહેરના શાંતેશ્વર વિસ્તારમાં કુતરાનો આતંક વધી ગયો છે. શુક્રવારે એક જ દિવસમાં 8 લોકોને કુતરાએ બચકાં ભર્યા છે. અહિંની એક શેરીમાં કુતરીના 24 ગલુડીયા છે જે મોટાથઇ હાહાકાર મચાવશે.
- લલીત પણસારા, કોર્પોરેટર વોર્ડ નંબર 6.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.