તપાસ:ગિરનાર પર ગુરુ દત્તાત્રેય શિખરને લઇ 2 જૈન શ્રાવકનો કોર્ટમાં દાવો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 15 ઓગસ્ટ 1947 બાદ થયેલા બાંધકામો દૂર કરવા માગણી

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા ગુરુ દત્તાત્રેયના શિખર પર રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં 2 જૈન શ્રાવકે 15 ઓગસ્ટ 1947 બાદ થયેલા બાંધકામ દૂર કરવા આદેશ આપવાની માગણી કરતો દાવો જૂનાગઢની કોર્ટમાં કર્યો છે. આ અંગેની પ્રસિદ્ધ થયેલી નોટિસને પગલે આગામી દિવસોમાં આ વિવાદ વકરવાની ભીતિ સર્જાઇ છે. રાજસ્થાનના અલ્વરના ખીલીમલ મહાવીરપ્રસાદ જૈન (ઉ.73) અને મધ્યપ્રદેશનાં ગ્વાલિયરના સુભાષચંદ્ર કપુરચંદ જૈન (ઉ.58) એ પોતાના વકીલ મારફત જૂનાગઢના મુખ્ય સિનિયર સિવીલ જજની કોર્ટમાં એક દાવો દાખલ કર્યો છે. જેમાં ગુજરાત સરકારને સામાવાળા તરીકે રાખ્યા છે.

આ અંગેની નોટિસ અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નોટિસમાં ગુરુ દત્તાત્રેયના શિખરને પાંચમી ટૂંક તરીકે ઓળખાવી તેના પર 22મા તીર્થંકર નેમિનાથજીના દર્શન અને પૂજામાં અડચણ અટકાયત ન કરે, તેમના પગલાંમાં કોઇ ફેરફાર ન કરે, પ્લાસ્ટરથી ચોંટાડેલ ભગવાન નેમિનાથની પ્રતિમામાં કોઇ ફેરફાર કે અડચણ ન કરે એવી માગણી કરાઇ છે. તા. 15 ઓગસ્ટ 1947 બાદ કરવામાં આવેલું બાંધકામ દૂર કરી એ તારીખની સ્થિતિએ પુન:સ્થાપિત કરવામાં આજ્ઞાત્મક મનાઇ હુકમ કરવામાં આવે. આ દાવામાં રસ અને હિત ધરાવતા કોઇપણ વ્યક્તિ, સંસ્થા કે કોઇને વાંધો તકરાર હોય તો દાવામાં પક્ષકાર તરીકે જોડવા તા. 8 ડિસે. 2022ના રોજ સવારે 10:30 વાગ્યે હાજર રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...