સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી:હાઉસટેક્ષ ભરનાર દરેકને 2- 2 ડસ્ટબિન અપાશે,, શહેરના 33 કરોડના વિકાસ કામોને લીલી ઝંડી અપાઇ

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નરસિંહ મહેતા સરોવરના વિકાસ માટે 48 કરોડમાં વધુ 8 કરોડ આપશે
  • ફિક્સના 49 કર્મીઓને કાયમી કરવા સરકારમાં દરખાસ્ત મોકલાશે

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના વિકાસ માટે 33 કરોડના કામોને લીલી ઝંડી અપાઇ છે. જ્યારે સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે 3 કરોડના ખર્ચે ડસ્ટબિન ખરીદી કરી લોકોને ફ્રિમાં અપાશે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવરના વિકાસ માટે રાજ્ય સરકારે 48 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે તેમાં વધુ 8 કરોડ આપી આધુનિક રીતે વિકાસ કરાશે.

જ્યારે 49 ફિક્સ કર્મીઓને કાયમી કરવા માટેનો નિર્ણય કરી સરકારમાં મોકલાશે.આ અંગે સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, શહેરના 33 કરોડના વિકાસ કામોને સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે. દરમિયાન શહેરના નરસિંહ મહેતા સરોવરના ડેવલોપ માટે રાજ્ય સરકારે 48 કરોડ ફાળવ્યા છે. તેમાં વધુ 8 કરોડની જોગવાઇ કરી નરસિંહ મહેતા સરોવરને વધુ આધુનિક, અદ્યતન અને અદ્દભુત રીતે ડેવલોપ કરાશે.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ઘરે ઘરે સુકો અને ભીનો કચરો અલગ રહે તે માટે 3 કરોડના ખર્ચે 10 લીટરની 1 લાખ બ્લુ અને 10 લીટરની 1 લાખ લીલી ડસ્ટબિન ખરીદ કરાશે. શહેરમાં હાઉસટેક્ષ શાખાના લીસ્ટ મુજબ બીન રહેણાંક(કોમર્શિયલ) 1,26,725 અને રહેણાંક 38,256 મળી કુલ 1,64,981 મિલ્કતો છે. આમાં હાઉસ ટેક્ષ ભરનાર દરેકને 1 લીલી અને 1 બ્લુ ડસ્ટબિન ફ્રિમાં અપાશે. જ્યારે મહાનગરપાલિકાના 49 કર્મીઓ કે જે 5 વર્ષ કરતા વધુ વર્ષોથી ફરજ બજાવે છે તેને કાયમી કરવાનો નિર્ણય કરી સરકારમાં મંજૂરી અર્થે દરખાસ્ત મોકલવામાં આવશે.

નરસિંહ મહેતા સરોવર માટે રેમીડીએશન પ્લાન્ટ બનશે
શહેરના નરસિંહ મહેતા સરોવરમાં જળશુદ્ધિકરણ માટે 5 કરોડના ખર્ચે રેમીડીએશન પ્લાન્ટ ઉભો કરાશે. જેથી તળાવમાં આવતું પાણી શુદ્ધ થઇને આવે અને તળાવ ક્યારેય ખાલી ન રહે. તળાવ ખાલી થવાનું લાગે તો અશુદ્ધ પાણીને શુદ્ધ કરીને તળાવમાં ઠાલવી તળાવને બારેમાસ ભરેલું રખાશે.

13.12 લાખના ખર્ચે તિરંગા ખરીદી લોકોને પડતર ભાવે અપાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ઉજવણી થવાની છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ અભિયાનને સફળ બનાવવા જૂનાગઢ મહાનગરપાલિકા 13,12,500ના ખર્ચે તિરંગાની ખરીદી કરી પડતર ભાવે લોકોને આપશેે.

બહાઉદ્દીન પાછળનું ડમ્પિંગ સ્ટેશન બંધ થશે કરવામાં આવશે
બહાઉદ્દીન પાછળના ડમ્પિંગ સ્ટેશનના કારણે અનેક લોકોને મુશ્કેલી પડતી હોય આ ડમ્પિંગ સ્ટેશનને બંધ કરાશે. આ માટે 5.95 કરોડના ખર્ચે સેગ્રીગેશન વેસ્ટ પ્લાન્ટ બનશે જેથી સૂકો અને ભીનો(મિશ્ર)કચરાને અલગ કરી ઘન કચરાનો સિધો ઇવનગર સ્થિત ડમ્પિંગ સાઇડ પર નિકાલ થઇ શકે.

મનપાની જમીન હવે રેઢી નહિ રહેવા દેવાય
જે જમીન બિનખેતી થઇ હોય તેમાં 40 ટકા જમીન સરકારની હોય જેની માલિકી કોર્પોરેશનની ગણાય. ત્યારે આવી જમીન કે જે ટીપી રીઝર્વ પ્લોટરૂપે હશે તેને ફરતે કમ્પાઉન્ડ વોલ(દિવાલ) કરવામાં આવશે. જેથી મનપાની આવી જમીન હવે રેઢી નહિ રહે અને કોઇ તેના પર કબ્જો કે દબાણ કરી ન શકે.

અન્ય વિકાસના કામોની હાઇલાઇટ્સ
ટીંબાવાડી અને ભવનાથ ખાતે નવા ડાયાલીસીસ સેન્ટરો ઉભા કરાશે.મનપાના સેટઅપ મુજબ મંજૂર થયેલ જગ્યા માટે નિયમો મંજૂર કરી સરકારમાં મોકલ્યા છે તેનો ઝડપથી નિર્ણય કરાય તેવા પ્રયાસો જારી છે. દાતારથી વિલીંગ્ડન ડેમ તરફ જતા રસ્તાને પહોળો કરવા 50 લાખ, પમ્પિંગ સ્ટેશન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા, પમ્પિંગ રૂમ બનાવવા, હસ્નાપુરથી પાણીની લાઇન નાંખવા, સરદારબાગ પમ્પિંગથી સરદાર બાગ જૂના કૂવા સુધી કનેક્ટિવીટી પાઇપ નાંખવા,સરદારબાગ ઝાંઝરડા તેમજ ચોબારી જતી પાઇપ લાઇનના ટેસ્ટિંગ, રિપેરીંગ માટે 3,86,90,371, દરરોજના 5 ટનની ક્ષમતા વાળો સીએન્ડ ડીવેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ફેસેલીટી પ્લાન્ટ તેમજ પમ્પિંગ સ્ટેશન પર રિપેરીંગ માટે 1,14,53,830, સફાઇ માટેના વાહનો ખરીદવા 2.12 કરોડ, ટીંબાવાડી ઉદય નગર સોસાયટી અને માસ્તર સોસાયટીમાં સીસીરોડ બનાવવા 23,05,029, ટીંબાવાડી અંકુર સોસાયટીમાં સીસીરોડ બનાવવા 17,08,383, વોર્ડ નંબર 10માં ગટર અને રોડ માટે 19,50,119 ના કામોને સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે. આઝાદ ચોક ખાતેની સીટીબસ સ્ટેન્ડ ઉપરની મિલ્કતને 15 વર્ષ માટે ભાડે પટ્ટાથી આપવા તેમજ રેલવે સ્ટેશન અને વિવેકાનંદ ચોક પાસેના સર્કલને સ્વખર્ચે ડેવલોપ અને મેન્ટેનન્સ કરવા શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનેની રજૂઆતને મંજૂરી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...