કોરોના કહેર:જૂનાગઢમાં કોરોનાને લીધે એસબીઆઇની 2 બ્રાંચ બંધ

જૂનાગઢ,ગિર સોમનાથ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેસ્ટિંગમાં અને વેક્સિનમાં લાલીયા વાડીની ફરિયાદો ઉઠી: ન ટેસ્ટ કરાવનાર, ન વેક્સિન લેનારને પણ મેસેજ આવ્યા !!
  • દહેશત : જિલ્લા કલેકટર કચેરીમાં પણ કોરોનાની એન્ટ્રી, જૂનાગઢમાં 85, ગીર-સોમનાથમાં 69 કેસ

જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું હોય તેમ કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 85 અને ગિર સોમનાથમાં 69ને કોરોના પોઝિટીવ આવ્યો છે. દરમિયાન જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે. જ્યારે બેન્ક કર્મીઓ કોરોના સંક્રમિત બનતા 2 બેન્કને બંધ કરવાની ફરજ પડી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં શુક્રવારે કોરોનાએ વધુ પગપેસારો કર્યો છે. એક જ દિવસમાં કુલ 85 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.

આમાં 68 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે જૂનાગઢ તાલુકામાં 1, કેશોદ તાલુકામાં 4, માળીયા હાટીના તાલુકામાં 1, માંગરોળ તાલુકામાં 2, વંથલી તાલુકામાં 3 અને વિસાવદર તાલુકામાં 6 કોરોના પોઝિટીવનો સમાવેશ થયો છે. જ્યારે ગુરૂવારે કુલ 41 દર્દીઓએ કોરોના મહામારીને માત આપી હોય તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આમાં જૂનાગઢ સિટીમાં 37, જયારે કેશોદ, ભેંસાણ, મેંદરડા, વંથલી તાલુકામાં 1-1 મળી કુલ 4 સાથે 41 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. દરમિયાન હજુ પણ 139 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 351 ઘરના 1,761 લોકોનો સમાવેશ થયો છે.

જ્યારે જૂનાગઢ સિટીમાં 3,293 અને ગ્રામ્યમાં 4,141 મળી એક જ દિવસમાં કુલ 7,434ને વેક્સિન આપી કોરોનાથી રક્ષિત કરાયા છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં પણ ગુરૂવારે 69 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ બન્ને જિલ્લામાં મળી એક જ દિવસમાં કુલ 154 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, કામ વિના બહાર ન નિકળવુ તેમજ હાથને સેનેટાઇઝ કરતા રહેવાની કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવું અત્યંત જરૂરી છે.

કલેકટર કચેરીમાં કોરોના ટેસ્ટિંગ
જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીમાં પણ 2 કર્મીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. ત્યારે કલેકટર રચિત રાજના માર્ગદર્શનમાં જિલ્લા કલેકટર કચેરી તેમજ ડીડીઓ કચેરીમાં કોરોના અંગે ટેસ્ટિંગ હાથ ધરાયું હતું.

કર્મીઓ સંક્રમિત થતા 2 બેન્કો બંધ
જૂનાગઢની બેન્કોમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે. પરિણામે કર્મીઓ કોરોના સંક્રમિત થતા સરદાર બાગ અને કાળવા ચોકની એસબીઆઇ બેન્કને બંધ કરવામાં આવી છે.

ખોટા ટેસ્ટિંગ, ડોઝના મેસેજ આવતા થયા
શહેરમાં અનેક લોકોએ કોરોના ટેસ્ટિંગ કરાવ્યું ન હોય તેમ છત્તાં ટેસ્ટિંગના રિપોર્ટ મોબાઇલમાં આવતા લોકોમાં અચરજ ફેલાયું છે. સાથે કોરોના રસીના ડોઝ લીધા ન હોય છત્તાં ડોઝ સકસેસ ફૂલના મેસેજ આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે કે હવે રસીનો ડોઝ બાકી છે તે મળશે કે કેમ ?

સિવીલના તબીબ પણ સંક્રમિત
કોરોના સંક્રમણનો શિકાર તબીબો પણ બની રહ્યા છે. દરમિયાન સિવીલ હોસ્પિટલના તબીબને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...