શહેરમાંથી થયેલ 5.26 લાખના મુદ્દામાલની લૂંટમાં એલસીબીએ 2 આરોપીને ઝડપી લઇ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે બી-ડીવીઝન ડી-સ્ટાફના કોન્સટેબલ જેઠાભાઇ નાથાભાઇ કોડીયાતર અને રમેશભાઇ ગોવિંદભાઇ કરંગીયાએ જણાવ્યુ હતુ કે, મનપાના કર્મી રાહુલ બાલસના માતા અને પિતા શહેરના જોષીપરાના બાલસનગરમાં રહે છે.
દરમિયાન 2 દિવસ પહેલા પ્રકાશભાઇ બાલસ બહાર ગયા હતા અને તેમના પત્નિ જયાબેન બાલસ ઘરે એકલા હતા ત્યારે 2 શખ્સો ત્રાટક્યા હતા અને માર મારી રોકડ, સોનાના દાગીના મળી 5.26 લાખના મુદામાલની લૂંટ કરી ગયા હતા. આ મામલે બી ડિવીઝનમાં ફરિયાદ થઇ હતી બાદમાં એલસીબીએ તપાસ હાથ ધરી હતી.
દરમીયાન ચોરીની ઘટનામાં સંડોવાયેલા બન્ને આરોપી ડેવીડ જેન્તીભાઇ સોલંકી(રે.અમરાપુર ગિર) અને અનિલ જેરામભાઇ મારૂ (રે.કેશોદ તાલુકાના ફાગરી ગામના)ને એલસીબીએ કેશોદ નજીકથી પકડી પાડી બી ડિવીઝન પોલીસ સ્ટેશનને હવાલે કર્યા છે. પોલીસે લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ બનાવમાં આગળની તપાસ બી ડિવીઝન ઇન્ચાર્જ પીઆઇ એન.આર. પટેલ ચલાવી રહ્યા છે.
લૂંટ પહેલા બાઇકની ચોરી કરી હતી
આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા જૂનાગઢની આલ્ફા સ્કૂલ નંબર 1 પાસેથી બપોરના 3:06 વાગ્યે જીજે 11 એચએચ 3427 નંબરના બાઇકની ચોરી કરી હતી. બાદમાં બાઇકના નંબરની પ્લેટ કાઢી નાંખી હતી અને સાંજના 7:18 વાગ્યે બાલસનગરમાં લૂંટ ચલાવી હતી. ચોરી બાદ બન્ને આરોપી બાઇક લઇને નાસી ગયા હતા. બાદમાં બાઇકને કેશોદ રેલવે સ્ટેશન રેઢું છોડીપોત પોતાના ઘરે જતા રહ્યા હતા.બાદમાં ત્યાંથી કોઇ અન્ય આ બાઇકની ઉઠાંતરી કરી ગયું છે.
માસ્ક, માણેક વાડા પાસે ફેક્યા
બન્ને આરોપીએ લૂંટ કરતા પહેલા માસ્ક પહેર્યા હતા જેથી ચહેરો ન દેખાય અને પકડાઇ જવાનો ભય ન રહે. ચોરી કર્યા બાદ બાઇક લઇને નિકળ્યા હતા અને માણેકવાડા પાસે માસ્ક ફેંકી દીધા હતા.
બન્ને માસિયાઇ ભાઇ થાય છે
લૂંટ કરનાર બન્ને શખ્સો માસિયાઇ ભાઇ થાય છે. લૂંટ કર્યા બાદ એક અમરાપુર ગિર અને બીજો કેશોદ એમ બન્ને પોત પોતાના ઘરે જતા રહ્યા હતા. જોકે, બાદમાં બન્ને કેશોદમાં હોવાની બાતમી મળતા એલસીબીએ બન્નેને કેશોદથી ઝડપી લીધા હતા.
એક આરોપી અગાઉ હિરાનું કામ કરતો હતો
લૂંટની ઘટનામાં ઝડપાયેલા બન્ને આરોપી પૈકી એક ડેવીડ 2વર્ષ અગાઉ આંબાવાડીમાં હિરાનું કામ કરતો હતો જેથી આ વિસ્તારનો જાણીતો હતો. જ્યારે આ ઘરે કોઇ ન હોય લૂંટ માટે નિશાન બનાવ્યું હતું પરંતુ જયાબેન બાલસ આવી જતા ખેલ બગડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.