જૂનાગઢ કૃષિ યુનિ.નો દીક્ષાંત સમારોહ:રાજ્યપાલ અને ચાન્સેલર આચાર્ય દેવવ્રતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 18મો સમારોહ યોજાયો

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 578 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. 17 છાત્રોનું 61 ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. કલ્પિત ડી. શાહ અને ડૉ. ગિરીશ વી. પ્રજાપતિને વર્ષ 2021-22 માટે કૃષિ ઉચ્ચ અભ્યાસમાં 'શ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મોબાઈલ એપ્લિકેશન JAU i krishi Sanhita લોન્ચ કરવામાં આવી હતી. ડૉ. વી.ડી.તારપરા, ડૉ. બી. સ્વામીનાથન અને ડૉ. એચ. એમ. ગાજીપરા લિખિત પુસ્તક Objective Agricultural Economics નું તેમજ અન્ય એક પુસ્તક ‘કપાસમાં અસરકારક પાક સંરક્ષણ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
દીક્ષાંતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ઉદબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, જે વિદ્યા ભણ્યા છો તેનો સમાજના કલ્યાણમાં-પરોપકારમાં ઉપયોગ કરજો. કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને તેમણે પ્રાકૃતિક ખેતીમાં વિશેષ સંશોધનો કરવા આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, વર્તમાનની તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે. તેનાથી ભૂમિનું ઓર્ગેનિક કાર્બન વધશે. ભારતની ધરતીની ખુશ્બુ પાછી આવશે. અનેક રોગોમાંથી મુક્તિ મળશે. પ્રાકૃતિક ખેતી જ વૈજ્ઞાનિક માર્ગ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર ભારતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા આહ્વાન કર્યું છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કૃષિ ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે, ખેત ઉત્પાદન વધે છે, જમીનની ગુણવત્તા સુધરે છે, પાણીનો ઉપયોગ ઓછો થાય છે, પર્યાવરણનું સંરક્ષણ થાય છે અને ગુણવત્તાયુક્ત અન્ન મળે છે. ગુજરાતમાં અત્યારે ત્રણ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવમાં અનુરોધ કર્યો છે કે, પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે. ગુજરાતમાં આગામી 15 મી ઓગસ્ટ સુધીમાં દરેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને પણ પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત સંશોધનો કરીને તેના લાભો લોકો સુધી લઈ જવા તેમણે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...