પાલિકાની કામગીરી:પ્લાસ્ટિક રાખનાર 1854 વેપારીએ 1 વર્ષમાં 7.91 લાખ દંડ ભર્યો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન,વેંચાણ, સંગ્રહ કરતા ઉત્પાદકો, વેચાણકર્તા અને ઉપયોગ કરનાર સામે કાર્યવાહી
  • પાલિકાની ટીમ દ્વારા કરાયેલી કામગીરી, જો કે, હજુ પણ પ્લાસ્ટિકના ઝભલાનો ખુલ્લેઆમ થતો ઉપયોગ

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં 1 વર્ષ દરમિયાન કુલ 1,854 આસામીઓ પાસેથી 7.91 લાખનો દંડ વસુલ કરાયો છે.પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મહાનગરપાલિકાની ટીમ દ્વારા છેલ્લા 1 વર્ષથી સતત કરાતી કામગીરીના કારણે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારામાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરમાં પ્રતિબંધિત અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ કરનાર સામે મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યું છે.

ઉપરાંત અનેક પશુઓ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલામાં નાંખેલ ખોરાક ખાતા તેમના પેટમાં પ્લાસ્ટિક જાય છે. ત્યારે આવા પ્લાસ્ટિકને કારણે પશુઓના મોત થતા જીવદયા પ્રેમીઓમાં પણ રોષ વ્યાપ્યો છે. દરમિયાન સરકારે પણ આવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો હોય મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે આ કામગીરી દરમિયાન છેલ્લા 1 વર્ષમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન, વેંચાણ, સંગ્રહ અને ઉપયોગ કરતા ઉત્પાદકો, વેંચાણ કર્તા અને ઉપયોગ કરનાર તેમજ જાહેરમાં ન્યુસન્સ ફેલાવી ગંદકી કરનાર 1,854 આસામીઓ પાસેથી મહાનગરપાલિકાએ છેલ્લા 1 વર્ષમાં 7,91,000નો દંડ વસુલ્યો છે. ત્યારે હવે આવી દંડની કાર્યવાહીમાંથી બચવા માટે આવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા મહાનગરપાલિકાના કમિશ્નર રાજેશ તન્નાએ શહેરીજનોને અનુરોઘ કર્યો છે.

નાના વેપારીની સાથે કારખાના સામે પણ કાર્યવાહી કરે
પાલિકા દ્વારા નાના વેપારીઓને ત્યાં અવાર નવાર ચેકીંગ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક, 100 માઇક્રોનથી ઓછી જાડાઇ વાળા ઝભલા વગેરે પકડી પાડવામાં આવે છે. ત્યારે આવી પ્રતિબંધિત વસ્તુ તેમજ 100 માઇક્રોનથી ઓછી જાડાઇ વાળા ઝભલાનું ઉત્પાદન કરનાર કારખાનાઓ સામે કાર્યવાહી થવી જોઇએ તોજ આ દૂષણ દૂર થશે.

આ વસ્તુ પર પ્રતિબંધ મૂકાયો છે
પ્લાસ્ટિક સ્ટિક સાથે ઇયર બર્ડસ,ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિકની દાંડી,પ્લાસ્ટિકના ધ્વજ, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી સ્ટિક,આઇસસ્ક્રિમની ડાંડી, પોલિસ્ટાયરીન(થર્મોકોલ)ની સજાવટની સામગ્રી, પ્લેટો, કપ, ગ્લાસ, કાંટા(ફોર્ક)ચમચી, ચાકુ, સ્ટ્રો જેવી કટલેરી, મીઠાઇના ડબ્બા, નિમંત્રણ કાર્ડ, સિગારેટના પેકીંગની આજુબાજુ પેક કરવા માટેની ફિલ્મો, 100 માઇક્રોનથી ઓછી જાડાઇ વાળા પ્લાસ્ટિક અથવા પીવીસી બેનર અને સ્ટિકર પર પ્રતિબંધ મૂકાયો છે.

અન્ય સમાચારો પણ છે...