પરિવારને તૂટતો બચાવ્યો:વેરાવળ તાલુકાના નશાખોર પતિના ત્રાસથી આત્મહત્યા કરવા નીકળેલી ત્રણ સંતાનોની માતાને 181ની ટીમે બચાવી

વેરાવળ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતા, તેના પતિ, સાસુ અને સસરાનું કાઉન્સલિંગ કરી પરિવારને વેરવિખેર થતા બચાવ્યો

વેરાવળ તાલુકાના એક ગામમાં રહેતી ત્રણ સંતાનોની માતાને લાંબા સમયથી તેનો નશાખોર પતિ નશો કરી ત્રાસ આપી ખોટી શંકા કરી મારકુટ કરતો હતો. જેનાથી કંટાળી જઈ ત્રણેય સંતાનો સાથે આપઘાત કરવાનું નક્કી કરી ગામમાં આવેલ કુવા તરફ જઈ રહેલ પરિણીતાને વેરાવળની 181 અભયમ ટીમ દ્વારા બચાવી લીધેલ હતી. બાદમાં પરિણીતા અને તેના પતિનું કાઉન્સેલીંગ કરવાની સાથે સાસુ- સસરાને સમજાવી સમાધાન કરાવી એક વેરવિખેર થવા જઈ રહેલ પરીવારને બચાવી લેવાનું ઉત્તમ કાર્ય અભયમ ટીમએ કર્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ તાલુકાના એક ગામમાં ત્રણ સંતાનો સાથે આપઘાત કરવા જઈ રહી હોવાની માહિતી જાગૃત નાગરિક દ્વારા વેરાવળ 181 અભયમ‌ મહિલા હેલ્પલાઇનને ટેલીફોનિક જાણ કરી મદદ માંગી હતી. જે માહિતીના આધારે તાત્કાલીક ફરજ પરનો વેરાવળ અભયમ ટીમનો સ્ટાફ સ્થળ પર પહોંચી જઇ પરિણીતાને આપઘાત કરવા જતાં અટકાવી વાતચીત કરી કાઉન્સેલીંગ કર્યુ હતુ. ત્યારે પરિણીતાએ જણાવેલ કે, તેનો પતિ વારંવાર નશાકારક પદાર્થોનું સેવન કરી ઘરે આવી અપશબ્દો બોલી મારઝૂટ કરે છે. અને ઘરમાં ઘરવખરીનો માલ સામાન લેવા માટે પણ પુરતા પૈસા આપતો ન હોવાથી હું મંજૂરી કરીને મારૂ અને બાળકો સાથે પરિવારનું ગુજરાન ચલાવું છું. તેમ છતાં મારા પતિ મને કાયમી માનસિક ત્રાસ આપી ખોટી શંકા કરીને વારંવાર મારઝૂડ કરે છે. આજે પણ નશાકારક પદાર્થોનું સેવન કરીને ઘરે આવીને મારઝૂડ કરી હતી.

પતિ દ્વારા દરરોજ આપતા ત્રાસ અને મારઝૂડથી કંટાળી ગઈ હોવાથી મારા ત્રણેય સંતાનોને લઇ કુવામાં પડી આત્મહત્યા કરી લેવાનું મનોમન નકકી કરી ઘરની બહાર નીકળી ગઈ હતી. પરિણીતાની આપવીતી સાંભળી ચોકી ગયેલા 181ના સ્ટાફ દ્વારા પરિણીતાને હુફ સાથે સાંત્વના આપી આત્મહત્યા ના વિચારમાંથી મુક્ત કરાવી હતી. બાદમાં પરિણીતાના ઈચ્છા મુજબ તેના પતિને અભયમ સ્ટાફે કાયદાકીય પાઠ ભણાવતા તે સમજી ગયો હતો અને હવે ત્રાસ નહીં આપું તેવી ખાત્રી આપી હતી. બાદમાં સાસુ-સસરાનું કાઉન્સિલિંગ કરી તમામને સમજાવી સ્થળ પર જ સમાધાન કરાવી એક સાથે ચાર જીંદગી બચાવવાની સાથે વેરવિખેર થવાના આરે પહોંચી ગયેલ પરિવારને બચાવી લેવાની ઉત્તમ ફરજ 181 ના સ્ટાફ દ્વારા બજાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...