ગેરકાયદે માછીમારી:ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં લાઈન ફિશીંગ કરી રહેલી મહારાષ્ટ્રની 18 ફિશીંગ બોટ ઝડપાઈ

વેરાવળ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
દરીયામાં લાઇન ફીશીગ કરી રહેલ પરપ્રાંતીય બોટો - Divya Bhaskar
દરીયામાં લાઇન ફીશીગ કરી રહેલ પરપ્રાંતીય બોટો
  • ગુજરાતના દરિયામાં લાઈન ફિશીંગ પર પ્રતિબંધની પરપ્રાંતીય માછીમારો પર કોઈ અસર નહીં

ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા અને કોડીનારના સમુદ્રમાં મહારાષ્‍ટ્રની સંખ્‍યાબંઘ ફિશીગ બોટો ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી હોવાનો વીડિયો યુથ કોંગ્રેસના પ્રમુખે ટ્વીટ કરતા મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ હરકતમાં આવી છે. મરીન પોલીસ અને કોસ્‍ટગાર્ડએ ત્‍વરીત કાર્યવાહી હાથ ઘરી સુત્રાપાડાના દરિયામાંથી મહારાષ્‍ટ્રની 18 જેટલી ફીશીગ બોટોને ઝડપી લઇ કડક કાર્યવાહી હાથ ઘરી છે. હાલ પકડેલ 18 બોટોને વેરાવળ બંદરએ લઇ આવી તેમાં રહેલા 200 જેટલા ખલાસીઓની સઘન પુછપરછ હાથ ઘરી છે. લાઇન ફીશીગ કરવા પર પ્રતિબંઘ ફરમાવતો કાયદો ગુજરાતમાં અમલી હોવાથી પકડાયેલ મહારાષ્‍ટ્રની બોટો સામે દંડકીય કાર્યવાહી કરવા મરીન પોલીસએ પ્રાંત અઘિકારીને રીપોર્ટ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

ગીર સોમનાથ જીલ્‍લાના વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર દરિયામાં મહારાષ્‍ટ્રની સંખ્‍યાબંઘ ફિશીગ બોટો એક સાથે મળી લાઇન ફીશીંગ કરતી હોવાનું દરિયામાં માછીમારી કરી રહેલ સ્‍થાનિક માછીમારોના ઘ્‍યાને આવેલ હતુ. દરિયામાં મહારાષ્‍ટ્રની ફીશીગ બોટો લાઇન ફીશીગ કરી રહી હોવાનો વીડિયો મોબાઇલમાં ઉતારી લીઘો હતો. બાદમાં તે વીડિયો ગીર સોમનાથ યુથ કોંગ્રસના પ્રમુખ અભય જોટવા દ્રારા ટવીટર પર પોસ્‍ટ કરી નેવી, કોસ્‍ટગાર્ડ અને મરીન પોલીસને ટવીટ કર્યો હતો. જેનું સંજ્ઞાન લઇ મરીન પોલીસ અને કોસ્‍ટગાર્ડની સંયુકત ટીમએ અરબી સમુદ્રમાં તપાસ શરૂ કરી હતી. જેમાં ગઇકાલે સાંજે સુત્રાપાડા બંદરના દરિયામાં નવેક નોટીકલ માઇલ દુર દરિયામાં મહારાષ્‍ટ્ર રાજયની 18 ફીશીગ બોટો ગેરકાયદેસર રીતે ફીશીંથ કરતી મળી આવતા તમામ બોટોને ડીટેઇન કરી વેરાવળ બંદર ખાતે લઇ આવવામાં આવી હતી.

પકડાયેલ પરપ્રાંતીય બોટો વેરાવળ બંદરે રાખવામાં આવેલ
પકડાયેલ પરપ્રાંતીય બોટો વેરાવળ બંદરે રાખવામાં આવેલ

બાદમાં પકડેલ મહારાષ્‍ટ્રની 18 બોટોમાં રહેલા 200 જેટલા ખલાસીઓ પાસેથી તેમની ફિશીંગ બોટોની પરમીટ સહિતનાં કાગળોની ચકાસણી કરવાની સાથે સઘન પુછપુરછ કરવામાં આવી રહી છે. આ મામલે આગળની નિયમોનુસાર દંડકીય સહિતની કાર્યવાહી કરવા માટે પ્રાંત અઘિકારી-વેરાવળને રીપોર્ટ કરવામાં આવેલ હોવાનું મરીનના પીઆઇ એન.જી.વાઘેલાએ જણાવેલ છે.

અત્રે નોંઘનીય છે કે, ગુજરાતના દરિયામાં મહારાષ્ટ્ર સહીત અનેક રાજયોની ફીશીગ બોટો મોટી સંખ્યામાં માછીમાર કરવા માટે સીઝનમાં આવતી હોય છે. પરપ્રાંતીય બોટો એક સાથે લાઈનમાં રહીને જ માછીમારી કરે છે. જેને લાઈન ફીશીંગ કહેવાય છે. જેના કારણે દરિયામાં રહેલી નાની માછલીઓ, ઈંડા સહીતનો નાશ થઈ જતો હોવાથી એક પ્રકારે માછીમારી વ્‍યવસાયનું ભવીષ્ય જોખમમાં મુકાય છે. જેના લીઘે માછીમારોની માંગણી મુજબ ગુજરાતના દરિયામાં લાઈન ફિશીંગ કરવા ઉપર રાજય સરકારએ કાયદો અમલમાં લાવી પ્રતિબંધ મુકયો છે. જો આ કાયદાનો ભંગ કરી લાઇન ફીશીગ કરતા પડકાય તો તે ફીશીગ બોટના માલીકને રૂ.1 લાખનો દંડ તથા પકડાયેલ બોટમાંથી મળી આવતો માછલીનો જથ્‍થો જેટલો હોય તેની કિંમતનો પાંચ ગણો દંડ વસુલાત કરવાની જોગવાય કરાઇ છે.

ગુજરાતના દરિયામાં મોટાપાયે લાઇન ફીશીગ થતી હોવાની ઘણી વખત માછીમાર સંગઠનોએ સરકાર અને જવાબદાર તંત્રને ફરીયાદો કરી છે. તેમ છતાં રાજયના દરિયામાં પરપ્રાંતીય બોટોની લાઇન ફીશીગ પર અંકુશ લાવવામાં કોસ્‍ટગાર્ડ અને મરીન પોલીસ નિષ્‍ફળ નિવડી રહયુ હોવાનો ગણગણાટ માછીમારોમાં શરૂ થયો છે. જો લાઇન ફીશીગ પર અંકુશ નહીં આવે તો હજારો માછીમારો બેકાર થઇ જવાની ભિતી છે. જેથી કાયદાની કડક અમલવારી બાબતે તંત્ર અને સરકારએ કડક કાર્યવાહી કરવાની જરૂર હોવાનો સુર માછીમારોમાંથી ઉઠયો છે.

અન્ય સમાચારો પણ છે...