ભણશે ગુજરાત:સોરઠના 1,67,291 બાળકો આજથી ફરી સ્કૂલે જશે

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીજી લહેરની સમાપ્તિ બાદ કોરોનાની સ્થિતી કાબુમાં રહેતા આજથી ધોરણ 1 થી 5નું ઓફલાઇન શિક્ષણ પણ શરૂ થશે
  • ​​​​​​​જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા સાથે તમામ શાળાના આચાર્યોને વાલીઓની સંમતિ મેળવવા પણ જણાવ્યું

ગુજરાત સરકારના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ 22 નવેમ્બર 2021થી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આમ, હવે ધોરણ 1 થી 5 ના બાળકોનું પણ ઓફલાઇન- પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે જૂનાગઢ, ગિર સોમનાથ જિલ્લા મળી સોરઠમાં 1,67,291 છાત્રો લાંબા સમય પછી સ્કૂલે જઇ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકશે. આ અંગે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બીજી લહેર બાદ કોરોનાની સ્થિતી કાબુમાં રહેતા શિક્ષણ મંત્રીએ ધોરણ 1 થી 5ની શાળા શરૂ કરવા અને પ્રત્યક્ષ શિક્ષણ આપવા જાહેરાત કરી છે.

જેના પગલે જૂનાગઢ જિલ્લામાં પણ 22 નવેમ્બર 2021 સોમવારથી ધોરણ 1 થી 5ની શાળાઓ પણ ખુલી જશે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ધોરણ 1 થી 5માં કુલ 97,940 છાત્રો નોંધાયેલા છે. શાળામાં હાજરી મામલે તમામ શાળાના આચાર્યોને વાલીઓની સમંતિ મેળવવા પણ જણાવી દેવાયું છે.

દરમિયાન ગિર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગિર સોમનાથ જિલ્લામાં ધોરણ 1 થી 5માં કુલ 69,351 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આમ, જૂનાગઢ અને ગિર સોમનાથ મળી સોરઠના ધોરણ 1 થી 5ના કુલ 1,67,291 વિદ્યાર્થીઓ હવે શાળામાં જઇ શિક્ષણ મેળવી શકશે. જોકે, આ માટે કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

1 થી 5ની સ્કૂલ શરૂ થતા શાળા સંચાલકો આનંદમાં
ઉનામાં સોમવારથી ધોરણ 1 થી 5ની શાળા ફરી શરૂ થવાની હોય શાળા સંચાલકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ઉના તાલુકામાં 111 સરકારી શાળામાં 19,708 જ્યારે 82 ખાનગી શાળામાં 5,520 મળી કુલ 193 શાળાઓમાં 25,228 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ત્યારે સોમવારથી વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ મેળવતા થશેે. આમાં, એકાંતરા દિવસ મુજબ અને 50 ટકાની ક્ષમતાને ધ્યાને લઇ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવામાં આવશે.

જૂનાગઢ જિલ્લાની વિગતો
જૂનાગઢ જિલ્લામાં ધોરણ 1 થી 5માં 724 સરકારી શાળા છે જેમાં 53,318 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જ્યારે 438 ખાનગી સ્કૂલ છે જેમાં 43,757 વિદ્યાર્થીઓ છે. જ્યારે અન્ય 21 શાળામાં 865 વિદ્યાર્થીઓ છે. આમ, કુલ 1,183 શાળામાં 97,940 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

ગિર સોમનાથ જિલ્લાની વિગતો
ગિર સોમનાથ જિલ્લામાં ધોરણ 1 થી 5માં તાલાલા, વેરાવળ, સુત્રાપાડા, ઉના, કોડીનાર અને ગિર સોમનાથમાં મળી કુલ 69,351 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

20 મહિના બાદ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ
કોરોના મહામારીના કારણે 15 માર્ચ 2020થી તમામ સ્કૂલોને બંધ કરી દેવાઇ હતી. જોકે, બાદમાં તબક્કા વાર શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. જ્યારે ધોરણ 1 થી 5માં 22 નવેમ્બર 2021થી ઓફલાઇન- પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરાશે. આમ, 20 મહિના બાદ ઘોરણ 1 થી 5ની શાળાઓ ખુલશે.

અન્ય સમાચારો પણ છે...