અનોખી ઉજવણી:વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ અંગે જાગરુકતા લાવવાના હેતુસર 16 બાળકો સ્કેટિંગ કરી જૂનાગઢથી સોમનાથ પહોંચ્યા

ગીર સોમનાથ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢથી સોમનાથ સુધીનું 100 કીમીનું અંતર સાત કલાકમાં કાપી સોમનાથ પહોંચ્યા

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ આવે અને વિશ્વનું કલ્યાણ થાય તે હેતુસર 13 જેટલા બાળકો સ્કેટીંગ કરતા કરતા જૂનાગઢથી 100 કીમીનું અંતર કાપી સોમનાથ પહોચ્યા હતા. આ સાહસિકતા દાખવનાર તમામ બાળકો 8 થી 16 વર્ષના એક સ્કેટીંગ કલાસીસના હોવાનું જાણવા મળેલ છે. અત્રે પહોચતા સ્થાનિક લોકોએ બાળકોને આવકાર્યા હતા બાદ તમામે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર સંસ્થાઓ, લોકો દ્વારા પોતાની રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢના 13 જેટલા બાળકોએ સાહસિકતા દેખાડી છે. જે અંગે તેમની સાથે આવેલ બીનાબેન સાવલિયાએ એક વાતચીતમાં જણાવેલ કે, લોકોમાં પર્યાવરણ અંગે જાગરૂકતા આવે અને વિશ્વનું કલ્યાણ થાય તે હેતુસર જૂનાગઢમાં અમારા સ્કેટીંગ કલાસીસમાં આવતા 8 થી 16 વર્ષના 13 બાળકોએ જુનાગઢથી સોમનાથ સુધીનું સ્કેટીંગ કરીને જવાનું નક્કી કર્યુ હતુ. તે મુજબ આજે સવારે 13 બાળકોએ જુનાગઢ ખાતેથી હર હર મહાદેવના જય ઘોષ સાથે સ્કેટીંગ કરવાનું શરૂ કરી 100 કીમીનું અંતર સ્કેટીંગ કરતા કરતા કાપી યાત્રાધામ સોમનાથ પહોંચ્યા હતા. આ અંતર કાપતા બાળકોને સાતેક કલાક જેવો સમય લાગેલ હતો. બાળકોની આ સાહસિકત સફરમાં તેમની સાથે વાહનોમાં વાલીઓ સહિતના સાથે રહ્યા હતા.

વધુમાં આ સફર આજના પર્યાવરણ દિવસે કરવા પાછળ લોકોમાં જાગરૂકતા અને રમત- ગમત ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકાય છે. જે દિશા તરફ બાળકો અને વાલીઓનું ધ્યાન જાય અને ગુજરાતના બાળકો સ્પોર્ટસમાં આગળ વધે તે હોવાનું જણાવેલ હતુ. સ્કેટીંગ કરીને સોમનાથ પહોંચેલા તમામ બાળકો અને સાથે રહેલા વાલીઓને અત્રે આવકાર્યા હતા. બાદમાં તમામે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી ભાવવિભોર બની ગયા હતા.

6 કલાકમાં 105 કિમીનું અંતર કાપ્યું
સ્કેટીંગ યાત્રાની શરૂઆતની વિધી 5:30 વાગ્યે કરાઇ હતી પરંતુ યાત્રા શરૂ થઇ હતી 6 વાગ્યે જે સોમનાથ પહોંચી હતી 2 વાગ્યે. જોકે, યાત્રાનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું તેમજ જરૂર જણાય ત્યાં થોડો રેસ્ટ કરાયો હતો જેમાં 2 કલાક નિકળી ગયો હતો. આમ, 6 થી 2 સુધીના 8 કલાકમાંથી 2 કલાક બાદ કરતા 5 થી 13 વર્ષના 15 બાળકોએ માત્ર 6 કલાકમાં સ્કેટીંગ કરી 105 કિમીનું અંતર કાપ્યું હતું.- ભાવેશભાઇ વેકરીયા, અખંડ ભારત સંઘ.

મેડીકલ કિટ પણ સાથે હતી
105 કિમીનો રૂટ અને બપોરના સમયે ગરમી પણ વધી જતી હોય ત્યારે કોઇપણ બાળકને કંઇ પણ મુશ્કેલી સર્જાય તો તુરત પ્રાથમિક સારવાર મળી રહે તે માટે મેડિકલ કિટ સાથે રખાઇ હતી. જોકે, ભોળાનાથના આશિર્વાદ સાથે રહ્યા હતા જેના કારણે એકપણ બાળકને કંઇપણ મુશ્કેલી થઇ ન હતી અને વિના વિધ્ને 105 કિમીની સ્કેટીંગ યાત્રા સંપન્ન થઇ હતી.

વાલીઓનો આભાર કે સ્કેટીંગ માટે હા પાડી
ખાસ કરીને વાલીઓનો આભાર માનવો ઘટે કારણ કે, તેમણે પોતાના 5 વર્ષથી 13 વર્ષના બાળકોને સ્કેટીંગ કરી જૂનાગઢથી સોમનાથ સુધી જવાની હા પાડી. જો તેમનો સાથ અને સહકાર ન હોત તો આ શક્ય બન્યું ન હોત. - કિર્તિબેન વ્યાસ, શિવ સ્કેટીંગ ક્લાસીસ.

અન્ય સમાચારો પણ છે...