1 ડિસેમ્બરે જૂનાગઢની 5 વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે આ ચૂંટણીમાં 100 પરિવારોને મતદાન મથક સુધી પહોંચાડી, મતદાન કરાવવાનો સંકલ્પ વિદેશમાં બેઠેલા જૂનાગઢના નાગરિકે કર્યો છે. આ અંગે જૂનાગઢની ગોકુલધામ સોસાયટીના પ્રમુખ કાંતિભાઇ જાંજરૂકીયાએ જણાવ્યું હતું કે, માત્ર મતદાન કરવું જ નહિ અન્યને મતદાન કરાવવું એ પણ આપણી નૈતિક ફરજ છે. હાલ હું ભારતથી 15,000 કિમી દૂર ન્યૂઝીલેન્ડ છું. આમ છત્તાં ભારતના લોકશાહીના પર્વને શાનદાર રીતે ઉજવાય અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સતત પ્રયત્નશીલ છું.
ખાસ કરીને 1 ડિસેમ્બરે જૂનાગઢમાં યોજાનાર ચૂંટણીમાં મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા મે એક સોશ્યલ મિડીયામાં ગૃપ બનાવ્યું છે. આ ગૃપ દ્વારા માર સંપર્કમાં રહેલા લોકોને મતદાન કરવા સતત જાગૃત કરી રહ્યો છું. સાથે ગૃપમાં મેસેજ કર્યો છે કે જે લોકો મતદાન કરવા તૈયાર હોય તે માત્ર મેસેજ કરે કે, હું તૈયાર છું, મતદાન કરવા માટે. મારા સંપર્કના તમામ લોકોને આ રીતે મતદાન કરવા તૈયાર કરી રહ્યો છું.
હું ભલે વિદેશમાં છું, છત્તાં દેશની લોકશાહીને બચાવવાની ચિંતા કરી રહ્યો છું. મારી ઇચ્છા ઓછામાં ઓછા 100 પરિવારોને મતદાન મથક સુધી પહોંચાડી, મતદાન કરાવવાનો છે. મત કોને આપવો તે તમારે નક્કી કરવાનું છે, પરંતુ મતદાન કરવાનું છે ચોકક્સ. જો આ રીતે લોકો જાગૃત થાય તો જિલ્લા કલેકટર રચિત રાજે આ વર્ષે મતદાનની ટકાવારી 63 ટકાથી વધારીને 82 ટકા કરવાની નેમ રાખી છે તે સાર્થક થશે અને કદાચ 100 ટકા મતદાન પણ થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.